લંડનઃ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સપ્તાહમાં એક અથવા બે વખત એસ્પિરીનની ટીકડીઓ લેવાથી કેટલાક જીવલેણ કેન્સર થવાનું જોખમ ઘટાડી શકાય છે. આ દવાના નિયમિત ઉપયોગથી જઠર અને અન્નનળીનાં કેન્સરનું જોખમ ઘટે છે એટલું જ નહિ, આંતરડાના કેન્સર થવાનું જોખમ ૨૭ ટકા ઘટે છે તેમ ૪૫ અભ્યાસોના તારણો જણાવે છે. એસ્પિરીન લોહીને ઓછું ચીકણું અને પાતળું બનાવી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડવા માટે તો જાણીતી દવા છે. મિલાન યુનિવર્સિટીના સંશોધકોએ લોકો અન્ય કઈ દવાઓ લેતા હતા તેને ધ્યાનમાં લીધું નથી.
દવાની દુકાનોએ સસ્તી મળી જતી એસ્પિરીનની ટીકડીઓ કેટલાક જીવલેણ કેન્સરનું જોખમ ઘટાડતી હોવાનો દાવો વિજ્ઞાનીઓએ કર્યો છે. પેઈનકિલર એસ્પિરીન ટ્યુમર્સ બનવામાં મદદ કરતા એન્ઝાઈમ્સને બ્લોક કરતી હોવાનું મનાય છે. સંશોધકોએ એસ્પિરીન લેતા અને નહિ લેતા લોકોની સરખામણી કરતા વિવિધ અભ્યાસોની સમીક્ષા કરી હતી. સંશોધકોને ૧૫૦,૦૦૦થી વધુ લોકોને આવરી લેતા ૪૫ અભ્યાસની સમીક્ષામાં જણાયું હતું કે એસ્પિરીનનો નિયમિત ઉપયોગ જઠર અને અન્નનળીનાં કેન્સરનું જોખમ ૩૩ ટકા તેમજ આંતરડાના કેન્સરનું જોખમ ૨૭ ટકા ઘટાડે છે.
યુકેમાં આઠમાંથી એક વ્યક્તિને આંતરડાના ટ્યુમર્સનું નિદાન થાય છે, જે વાર્ષિક ૪૨,૦૦૦ લોકોથી વધુ છે. રોજ લો ડોઝ અથવા ‘બેબી’ એસ્પિરીનનો ઉપયોગ આંતરડાના કેન્સરનું ૧૦ ટકા જોખમ ઘટાડે છે જ્યારે, રોજ ૩૨૫ mgની ગોળી ૩૫ ટકા ઘટાડા સાથે સંકળાયેલી હોવાનું સંશોધકોને જણાયું હતું. ઈટાલીની મિલાન યુનિવર્સિટીના સંશોધકો દ્વારા સમીક્ષા મુજબ સપ્તાહમાં એક અથવા બે વખત એસ્પિરીન લેતા લોકોમાં પેનક્રિઆટિક કેન્સરનું જોખમ ૨૨ ટકા ઘટે છે. જો તેઓ દાયકાથી દવા લેતા હોય તો જોખમ ૪૪ ટકા જેટલું ઘટે છે.
એસ્પિરીનનો નિયમિત ઉપયોગ લિવર, બાઈલ ડક્ટ (પિત્તવાહિની) અને ગોલ બ્લેડર (પિત્તાશય) સહિતના કેન્સરના જોખમને ૩૮ ટકા જેટલું ઘટાડે છે. જોકે, વરિષ્ઠ સમીક્ષક પ્રોફેસર કાર્લો લા વેછીઆએ જણાવ્યું હતું કે,‘ જઠર અથવા અન્ય કોઈ પણ કેન્સરને અટકાવવા માટે એસ્પિરીનનો ઉપયોગ માત્ર ડોક્ટરની સલાહ સાથે જ કરવો જોઈએ.’