સર્જિકલ સારવારને બનાવે સરળ: એનેસ્થેસિયા

સદાબહાર સ્વાસ્થ્ય

Tuesday 25th July 2017 07:51 EDT
 
 

કલ્પના કરો કે, તમારો જીવતો નખ કોઇ પક્કડથી ખેંચી કાઢે તો! નખ નીકળે તે પહેલાં જીવ નીકળી જાય. સોયની અણી ભોંકાય તો પણ ભેંકડો તાણે એવા આપણા સંવેદનશીલ શરીર ઉપર ડોક્ટર છરીથી કાપો મૂકે તો પણ શરીર ઉપર પીછું સરકતું હોય એટલો અણસાર પણ ન આવે. તો આ જાદુ કેવો? એવાં તે કેવાં ઇન્જેક્શન હશે કે જે દર્દીને તેના ઓપરેશન વખતે આપવાથી ઓપરેશનની ખબર પણ પડે! અને ઓપરેશન પૂરું થાય એટલે દર્દી વોર્ડમાં વાતો કરતો હોય. આ કમાલ છે એનેસ્થેસિયાની.

એનેસ્થેસિયા આપવું એટલે દર્દીના પૂરેપૂરા શરીરને કે જરૂરી નાના-મોટા ભાગને કે અવયવને દવાઓ દ્વારા પીડારહિત-બહેરું કરવું. સામાન્ય વાતચીતની ભાષામાં આપણે ગુજરાતીઓ બેભાન કરવાવાળા ડોક્ટરને શીશીવાળા ડોક્ટર તરીકે ઓળખીએ છીએ. પહેલાંના જમાનામાં જ્યારે દર્દીને બેભાન કરવાનો હોય ત્યારે દર્દીના નાક પર ટોપી જેવું સાધન રાખી તેના ઉપર શીશીમાં ભરેલું પ્રવાહી રેડવામાં આવતું હતું. પ્રવાહી શ્વાસ દ્વારા ફેફસાંમાંથી લોહીમાં ભળીને દર્દીને બેભાન કરવાનું કામ કરતું હતું. આવું એકાદ દાયકા પહેલાં કરવામાં આવતું હતું. એમાં દર્દી સર્જરી બાદ કેટલા કલાકે ભાનમાં આવશે કહેવું મુશ્કેલ હતું. ઘણી વખત વધુ પડતા એનેસ્થેસિયાને કારણે દર્દીના જીવનું જોખમ વધી જતું હતું. જ્યારે અમુક વખતે પરિસ્થિતિ એવી સર્જાય કે ઓપરેશન ધાર્યા કરતાં લાંબું ચાલે, આવી સ્થિતિમાં અમુક વખત એનેસ્થેસિયાની અસર ઘટવા લાગતી. પરિણામે ડોક્ટર અને દર્દી બંનેને તકલીફ થતી હતી. આ પ્રકારની સ્થિતિ ન સર્જાય અને ડોક્ટર તથા દર્દીને મુશ્કેલીમાં મુકાવાનો વારો ન આવે માટે હવે આધુનિક પદ્ધતિઓ વિકસાવવામાં આવી છે. જેમાં દર્દીને બેભાન કરવા શીશી સુંઘાડવાની જૂનીપુરાણી પદ્ધતિને બદલે અલગ અલગ પ્રકારના ગેસનો ઉપયોગ કરવામાં આવે છે. જે આધુનિક સાધનો દ્વારા દર્દીના શરીરમાં પહોંચાડવામાં આવે છે. આનાથી દર્દીના શરીરને પહેલાં શીશી સુંઘાડવાની જૂની પદ્ધતિમાં જે નુકસાન થતું હતું તે પણ અટકાવી શકાય છે.

પહેલાં શીશી સુંઘાડવામાં આવતી હતી, એની અસર કેટલા કલાક રહેશે જાણી શકાતું નહોતું. હવે આધુનિક એનેસ્થેસિયાની પદ્ધતિ દ્વારા આ જાણી શકાય છે. સૌથી સારી બાબત તો એ છે કે એનાથી દર્દીના ધબકારા, દરેક શ્વાસે તેનું બ્લડપ્રેશર, શરીરમાં ઓક્સિજનનું લેવલ અને લોહીના સર્ક્યુલેશનની સ્થિતિને જાણી શકાય છે. એટલું નહીં, જો જરૂર પડે તો તેમાં સુધારો-વધારો પણ કરી શકાય છે. ઓપરેશન પત્યા બાદ પાંચથી સાત મિનિટમાં દર્દીને સભાનાવસ્થામાં લાવી શકાય છે.

સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે, દરેક ઓપરેશનમાં એનેસ્થેસિયા માટે નક્કી કરેલા ડોઝ દર્દીને આપી દેવામાં આવે છે, પણ ખરેખર એવું હોતું નથી. એનેસ્થેસિયાનો ડોઝ આપતાં પહેલાં ડોક્ટર દર્દીની મેડિકલ હિસ્ટ્રી તપાસે છે. દર્દીને અસ્થમા, ડાયાબિટીસ કે બ્લડપ્રેશર છે કે કેમ? દર્દીને અગાઉ પેરાલિસિસનો એટેક આવી ગયો હોય કે પછી જીવનમાં ક્યારેય અસ્થમા અથવા હાર્ટ એટેકનો હુમલો આવ્યો છે કે નહીં? તેની જાણકારી મેળવે છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એનેસ્થેસિયાનો ડોઝ કેટલા પ્રમાણમાં આપવો નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત દર્દીની ઉંમરને પણ ધ્યાનમાં રાખતા હોય છે કારણ કે દરેક ઉંમરની વ્યક્તિને એનેસ્થેસિયાનો એક સમાન ડોઝ આપી શકાતો નથી.

આ તો થઇ ડોક્ટર તરફથી લેવામાં આવતી તકેદારીની વાત, પણ દર્દીએ પોતેય કેટલીક તકેદારી રાખવી જરૂરી છે. કહેવાનો અર્થ કે ડોક્ટર જે પૂછે તેનો સાચો જવાબ આપવો જોઇએ. ઘણાબધા દર્દી પોતાની મેડિકલ હિસ્ટ્રી છુપાવતાં હોય છે. જો મેડિકલ હિસ્ટ્રી ખોટી હોય તો એનેસ્થેસિયાનો યોગ્ય ડોઝ આપી શકાતો નથી. પરિણામે ઓપરેશન દરમિયાન દર્દીની સ્થિતિ કથ‌ળી શકે છે. દર્દીના શરીરનાં અંગોને નુકસાન થવા ઉપરાંત ક્યારેક દર્દીનો જીવ જવાનું જોખમ પણ રહે છે, કારણ કે સર્જનનું કામ તો ઓપરેશન કરવા સુધી સીમિત હોય છે. ઓપરેશન દરમિયાન દર્દીના ધબકારાથી લઇને પ્રેશર સામાન્ય રહે, શ્વાસોશ્વાસની ક્રિયા વ્યવસ્થિત ચાલે અને શરીરનાં પ્રત્યેક અંગમાં ઓક્સિજન પૂરતો મળી રહે તે બધી બાબતોનું ધ્યાન એનેસ્થેસિયોલોજિસ્ટે રાખવાનું હોય છે. આથી ભૂતકાળમાં દર્દીને કોઇ શારીરિક સમસ્યાઓ સર્જાઇ હોય અથવા હાલમાં કોઇ બીમારીનો ભોગ બન્યા હો તો તેને છુપાવવી ન જોઇએ. ડોક્ટર સાથે મુક્તમને તેની ચર્ચા કરવી જોઇએ. આના લીધે ઓપરેશન દરમિયાન ઊભાં થતાં કોમ્પ્લિકેશનને ડોક્ટર સરળતાથી ટાળી શકે છે. બીજું, દર્દીને ઓપરેશન પછી કોઇ તકલીફનો સામનો કરવો પડતો નથી.

એનેસ્થેસિયાના પ્રકાર

આપણે એનેસ્થેસિયાની વાત કરી, પણ હવે એના પ્રકાર વિશે જાણીએ. એનેસ્થેસિયાના ત્રણ પ્રકાર પાડવામાં આવે છેઃ જનરલ, રિજિયોનલ અને લોકલ. એનેસ્થેસિયોલોજિસ્ટ સારવાર આપતાં પહેલાં દર્દીના સ્વાસ્થ્ય, બીમારી અને સર્જિકલ ટ્રીટમેન્ટને ધ્યાનમાં રાખે છે. દરેક પ્રકારના એનેસ્થેસિયા દર્દીને સાઇડ ઇફેક્ટ ન થાય તે પ્રકારે અપાય છે.

• લોકલ એનેસ્થેસિયાઃ શરીરના કોઇ ભાગમાં ટાંકા લેવાની જરૂર પડે ત્યારે લોકલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. જેમ કે, માથામાં કે હોઠ પર ઇજા થઇ હોય ત્યારે શરીરના જે તે ભાગમાં એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપવામાં આવે છે. તેના દ્વારા શરીરનો થોડો ભાગ સંવેદનહીન બનાવી શકાય છે.

• જનરલ એનેસ્થિસિયાઃ જનરલ એનેસ્થેસિયા નસ અને શ્વાસનળીમાંથી આપવામાં આવે છે. જે દર્દીને હિપ અને ની રિપ્લેસમેન્ટ વખતે, બાયપાસ, ફેફસાં, હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ, બ્રેઇન, લીવર કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન આપવામાં આવે છે. જનરલ એનેસ્થેસિયામાં દર્દી બિલ્કુલ સભાન અવસ્થામાં હોતો નથી. આમ, મોટા ઓપરેશનમાં દર્દીને જનરલ એનેસ્થેસિયા આપવામાં આવતો હોય છે.

• રિજિયોનલ એનેસ્થેસિયાઃ આખા શરીરને અભાન અવસ્થામાં લઇ જવાની જરૂર જણાતી ન હોય ત્યારે રિજિયોનલ એનેસ્થેસિયા અપાય છે. એમાં જે અંગનું ઓપરેશન કરવાનું હોય તે ભાગની મેઇન નસમાં ઇન્જેક્શન આપીને આખા ભાગને સંવેદનહીન કરવામાં આવે છે. જે દર્દીને સિવિયર અસ્થમાની તકલીફ હોય અથવા તો અન્ય કોઇ બીમારી હોય તો જનરલ એનેસ્થેસિયા આપવાથી ગંભીર પરિસ્થિતિ પેદા થઇ શકે છે. આ સંજોગોમાં રિજિયોનલ એનેસ્થેસિયા આપવામાં આવે છે. રિજિયોનલ એનેસ્થેસિયા સિઝેરિયન, હાથ-પગના ફ્રેકચરમાં હાડકું બેસાડીને પ્લાસ્ટર કરવાનું હોય ત્યારે આપવામાં આવે છે.

એનેસ્થેસિયા ક્યાં જરૂરી?

• સીટી સ્કેન, એમઆરઆઇ

• ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)

• ઇન્ટેન્સિવ કોરોનરી કેર યુનિટ (આઇસીસીયુ)

• સર્જરી સમયે

• વ્યક્તિગત ઇમર્જન્સી દરમિયાન

• ડેન્ટલ કેર એનેસ્થેસિયા

જો પૂરતી કાળજી ન લેવાય તો....

• ખાલી ચડી જાય. • ભાનમાં આવતાં વધારે સમય લાગે. • જે ભાગમાં શસ્ત્રક્રિયા કરી હોય ત્યાં દુખાવો થવો. • ઇન્ફેક્શન થઇ શકે. • અશક્તિ લાગવી. • ઊલટી થવી. • શ્વાસ લેવામાં તકલીફ થવી. • ધબકારા અનિયમિત થવા. • બ્લડપ્રેશરમાં વધઘટ થવી. • ઓક્સિજનનું લેવલ ઘટી જવું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter