લંડનઃ સગર્ભાવસ્થાના પ્રારંભિક સમયમાં મહિલા તાણ અનુભવતી હોય તો તેની અસર તેના પૌત્ર-પૌત્રીના જન્મ થવાની શક્યતા પર પડતી હોવાનું અભ્યાસમાં જણાયું હતું. જે મહિલાઓને ગર્ભાવસ્થાના શરૂઆતના ૧૮ અઠવાડિયામાં તંગદિલીભર્યા પ્રસંગોનો સામનો કરવો પડ્યો હોય અને તેનો છોકરો મોટો થાય ત્યારે તેના સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો, આ બન્ને વચ્ચે સંબંધ હોવાનું સંશોધકોને જણાયું હતું.
તેમનું માનવું છે કે સગર્ભાવસ્થાનો પ્રારંભિક સમયગાળો બાળકના જનનેન્દ્રિયના વિકાસ માટે ખૂબ સંવેદનશીલ હોય છે. હ્યુમન રિપ્રોડક્શન જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલમાં ૨૦ વર્ષના ૬૪૩ પુરુષો અને તેમની માતાઓનો અભ્યાસ કરાયો હતો. તેમણે પુરુષોના સ્પર્મ કાઉન્ટ અને ટેસ્ટોસ્ટેરોનની ઘનતાનો ટેસ્ટ કર્યો હતો અને તેમની માતાઓને પૂછાયેલા સવાલોના જવાબો સાથે તેની સરખામણી કરી હતી.