સાઓ પાઉલોઃ એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સવારનો નાસ્તો નહીં કરનારા અને રાત્રિ ભોજન મોડેથી કરનારાઓના સ્વાસ્થ્ય ઉપર જોખમ રહેલું છે. તબીબી વિજ્ઞાનીઓએ તાજા સંશોધનના આધારે તારણ કાઢ્યું છે કે જેઓ સવારે મોટા ભાગે નાસ્તો કરતા ન હોય અને રાત્રિભોજન સૂવાના બે કલાક કરતાં ઓછા સમયમાં કરતા હોય તેમને જો હાર્ટ એટેક આવે તો ભાગ્યે જ બચી શકે છે.
નિષ્ણાતો માને છે કે દિવસના વહેલા સમયે તમે જે આહાર લો છો તેની કેલરી બળી જવાનો પૂરતો સમય મળી રહે છે અને તેને કારણે સ્વાસ્થ્યપ્રદ હોર્મોનનું સમતોલન જળવાઈ રહે છે. આપણે ત્યાં જૂની કહેવત છે કે નાસ્તો રાજાની જેમ કરવો, બપોરનું ભોજન રાજકુંવરની જેમ કરવું અને રાત્રિ ભોજન ગરીબ જેવું કરવું. આ અભ્યાસ એ પણ દર્શાવે છે કે જે લોકો સવારે સારો આહાર કરતા હોય છે તેઓને દિવસ દરમિયાન નાસ્તો ભાગ્યે જ કરવો પડતો હોય છે.
બ્રાઝિલમાં સાઓ પાઓલો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ હૃદયરોગથી પીડાતા ૧૧૩ લોકો ઉપર અભ્યાસ કર્યો હતો. સંશોધક ટીમને જણાયું હતું કે આ દર્દીઓમાંથી ૫૭ ટકા લોકો અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ નાસ્તો કરી શકતા ન હતા. ૫૧ ટકા લોકો અઠવાડિયામાં ત્રણ દિવસ રાત્રે મોડેથી ભોજન લેતા હતા. જ્યારે ૪૧ ટકા લોકો નાસ્તો કરતા ન હતા અને રાત્રે પણ મોડેથી ભોજન લેનારા હતા. આ લોકો પર હાર્ટએટેક આવ્યાના મહિનામાં મૃત્યુ પામે એવું જોખમ ચારથી પાંચ ગણું વધુ હતું. સંશોધકોએ લોકોને સવારનો નાસ્તો કરવાની ખાસ ભલામણ કરી છે.