થોડાક સમય પૂર્વેની જ વાત છે. ૬૭ વર્ષના જગપ્રસિદ્ધ હોલિવૂડ એક્ટર બ્રૂસ વિલીસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને અલવિદા કરવાની જાહેરાત કરીને દુનિયાભરના ફિલ્મચાહકોને ચોંકાવી દીધા હતા. આ પછી તેમના પરિવારે જાહેર કર્યું કે તેઓ અફેજિયા નામની બીમારી પીડાઇ રહ્યા છે. આ સાંભળીને બ્રૂસ વિલીસના ચાહકોથી માંડીને સહુ કોઇ વિચારતા થઇ ગયા કે તેમના ચહેરામહોરા પરથી તો કોઇ બીમારીથી પીડાતા હોવાનું જણાતું નથી. પરંતુ વાત એમ છે કે આ બીમારી શારીરિક નથી, પણ માનસિક છે. એક અંદાજ મુજબ ૬૫થી વધુ ઉંમરના લોકોમાંથી લગભગ 15 ટકા લોકોમાં અફેજિયાના કોઈને કોઈ લક્ષણ જોવા મળે છે.
આ અફેજિયા છે શું? તબીબી નિષ્ણાતો કહે છે કે આ એક પ્રકારનો માનસિક વિકાર છે, જે વ્યક્તિના કમ્યુનિકેશન સ્કીલને પ્રભાવિત કરે છે. તેનાથી પીડિત વ્યક્તિની બોલવા, વાંચવા, લખવાથી માંડીને તેની અભિવ્યક્તિની ક્ષમતા પ્રભાવિત થઈ જાય છે.
• અફેજિયા થવાનું કારણ શું? ઈજા અથવા ડિમેન્શિયાને કારણે આ બીમારી થવાની શક્યતા છે. આનાથી બોલચાલ સંબંધિત કાર્યપ્રણાલીને નિયંત્રિત કરતો મગજનો ભાગ પ્રભાવિત થવા લાગે છે. જેના કારણે બીમારીના લક્ષણ દેખાવા લાગે છે. વ્યક્તિને ભાષા સમજવા, બોલવા, શબ્દોના ઉચ્ચારણ અને વાતચીત કરવામાં સમસ્યા વર્તાવા લાગે છે. માથાની ઈજા, સ્ટ્રોક, બ્લડ લીકેજ, મગજમાં સંક્રમણ અને ડિમેન્શિયા જેવા વિકાર અફેજિયાના મુખ્ય કારણ ગણાય છે.
આ બીમારી મુખ્યત્વે ચાર પ્રકારની જોવા મળે છેઃ
(1) એક્સપ્રેસિવ અફેજિયા એટલે કે વાત કહેવા, લખવામાં મુશ્કેલી પડવી, જ્યારે ખબર હોય કે શું કહેવાનું છે.
(2) રિસેપ્ટિવ અફેજિયા એટલે કે પીડિત અવાજ સાંભળી શકે છે, વસ્તુઓ જોઈ શકે છે, પરંતુ તેને શબ્દમાં કરી શકતો નથી.
(3) અનોમિક અફેજિયા એટલે કે દર્દીને કોઈ વસ્તુ, શહેર કે કોઈ ઘટના માટે યોગ્ય શબ્દ પસંદ કરવામાં મુશ્કેલી પડે છે. અને ચોથું...
(4) ગ્લોબલ અફેજિયા એટલે કે પીડિત બોલી શકતો નથી, લખી શકતો નથી. હા તે વાંચીને અને સમજી શકે છે. અફેજિયાનો આ પ્રકાર સૌથી ગંભીર ગણાય છે.
• અફેજિયાનો ઈલાજ શું છે? નિષ્ણાતો સૂચવે છે કે અફેજિયાની બીમારીના ઉપચારમાં બે બાબત મુખ્ય છે. એક તો, સ્પીચ થેરપી અને બીજું, અસરકારક ભાવનાત્મક સપોર્ટ. અફેજિયાનો ઈલાજ બીમારીની ગંભીરતા પર નિર્ભર કરે છે. તેના માટે લેંગ્વેજ થેરપી, ટોક થેરપી અથવા ટાન્સક્રેનિયલ મેગ્નેટિક સ્ટિમ્યુલેશન (મગજને ઉત્તેજિત કરતી ટેક્નિક)ની મદદ લેવામાં આવે છે. જોકે સૌથી મહત્ત્વની બાબત છે પરિવારનો ભાવનાત્મક
સપોર્ટ, આ બાબત અત્યંત જરૂરી છે. પરિવારના ભાવનાત્મક સાથ-સહકાર વગર કોઇ પણ પ્રકારની સારવાર ખાસ અસરકારક પુરવાર થતી નથી.