સરગવોઃ પ્રોટીન અને ખનીજનો ખજાનો

Wednesday 15th April 2015 05:36 EDT
 
 

શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો. સરગવો મુખ્યત્વે બે રીતે ખવાય છે, એક તો એની શિંગ, અને બીજાં એનાં પાંદડાં. ઘણાને પ્રશ્ન થશે કે સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક ખાધું છે, સરગવાની બાફેલી શિંગો ખાધી છે, સરગવાની શિંગને સાંભાર કે કઢીમાં નાખીને ખાધી છે; પરંતુ સરગવાનાં પાન ખાધાં નથી. સરગવાનાં પાન પોષણનો ભંડાર છે. જે લોકો એના પોષણનું મહત્વ સમજે છે તેઓ આ પાનનો મૂઠિયાં-થેપલામાં નાખીને ઉપયોગ કરે છે. ઘણા આયુર્વેદિક કે નેચરોપથીવાળા લોકો આ પાનનો પાઉડર બનાવીને વેચે છે તો ઘણા લોકો જૂસના રૂપમાં પણ એને પીએ છે.

સરગવાનાં પાન એવાં છે જેમાંથી પ્રોટીન પણ મળે છે. સામાન્ય રીતે શાકભાજીમાંથી પ્રોટીન મળતું નથી, પરંતુ સરગવામાંથી દૂધ કરતાં પણ વધારે પ્રમાણમાં પ્રોટીન મળે છે. ૧૦૦ મિલીલિટર દૂધમાંથી ૪ ગ્રામ પ્રોટીન મળે છે, જ્યારે ૧૦૦ ગ્રામ સરગવાનાં પાનમાંથી ૧૦ ગ્રામ પ્રોટીન મળે છે. ફક્ત પ્રોટીન જ નહીં, દૂધ કરતાં પણ વધુ સારું કેલ્શિયમ સરગવામાંથી મળે છે. આ ઉપરાંત, સરગવામાં ખૂબ વધુ માત્રામાં આયર્ન પણ મળે છે. ગાજર કરતાં વધુ વિટામિન-એ, પેરુ જેટલું વિટામિન-સી, કેળા કરતાં વધુ ફોસ્ફરસ તેના પાનમાં હોય છે. વળી આ બધાં જ પોષકતત્વો સોલ્યુબલ ફોર્મમાં હોય છે. મતલબ કે એ શરીરમાં જઈને પચશે જ અને શરીરને લગભગ પૂરી માત્રામાં મળશે જ એની ગેરન્ટી હોય છે. બીજા શાકભાજીમાં આવા ગુણ બહુ ઓછા જોવા મળે છે. સરગવાની શિંગમાંથી પણ આ બધાં જ પોષકતત્વો મળે છે, પરંતુ પાન કરતાં શિંગમાં એનું પ્રમાણ ઘટી જાય છે. આમ પાન વધુ ગુણકારી છે, પરંતુ શિંગ પણ બીજી શાકભાજી કરતાં વધુ ગુણકારી છે.

સરગવાની શિંગ તો આપણે અલગ-અલગ રીતે ખાઈએ જ છીએ, પરંતુ સૌથી શ્રેષ્ઠ રીત છે સરગવાની શિંગ અને દૂધીનો જૂસ. આમાં સરગવાની શિંગને બાફીને દૂધીની સાથે ક્રશ કરીને જૂસ બનાવવામાં આવે છે. શિંગને ખાલી બાફેલી ખાવામાં આવે તો પણ એ ઘણી જ ગુણકારી સાબિત થાય છે.

સરગવાનાં પાનને કઈ રીતે ખાવાં જોઇએ? નિષ્ણાતો કહે છે કે જે રીતે આપણે પાલકની ભાજીનો ઉપયોગ કરીએ છીએ એવી જ રીતે આપણે સરગવાનાં પાનનો ઉપયોગ પણ કરી જ શકીએ. સરગવાનાં પાન ચડતાં વાર લાગે છે અને એનો સ્વાદ ખાસ હોતો નથી. જો એ ખોરાકમાં ઉપયોગમાં લો તો મસાલેદાર વાનગીમાં કરવો જેથી એનો સ્વાદ અલગથી ન આવે. જો વાનગી ન બનાવો તો સરળ જૂસ બનાવી નાખો. દરરોજ ૧૫ મિલીલિટર જેટલો સરગવાનાં પાનનો જૂસ ખૂબ જ ગુણકારી રહેશે.

ફાયદા શું છે?

સરગવાની શીંગ અને પાન ખાવાથી વ્યક્તિને શું ફાયદા થઈ શકે છે એ જાણીએ નિષ્ણાત ડાયેટિશ્યન પાસેથી.

• સરગવાનાં પાન અને સરગવાની શિંગ ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરાવતી મહિલાઓ, મેનોપોઝ ચાલતો હોય તેવી મહિલાઓ, ટીબીના દરદીઓ, રૂમેટોઇડ આર્થરાઈટીસના દરદીઓ, કોઈ પણ જાતની માંદગીમાંથી ઊભા થયા હોય તેવા લોકો માટે અકસીર સાબિત થઈ શકે છે.

• જે કોઇને પાચનને લગતા કોઈ પ્રોબ્લેમ હોય, ગેસ, એસિડિટીની તકલીફ હોય તેમને પણ સરગવાથી ઘણો લાભ થાય છે.

• સરગવામાં રહેલાં પોષકતત્વો વ્યક્તિનો રેઝિસ્ટન્સ પાવર વધારે છે, જેથી તેની રોગપ્રતિકારક શક્તિ પ્રબળ બને છે અને રોગો સામે લડી શકવા તે વધુ સક્ષમ બને છે.

• સરગવાના સેવનથી નાડીને લગતા પ્રોબ્લેમ્સ જેમ કે, ખાલી ચડી જવી, મેમરી લોસ, સ્ટ્રેસ કે ફ્રસ્ટ્રેશન જેવી માનસિક બીમારીઓમાં પણ રાહત મળે છે.

• ડાયાબિટીસના દરદીઓ માટે પણ એ અત્યંત ફાયદાકારક છે.

• સરગવો આંખને સતેજ બનાવે છે, હાડકાંને મજબૂત બનાવે છે.

• જાતજાતનાં બેક્ટેરિયલ અને વાઇરલ ઇન્ફેક્શન સામે એ રક્ષણ પણ આપે છે; જેને કારણે ડેન્ગી, મલેરિયા, ચિકનગુનિયા કે સ્વાઇન ફ્લુ જેવા રોગોથી બચી શકાય છે.

• સરગવો વેઇટલોસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એ ખાવાથી શરીરનું મેટાબોલિઝમ સુધરે છે, પાચનક્રિયા સુધરે છે અને ફેટ્સ બળવાનું શરૂ થાય છે.

• સરગવો કેન્સરના દરદીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે, કારણ કે કેન્સરમાં કેમોથેરપી દ્વારા જે સાઇડ ઇફેક્ટ્સ વ્યક્તિને નડે છે એ સાઇડ ઇફેક્ટમાં સરગવાથી ઘણો ફાયદો થાય છે.

• સરગવો ડિટોક્સિફિકેશન માટે પણ અત્યંત ઉપયોગી છે. એ શરીરમાં ફરતા નકામા કચરા જેને ફ્રી રેડિકલ્સ કહે છે, એને બાંધે છે અને શરીરમાંથી દૂર કરે છે. આથી ત્વચા અને વાળને થતું નુકસાન પણ અટકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter