લંડનઃ લગભગ ૩૪ ટકા પુખ્ત લોકો દરરોજ મલ્ટિ વિટામીન્સ, ફિશ ઓઈલ કે એન્ટિ ઓક્સિડેન્ટ્સ સહિતના સપ્લિમેન્ટસ (પૂરક આહાર) લે છે જેના કારણે તેના બજારમાં પાંચ વર્ષમાં છ ટકાનો વધારો નોંધાયો છે. સપ્લિમેન્ટસનું વૈશ્વિક બજાર વધીને વાર્ષિક ૩૭ બિલિયન ડોલરનું થયું છે. જોકે, યુએસની વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીના અભ્યાસ અનુસાર સપ્લિમેન્ટસના ફાયદા ઘણા મર્યાદિત છે અને તેનાથી હૃદયરોગ કે વહેલા મોત સામે રક્ષણ મળતું નથી.
વેસ્ટ વર્જિનિયા યુનિવર્સિટીના નિષ્ણાતોએ ૧૬ અલગ અલગ ન્યૂટ્રિશનલ સપ્લિમેન્ટ્સ અને આઠ આહાર સારસંભાળની અસરો નિર્ધારિત કરવા સંયુક્તપણે દસ લાખ લોકોને સાંકળતી ૨૭૭ ટ્રાયલનું વિશ્લેષણ કર્યું હતું. તેમને જણાયું હતું કે બહુમતી પૂરક આહારોથી લોકોનાં મૃત્યુદર અથવા કાર્ડિયોવાસ્કુલર રોગો પર કોઈ તફાવત આવ્યો ન હતો. આરોગ્ય નિષ્ણાતોએ અભ્યાસના તારણોને આવકાર્યા છે પરંતુ, તેનાથી સાચું ચિત્ર મળતું નહિ હોવાનું પણ કહ્યું છે.
સપ્લિમેન્ટ ગોળીઓ આરોગ્યપ્રદ આહારનો શોર્ટ કટ બની શકે તે અંગે નિષ્ણાતો શંકા સેવે છે. આ પિલ્સ સાચા ફૂડનો વિકલ્પ બની શકે તેમ નથી. ‘એનાલ્સ ઓફ ઈન્ટર્નલ મેડિસીન’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર કેટલાક સપ્લિમેન્ટ્સ ચોક્કસ આરોગ્યલક્ષી સમસ્યાઓ સામે થોડું ઘણું રક્ષણ આપે છે. ફોલિક એસિડ સ્ટ્રોક સામે થોડું રક્ષણ આપે છે તેમજ ફિશ ઓઈલમાં રહેલાં ઓમેગા-૩ ફેટી એસિડ્સ હાર્ટ એટેક સામે રક્ષણ આપે છે.
જોકે, મલ્ટિવિટામિન્સ, સેલેનિયમ, વિટામીન એ, બી૬, સી, ડી ઈ તેમજ આયર્નના કારણે કાર્ડિયોવાસ્કુલર રોગો અથવા વહેલા મોત થવા સામે કોઈ ખાસ અસર થતી નથી. આવું જ શાકભાજી, ઓલિવ ઓઈલ અને માછલીથી સમૃદ્ધ મેડેટિરિયન આહાર પણ હૃદયની તંદુરસ્તી અથવા મૃત્યુદર પર અસર કરતો નથી. ખોરાકમાં ચરબીનું પ્રમાણ ઘટાડવાથી હૃદયરોગનું પ્રમાણ ઘટતું નથી. આમ છતાં, મીઠાંનું પ્રમાણ ઘટાડવાથી મૃત્યુદર ઘટે છે. પરંતુ, હાર્ટની સમસ્યા ઘટતી નથી.