મોસ્કોઃ છેવટે કેન્સરને હરાવવાનો સમય આવી ગયો છે. રશિયાએ દાવો કર્યો છે કે તેણે કેન્સર નાબૂદ કરવા માટે દુનિયાની પહેલી વેક્સિન બનાવી લીધી છે. તેને રશિયામાં આવતા વર્ષથી વિનામૂલ્યે અપાશે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયના રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર આન્દ્રેઈ કાપ્રિનના મતે આ એમઆરએનએ વેક્સિન છે. જે તમામ પ્રી-ક્લિનિકલ પરીક્ષણોમાં પાસ થઇ ચૂકી છે. તેણે કેન્સર સેલ્સને વધતાં રોકવા ઉપરાંત મેટાસ્ટેટિસ સ્તર સુધી પહોંચવાથી રોકવાની ક્ષમતા દર્શાવી છે. રશિયા એઆઈની મદદથી કેન્સરની પર્સનલાઈઝ્ડ રસી પણ બનાવી રહ્યું છે, જે માત્ર એક કલાકમાં તૈયાર થઇ જશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ના મુજબ 2023માં કેન્સરના દુનિયાભરમાં 2 કરોડ નવા કેસ નોંધાયા હતા. 97 લાખ મોત થયાં હતાં. દર પાંચમાંથી એક વ્યક્તિને પોતાના જીવનકાળમાં કેન્સર થઈ રહ્યું છે. તેથી રશિયાની વેક્સિનને સદીની શોધ માનવામાં આવે છે.
વેક્સિન કેવી રીતે કામ કરશે? એમઆરએનએ એટલે કે મેસેન્જર-આરએનએ. તે જેનેટિક કોડનો હિસ્સો છે, જે આપણી કોશિકાઓમાં પ્રોટીન બનાવે છે. કેન્સર સેલ્સ સ્વસ્થ કોશિકાઓમાં છુપાયેલા હોય છે, તેથી આપણી ઈમ્યુન સિસ્ટમ તેને શોધી નથી શકતી, પરંતુ તેના સરફેસની ઉપર વિશેષ પ્રકારના પ્રોટીન નીકળે છે, જેને શોધીને ઈમ્યુન સિસ્ટમ તેના પર એટેક કરી શકે છે. એમઆરએનએ એ પ્રોટીનને શોધીને ઈમ્યુન સિસ્ટમને તેની વિરુદ્ધ સક્રિય કરે છે. તેનાથી શરીરમાં એન્ટિજન બનશે અને તેનાથી એન્ટિબોડી બનશે, જે કેન્સર સેલ્સને નષ્ટ કરશે.
રશિયાની વેક્સિન કોને અપાશે? માત્ર કેન્સરના દર્દી, કારણ કે તે ટ્યુમરને રોકે છે.
વેક્સિન બજારમાં ક્યારે મળશે? રશિયાએ આ જાણકારી નથી આપી. પરંતુ સંકેત આપ્યા છે કે જાન્યુઆરી 2025ના અંત સુધીમાં લોન્ચ થઇ જશે.
પર્સનલાઇઝડ વેક્સિન એટલે શું? મતલબ કે જે વ્યક્તિને જેવું કેન્સર, માત્ર તેની જ વેક્સિન બનશે. માત્ર એક કલાકમાં આ પ્રકારની વેક્સિન તૈયાર થઇ જશે. હાલ કેન્સરના પ્રકાર, તેના પ્રોટીન અને તેની પર કામ કરવાલાયક વેક્સિનની ગણતરીમાં ઘણો સમય લાગે છે. કારણ કે તેને મેટ્રિક્સ મેથડથી કેલક્યુલેટ કરાય છે. એઆઈ-ન્યૂરલ નેટવર્ક કમ્પ્યુટિંગથી તે કામ અડધા કલાકમાં જ થઈ જશે અને વેક્સિન એક કલાકમાં બની શકશે. જોકે મહત્ત્વનો સવાલ એ છે કે આ વેક્સિન માત્ર ટ્યુમરનો વિકાસ રોકશે? ના, વેક્સિન કેન્સરને શરીરના બાકી હિસ્સાઓમાં ફેલાવાથી પણ રોકશે. ફેલાવાની સ્થિતિને મેટેસ્ટેસિસ કહે છે.