કોલકતા: દુનિયાભરમાં કાર્યસ્થળે મેન્ટલ સ્ટ્રેસના કારણે કરોડો લોકો જાતભાતની શારીરિક અને માનસિક બીમારીઓથી પીડાઈ રહ્યા છે. હવે એક રિપોર્ટ પ્રમાણે કામના કલાકો વધુ હોવાના કારણે હૃદયને લગતી બીમારીઓનો ખતરો અનેકગણો વધી ગયો છે.
એન્વાયર્ન્મેન્ટલ ઈન્ટરનેશનલમાં પ્રકાશિત ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના સંયુક્ત અભ્યાસ પ્રમાણે, નોકરીમાં લાંબો સમય કામ કરવાના કારણે ૨૦૧૬માં હૃદયરોગથી ૭,૪૫,૦૦૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ આંકડામાં તાજેતરના સમયમાં ૨૯ ટકાનો તીવ્ર વધારો થયો છે.
કોરોના મહામારીના કારણે છેલ્લા એક વર્ષ દરમિયાન મોટા ભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. ઘરેથી જ કામ કરવાના કારણે લોકોનો સ્ક્રીન ટાઈમ પણ વધ્યો છે. આઈએલઓના વિશ્લેષણ પ્રમાણે, કામનો બોજ મહિલાઓની સરખામણીમાં પુરુષો પર વધુ પડ્યો છે. ખાસ કરીને ૪૫થી ૭૪ વર્ષની વયજૂથમાં દર સપ્તાહે ૫૫ કલાક કે તેનાથી વધુ સમય કામ કરનારા મૃતકોમાં પુરુષોની સંખ્યા ૭૪ ટકા હતી.
ડોક્ટરો પણ કામના કારણે સર્જાતા તણાવ અને હૃદયરોગની બીમારી વચ્ચે સંબંધ જુએ છે. હૈદરાબાદની મેડિકવર હોસ્પિટલના કાર્ડિયાક ઈલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ ડો. કુમાર નારાયણ કહે છે કે આજકાલ ફક્ત કામ કરવાના કલાકો જ નથી વધ્યા પરંતુ કામનો તણાવ પણ ખૂબ વધી ગયો છે. તેની અસર શરીર પર પડે છે તેના કારણે ખાવા-પીવાની ખોટી આદતો પણ પડે છે. આ સાથે તમાકુનું સેવન વધે છે, ઊંઘ પૂરી નથી થતી તેમજ આળસની મુશ્કેલી પણ વધી જાય છે. આ બધું જ શારીરિક અને માનસિક રીતે હાનિકારક છે.
કામના વધુ કલાકોના કારણે માનસિક રોગોનો ખતરો પણ વધ્યો છે. કામના તણાવના કારણે અનેક લોકો ડિપ્રેશનનો પણ શિકાર થાય છે. ફોર્ટિસ હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગના ડિરેક્ટર ડો. આર. કે. જયસ્વાલ કહે છે કે, નોકરીની અનિશ્ચિતતા અને કામના વધુ કલાકોના કારણે લોકોમાં તણાવ વધ્યો છે. સમયની સાથે વર્કિંગ અવર્સ વધતાં હાર્ટએટેકની શકયતા પણ વધી શકે છે. ખાસ કરીને લોકો સ્મોકિંગ કરે છે, અને કસરત નથી કરતાં તેમનામાં હૃદયરોગ થવાની સંભાવના વધી જાય છે.
માનસિક તણાવની સૌથી વધુ અસર હૃદય પર પડે છે. એટલું નક્કી છે કે લાંબા સમય સુધી કામ કરવું એ હૃદયની બીમારીઓનું મુખ્ય કારણ છે. તે ડાયાબિટીસ અને હાઇ બ્લડપ્રેશર એકસાથે થવા બરાબર છે. હાલના સંજોગોમાં મહામારીથી બચવા માટે વર્ક ફ્રોમ હોમ જરૂરિયાત બની ગયું છે. આથી હેલ્થ એક્સપર્ટ કામના વચ્ચે પોતાના માટે સમય કાઢવાનું પણ ખાસ સૂચવે છે. સાથોસાથ એક્ટિવ લાઇફ સ્ટાઇલ અપનાવી પણ ખૂબ જરૂરી છે. ડોક્ટરો ફેટ અને વધુ નમકવાળા ખોરાક નહીં લેવા પણ સલાહ આપે છે.