સાતેક વર્ષના એક બાળકે પોતાના ૭૬ વર્ષના દાદાને આદેશ આપ્યો કે તેઓ ફોટો પાડવાનું બંધ કરે અને મોબાઇલને બાજુમાં મુકી દે. મોટા ભાગના લોકો સહજપણે વિચારશે કે તેમણે તો ક્યારેય પોતાના દાદા સાથે આ રીતે આદેશાત્મક સૂરે વાત કરવાની હિંમત કરી નથી.
જો કોઇ બાળક આવો વ્યવહાર કરે છે કે મોટેરાઓની કોઇ વાત માનતો નથી તો શું માતા-પિતા તેનો સારી રીતે ઉછેર નથી કરી રહ્યા? અનેક લોકો કહેશે બાળક બગડી ગયો છે. જોકે, બાળ મનોવિશેષજ્ઞ આવું માનતા નથી. તેમનું કહેવું છે કે તેનાથી ખબર પડે છે કે બાળક ખુદને કેટલો સુરક્ષિત અનુભવે છે.
જૂના સમયમાં બાળકો પરિવારમાં પોતાનું સ્થાન સમજતા હતા અને મોટી ઉંમરના લોકોનું સન્માન કરતા હતા. થોડા દાયકા પહેલાની સરખામણીએ આજે માતા-પિતા અને બાળકોના સંબંધમાં અંતર આવી ગયું છે. વર્તમાન સમયમાં અનેક માતા-પિતા બાળકોને ધમકાવતા કે મારતા નથી. તેઓ તેને સજા આપવાને બદલે સમજાવે-ફોસલાવે છે. પ્રેમ કરે છે. આ કારણે અનેક બાળકો વડીલોની સામે ખુદને સહજ સમજે છે. તેઓ તેમને પડકાર ફેંકે છે અને જરૂર પડે ત્યારે સામો જવાબ પણ આપી દે છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે, આ બાબત એ વાતનો સંકેત આપે છે કે બાળકોનો પોતાના માતા-પિતામાં કેટલો વિશ્વાસ છે.
વર્જિનિયા યુનિવર્સિટીનાં મનોવિજ્ઞાની એમિલી લોએબ કહે છે કે, બાળકો દ્વારા વયસ્કોને પડકાર ફેંકવાને ખરાબ ન સમજવું જોઈએ. બાળકો જ્યારે ખુદને સુરક્ષિત અનુભવે છે ત્યારે તે પોતાનો અવાજ ઉઠાવે છે. દુનિયામાં પોતાનું સ્થાન બનાવે છે. વડીલોનું કાયમ સન્માન અને આદેશ માનવાનો અર્થ છે કે, બાળક તેમનાથી ડરે છે. ન્યૂ યોર્ક ખાતેના મનોચિકિત્સક રેબેકા સ્ક્રેગ કહે છે, માતા-પિતાથી ડરતા બાળકોમાં આત્મવિશ્વાસ ઓછો હોય છે. આથી જ ગેરવર્તણૂક કરતાં બાળકોને મારવા કે ધમકાવવાના બદલે તેમને પ્રેમ આપવો જોઇએ. આનાથી તેમનો આત્મવિશ્વાસ મજબૂત થશે.