લંડનઃ સગર્ભાવસ્થામાં રહેલી મહિલાઓને કેફિનનો ઉપયોગ ટાળવાની સલાહ અપાઈ રહી છે કારણકે તેના વપરાશનું કોઈ સલામત સ્તર નથી અને થોડી માત્રામાં ઉપયોગથી પણ મિસકેરેજ-કસુવાવડનું જોખમ રહે છે તેમ આઈસલેન્ડની રેક્યાવિક યુનિવર્સિટીના સંશોધકોએ જણાવ્યું છે. જોકે, વર્તમાન ભલામણ એવી છે કે મહિલાએ રોજના ૨૦૦ મિ.ગ્રામ કરતાં વધુ કેફિન લેવું ન જોઈએ.
ગત ૨૦ વર્ષના ગાળામાં પ્રસિદ્ધ ૪૮ અભ્યાસોના તારણોનું મૂલ્યાંકન કરતા રેક્યાવિક યુનિવર્સિટીનાં સંશોધનમાં ચેતવણી આપવામાં આવી છે કે સગર્ભા મહિલાઓએ તેમનાં બાળકનાં આરોગ્યને ખાતર કેફિન લેવાનો ત્યાગ કરવો જોઈએ. સંશોધને જણાવ્યું છે કે સગર્ભા અથવા બાળક માટે પ્રયાસ કરતી મહિલાઓ માટે કેફિનના વપરાશનું કોઈ સલામત પ્રમાણ નથી. કેફિનની થોડી માત્રા પણ કસુવાવડ, મૃત બાળક અથવા અલ્પ વજનનાં બાળકનું જોખમ વધારે છે. જોકે, નિષ્ણાતોએ આ તારણોને વધુપડતાં ચેતવણીસૂચક ગણાવી કહ્યું હતું કે મધ્યમ પ્રમાણ સલામત હોવાનું દર્શાવતા વર્તમાન અભ્યાસોના વિરોધમાં છે.
દિવસમાં ૨૦૦ મિ.ગ્રામ- આશરે બે કપ કોફીથી વધુ વપરાશ નહિ કરવાની સલાહ આપનારી રોયલ કોલેજ ઓફ ઓબ્સ્ટ્રેશિયન્સ એન્ડ ગાયનેકોલોજિસ્ટ્સ (RCOG)એ કહ્યું છે કે તેઓ પોતાની સલાહ બદલશે નહિ. જોકે, નવા સંશોધનના આલેખક પ્રોફેસર જેક જેમ્સના પેપરમાં દાવો કરાયો છે કે મહિલાઓ કેફિનના કહેવાતા સલામત પ્રમાણનો ઉપયોગ કરે છે તેમ છતાં, દર વર્ષે હજારો બાળકોને નુકસાન પહોંચે છે. આઈસલેન્ડની રેક્યાવિક યુનિવર્સિટીના સંશોધકોના મૂલ્યાંકનો અનુસાર અલ્પ પ્રમાણમાં કેફિન લેવાથી કસુવાવડનું જોખમ ૩૬ ટકા, સ્ટિલબર્થ (મૃત બાળક)નું જોખમ ૧૯ ટકા અને અલ્પ વજનનાં બાળકનું જોખમ ૫૧ ટકા સુધી વધે છે. આ ઉપરાંત, બાળપણના લ્યૂકેમિયા અને સ્થૂળતાનું સંભવિત જોખમ પણ રહે છે.