સતત એકલતા સ્ટ્રોકનું જોખમ વધારે
માનવી સામાજિક પ્રાણી છે અને તેને એકલાં રહેવું ગમતું નથી. આમ છતાં, સંજોગો અને બીમારીના કારણે તેણે એકલતાનો સામનો કરવો ત્યારે ભારે તકલીફ સહન કરવાની થાય છે. ભીડમાં પણ તેને એકલતા અનુભવાય છે. લોકો એકલતા અનુભવે તેના ઘણા કારણ હોઈ શકે છે, કેટલાંક આંતરિક અને કેટલાંક કારણ બાહ્ય હોય છે. એકલતાના કારણે માનવીને શારિરિક, માનસિક અને વર્તનની દૃષ્ટિએ જોખમો સર્જાય છે. ધ લાન્સેટના ઈક્લિનિકલ મેડિસિનમાં પ્રસિદ્ધ નવા અભ્યાસ અનુસાર લાંબા સમય સુધી સતત એકલતાની લાગણીનો અનુભવ સ્ટ્રોકના શિકાર થવાનું જોખમ વધારે છે. સંશોધકોએ 2006થી 2018ના ગાળામાં કરાયેલા હેલ્થ એન્ડ રિટાયરમેન્ટ સ્ટડીના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. જે લોકોએ એકલતાનો રિપોર્ટ કર્યો હતો તેમનો ચાર-ચાર વર્ષના અંતરે ઈન્ટરવ્યૂ લેવાયો હતો ત્યારે સ્ટ્રોકનું જોખમ56 ટકા જેટલું ઊંચુ રહેવાનું બહાર આવ્યું હતું. અભ્યાસમાં ભાગ લેનારા 8,936 લોકોની વય 50 વર્ષની હતી અને તેમને કદી સ્ટ્રોક આવ્યો ન હતો. પ્રશ્નોના ઉત્તરના આધારે તેમની એકલતાને રિવાઈઝ્ડ UCLA લોન્લીનેસ સ્કેલ પર માપવામાં આવી હતી. વ્યક્તિ એકલતા અનુભવે તેનો અર્થ એ છે કે તે પોતાની કાળજી બરાબર લઈ શકતી નથી. માનસિક તણાવના કારણે તેનું બ્લડ પ્રેશર વધેલું રહે છે. પોતાને જ નુકસાન પહોંચાડે તેવી વધુ શરાબપાન, વધુ ખોરાક, સિગારેટ અથવા ડ્રગ્સના વધુ ઉપયોગ સહિત વર્તણૂંકના રવાડે ચડી જાય છે. સામાજિક સંબંધો જળવાતા નથી. મહત્ત્વનું તારણ એ પણ હતું કે 18થી 22 વયજૂથના લોકો માટે તેમના તરફ કોઈ ધ્યાન આપતું નથી તેવી પીડાની લાગણી સાથે એકલતાનું જોખમ વધુ રહે છે. વયોવૃદ્ધો માટે પણ આવી જ સમસ્યા સર્જાય છે. જોકે, કેટલાક લોકો ઈરાદાપૂર્વક એકલા રહેવાનું પસંદ કરે છે અને પોતાના સ્વાસ્થ્યની અસરકારક કાળજી લેતા રહે છે તેમને સ્ટ્રોકનું જોખમ ઓછું નડે છે.
•••
યુવાનીમાં લીધેલો આરોગ્યપ્રદ આહાર ડિમેન્શીઆથી બચાવે
યુવાની અને મધ્ય વયમાં લીધેલો આરોગ્યપ્રદ ખોરાક પાછલી જિંદગીમાં સ્મૃતિભ્રંશ એટલે કે ડિમેન્શીઆથી બચાવવામાં મદદરૂપ નીવડે છે. અમેરિકન સોસાયટી ફોર ન્યુટ્રિશનની કોન્ફરન્સ સમક્ષ યુકેમાં નેશનલ રિસર્ચ પ્રોજેક્ટના ભાગરૂપે 1946માં જન્મેલા 3059 વયસ્કોનો ડેટા રજૂ કરાયો હતો. આ લોકો 75 વર્ષના થયા ત્યાં સુધી તેમના પર નજર રખાઈ હતી. આ ડેટામાં જણાવાયું હતું કે સરેરાશ 43 વર્ષની વયે વ્યક્તિના આહારની ગુણવત્તાથી પાછલી જિંદગીમાં ડીમેન્શીઆના જોખમ વિશે આગાહી કરી શકાય છે. જે લોકોએ લીલાં પાંદડાદાર શાકભાજી અને આખા અનાજનો ઉપયોગ કર્યો હતો તેમના મગજ 69 વર્ષની વયે પણ સક્ષમ કામગીરી બજાવતા હતા. આ લોકોના મેમરી ટેસ્ટ લેવાયા હતા. મેમરી ટેસ્ટમાં ખરાબ પરફોર્મન્સ કરનારા ગ્રૂપમાં 59 ટકા લોકોના આહારની ગુણવત્તા ઓછી હતી જ્યારે 7 ટકાના આહારની ગુણવત્તા ઊંચી હતી. બીજી તરફ, સૌથી સારી મેમરી સાથેના ગ્રૂપમાં 36 ટકાના આહારની ગુણવત્તા શ્રેષ્ઠ હતી અને 8 ટકાના આહારની ગુણવત્તા નીચી હતી. અભ્યાસ અનુસાર 50થી ઓછી વયે લેવાતો આહાર પાછલી જિંદગીમાં સ્મરણશક્તિ પર અસરની આગાહી કરે છે. આ ઉંમરે દિવસમાં થોડા વધુ શાકભાજી, કઠોળ, આખાં ફળ અને અનાજ ખાવા સહિત તમારા આહારની ગુણવત્તા જેટલી વધશે તેના પ્રમાણમાં મગજની કામગીરી ખરાબ થવાનું જોખમ 4 ટકા જેટલું ઘટે છે. બ્રેઈન ફૂડ તરીકે ઓળખાતા આહારમાં રહેલા એન્ટઓક્સિડન્ટ્સ શરીરમાં સોજા ઘટાડવાની સાથે મગજને રક્તપ્રવાહનું પ્રમાણ વધારે છે. યુકેમાં લગભગ એક મિલિયન લોકોને ડીમેન્શીઆ છે અને આશરે 40 ટકા કેસ શરાબપાન, ધૂમ્રપાનના ત્યાગ અને આરોગ્યપ્રદ આહાર જેવા લાઈફસ્ટાઈલ ફેરફાર થકી અટકાવી શકાય છે.