લંડનઃ સમગ્ર વિશ્વમાં કોહવાટ-સેપ્સિસના કારણે ૨૦૧૭માં ૧૧ મિલિયન મોત થયા હોવાનું લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રકાશિત સંશોધનાત્મક અભ્યાસમાં જણાવ્યું છે. આ સંખ્યા કેન્સરથી થયેલા મોતથી વધુ છે અને ગરીબ દેશોમાં નાના બાળકોને તેનું વધુ જોખમ હોવાનું પણ અમેરિકી અભ્યાસે જણાવ્યું છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના અંદાજ અનુસાર વિશ્વમાં ૨૦૧૮માં કેન્સરના કારણે ૯.૬ મિલિયન મોત નીપજ્યાં હતાં જેની સરખામણીએ ૨૦૧૭માં ચેપ તથા અન્ય તબીબી પરિસ્થિતિના કારણે સેપ્સિસ-કોહવાટના ૫૦ મિલિયન કેસ હતા અને તેના કારણે ૧૧ મિલિયન લોકોના મોત થયાં હતાં. સીએટલમાં યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટન ખાતે ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ મેટ્રિક્સ એન્ડ ઈવેલ્યુએશન દ્વારા ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ અભ્યાસના ડેટાના વિશ્લેષણથી નવા અંદાજો બહાર આવ્યા છે.
સંશોધનપત્રમાં જણાવાયું છે કે વિશ્વમાં ૨૦૧૭ના કુલ સેપ્સિસ કેસીસમાંથી અડધાથી વધુ કેસ બાળકો સાથે સંબંધિત હતા. લગભગ ત્રણ મિલિયનના મોત થયા હતા જેમાં ઘણાની વય એક મહિના જેટલી જ હતી. નવજાત બાળકોમાં ચેપ અને ન્યૂમોનિયા સામે રસી, સ્વચ્છ જળ તેમજ અન્ય સ્વચ્છતાલક્ષી પગલાંના અભાવે મોતનું કારણ વધે છે. એન્ટિબાયોટિક્સનો સામનો કરતા બેક્ટેરિયા અને વાઈરસીસના લીધે પણ ઘણા ઈન્ફેક્શન્સની સારવાર થઈ શકતી નથી.
યુનિવર્સિટી કોલેજ લંડન ખાતે બ્લૂમ્સબરી ઈન્સ્ટિ્ટ્યૂટ ઓફ ઈન્ટેન્સિવ કેર યુનિટના પ્રોફેસર મેર્વીન સિંગરના કહેવા મુજબ યુકેમાં સેપ્સિસના ૪૭,૮૬૦ કેસ હતા તેમાંથી માત્ર ૧૩,૪૫૫ કેસ ઈંગ્લેન્ડના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરાયાની નોંધ છે.