ટોરોન્ટો: કેનેડામાં આલ્કોહોલના સેવનને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ છે કારણ કે અહીં મોટા ભાગના લોકો નિયમિત રીતે આલ્કોહોલ અથવા તો શરાબનું સેવન કરે છે. આવી સ્થિતિમાં સરકારે નવી ગાઇડલાઇન જારી કરીને નાગરિકોને સપ્તાહમાં આલ્કોહોલ ડ્રિન્ક માત્ર બે વખત લેવાની સલાહ આપી છે. કેનેડિયન સેન્ટર ઓન સબસ્ટેન્સ યુઝ એન્ડ એડિક્શન (સીસીએસએ) દ્વારા આલ્કોહોલનું સેવન ઘટાડી દેવાની અપીલ કરતાં ચેતવણી આપી છે કે, આલ્કોહોલના વધારે પડતા સેવનથી કેન્સર, હાર્ટ એટેક અને સ્ટ્રોક સહિત અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઇ શકે છે.
અમેરિકામાં આરોગ્ય વિભાગે પુરુષોને સપ્તાહમાં બે વખત ડ્રિન્ક અને મહિલાઓને એક ડ્રિન્ક લેવાની સલાહ આપે છે. જોકે કેનેડાના નિષ્ણાતો દ્વારા કરાયેલી નવી શોધમાં ખુલાસો કરાયો છે કે, ત્રણથી છ ડ્રિન્કથી મોડરેટ અને સાત અથવા તો વધારે ડ્રિન્ક્સથી જોખમ સતત વધે છે. આના કારણે મોટા આંતરડા અને કેન્સરની સાથે અન્ય બીમારીનું જોખમ વધી જાય છે અને હાર્ટ એટેક, સ્ટ્રોકનો ખતરો પણ વધે છે.
ગાઇડલાઇન મુજબ, સગર્ભા મહિલાઓને તો આલ્કોહોલના થોડાક સેવનથી પણ વધુ નુકસાન થાય છે. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે તો આલ્કોહોલથી દૂર રહેવું એ જ સૌથી સુરક્ષિત છે. હેલ્થ કેનેડાની નવેસરની ગાઇડલાઇન વર્ષ 2011માં જારી ગાઇડલાઇન કરતાં અલગ પ્રકારની છે. યુનિવર્સિટી ઓફ ટોરેન્ટોના પ્રોફેસરનું કહેવું છે કે, આલ્કોહોલ કેટલાક લોકોમાં સ્ટ્રેસને ઘટાડવાનું કામ કરે છે. લોકોને પરસ્પર મળવા અને સંબંધો વધારવામાં મદદ છે. આ બધી દલીલો થાય છે, પરંતુ દરરોજ ડ્રિન્ક લેવાની બાબત ચિંતાનો વિષય છે. નવા રિસર્ચનું તારણ લોકોને ડ્રિન્કસને કન્ટ્રોલ કરવામાં ઉપયોગી સાબિત થશે.