સવારનો પ્રકાશ જરૂરીઃ શિયાળામાં તેનો અભાવ સ્કૂર્તિ ઘટાડે છે

Saturday 28th January 2023 06:57 EST
 
 

લંડનઃ શરીરની આંતરિક ઘડિયાલને નિયંત્રિત કરીને અનિદ્રાની સમસ્યા પર કાબૂ મેળવીને ગાઢ નિદ્રાનો આનંદ માણી શકાય છે. આંતરિક ઘડિયાળ પર નિયંત્રણ મુખ્યત્વે પ્રકાશ સાથે જોડાયેલું છે. શરીરને જરૂરિયાત અનુસાર પ્રકાશની માત્રા પુરી પાડીને તેમજ તેને રોકીને આંતરિક ઘડિયાળને નિયંત્રિત કરી શકાય છે. પાંચ વર્ષથી અનિદ્રાની સમસ્યાથી પીડિત સૈલી હાવર્ડ અનુસાર તેમણે આ જ રીતે અનિદ્રાની સમસ્યા દૂર કરી. તેમના અનુસાર આપણી આંતરિક ઘડિયાળ પ્રકાશના આપણા એક્સપોઝરથી નિયંત્રિત થાય છે. ખાસ કરીને સવારનો સફેદ પ્રકાશ, જે સવારે સાત વાગ્યાની દિવસના 11 વાગ્યા સુધી વિપુલ પ્રમાણમાં હોય છે. શિયાળામાં તે ઓછા પ્રમાણમાં હોય છે તો ઊંઘ પણ ઓછી આવે છે તેમજ શરીરમાં સુસ્તી વર્તાય છે, સ્ફૂર્તિનો અભાવ રહે છે. સૈલી હાવર્ડે સતત પાંચ શિયાળા દરમિયાન પ્રકાશને અટકાવતા ચશ્માં તેમજ સવારે પ્રકાશ માટે લેમ્પ ચાલુ કરીને પ્રકાશને નિયંત્રિત કરીને પોતાની અનિદ્રાની સમસ્યા દૂર કરી છે. સ્ટેનફોર્ડના ન્યૂરોસાયન્ટિસ્ટ ડો. એન્ડ્રયુ હબર્મેન પણ ગાઢ નિદ્રા માટે વૈજ્ઞાનિક રીતે વિકસિત ટૂલકિટની મદદ લેવાની સલાહ આપે છે.
નિષ્ણાતો કહે છે કે વધુ પ્રકાશ એડ્રિનલ ગ્લેન્ડ્સને કોર્ટિસોલ હોર્મોન પેદા કરવા માટે પ્રેરિત કરે છે, જે શરીરને જાગૃત કરે છે. રાત્રે અંધારું પીનીયલ ગ્લેન્ડને મેલાટોનિન હોર્મોન પેદા કરવા માટે પ્રેરિત કરે છે, જે શરીરને ઊંઘ તરફ લઇ જાય છે. વધતી ઉંમરની સાથે રેટિનાની પ્રકાશને ગ્રહણ કરવાની ક્ષમતા ઘટતી જાય છે, જે અનિદ્રાની સમસ્યા વધારે છે. 45ની ઉંમર સુધી રેટિનાની આંતરિક ઘડિયાળને સંપૂર્ણપણે સક્રિય રાખવા માટે જરૂરી પ્રકાશ લેવાની ક્ષમતા 50 ટકા સધી બચે છે. 55ની ઉંમર સુધી તે 37 ટકા અને 75 સુધી 17 ટકા સુધી ઘટી જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter