લંડનઃ હવે સોફ્ટ ડ્રિંકસ માટે લોકોને વધુ નાણાં ખર્ચવા પડશે. બ્રિટિશ સરકારે તા. ૬ એપ્રિલથી સુગર ટેક્સ અમલી બનાવ્યો હતો. તે સિન ટેક્સ તરીકે પણ ઓળખાય છે. વધુ પડતા વજન અને સુગરના કારણે થઈ રહેલી અન્ય બિમારીઓથી બચવા માટે આ ટેક્સ અમલી બનાવાયો છે. સરકાર સોફ્ટ ડ્રિંક્સના ઉત્પાદકો પાસેથી આ ટેક્સ વસુલ કરશે. જોકે, તેનો બોજ ગ્રાહકો પર નાખવો કે કેમ તે કંપની પર નિર્ભર રહેશે.
ઇંગ્લેન્ડના ફાઈનાન્સ સેક્રેટરી જ્યોર્જ ઓસ્બોર્ને ૨૦૧૬માં પહેલી વખત તેની જાહેરાત કરી હતી. ચાન્સેલર ફિલિપ હેમન્ડે પણ ૨૦૧૭માં તેમના બજેટ નિવેદનમાં સુગર ટેક્સ લાદવાની વાત કરી હતી.
નિષ્ણાતોના માનવા મુજબ મોટાભાગની પ્રોડક્ટ્સમાં ખાંડનું પ્રમાણ નક્કી કરેલી માત્રા કરતા વધુ હોય છે તેથી તમામ વસ્તુઓ મોંઘી બનશે. સુગર ટેક્સથી સરકારને દર વર્ષે ઓછામાં ઓછા ૨૩ કરોડ ૯૦ લાખ પાઉન્ડ મળે તેવી શક્યતા છે. એક્સચીકર સેક્રેટરી રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે નવા ટેક્સનો હેતુ ખાસ કરીને બાળકોમાં વધી રહેલી સ્થૂળતાને રોકવાનો છે. ટેક્સ દ્વારા જે પણ નાણાં આવશે તેનાથી સ્કૂલોમાં ખેલ-કૂદની સુવિધાઓ વિકસાવવામાં આવશે. બાળકોને તંદુરસ્ત બ્રેકફાસ્ટ પણ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે બે વર્ષ પહેલા જ્યારે આ ટેક્સની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે સોફ્ટ ડ્રિંક્સ ઉત્પાદક કંપનીઓ અનેક ઉત્પાદકો વસ્તુઓમાં ખાંડનું પ્રમાણ ૫૦ ટકા ઘટાડી ચૂક્યા છે. જે વાર્ષિક ૪.૫ કરોડ કિલો ખાંડ જેટલુ થાય છે.