દુનિયાભરમાં ફેફસાંના કેન્સરના કેસ સતત વધી રહ્યા છે. ઇંડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ના અંદાજ અનુસાર એક દસકામાં ફેફસાંના કેન્સરના કેસમાં સાત ગણો વધારો થયો છે. આટલું જ નહીં, દુનિયાભરમાં કેન્સર સાથે સંબંધિત મૃત્યુનું મુખ્ય કારણ ફેફસાંનું કેન્સર જ છે. આ માટે સ્મોકિંગ અને તમાકુના સેવન ઉપરાંત અન્ય કારણો પણ જવાબદાર છે. 2019ના આવેલા એક રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં ફેફસાંના કેન્સરથી મરનારા લોકોમાં ત્રણ લાખ નોન-સ્મોકર હતા. આનું કારણ તપાસતાં ખબર પડી કે ફેફસાંના કેન્સર માટે પ્રદૂષણ પણ મોટું કારણ બની રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ફેફસાંના કેન્સર સાથે જોડાયેલા 45 ટકા કેસ ત્યારે સામે આવે છે જ્યારે તે આખા શરીરમાં ફેલાઈ જાય છે. પશ્ચિમી દેશોની સરખામણીએ ભારતીયોને આ બીમારી લગભગ 10 વર્ષ વહેલી આવે છે.
અજમાવો આ 4 ઉપાય
નિયમિત વોક ખૂબ લાભદાયી
• ફેફસામાંથી ઝેરી પદાર્થ બહાર નીકળે છે
જ્યારે જ્યારે તમે સવારની તાજી હવામાં ચાલો છો તો હવામાં હાજર વધુ ઓક્સિજન ફેફસાંના ફેલાવમાં મદદ કરે છે. તેનાથી ફેફસાં સાફ થાય છે. આ ઉપરાંત જ્યારે તમે શ્વાસ છોડો છો તો તેનાથી હવાના માધ્યમથી ઝેરી પદાર્થ શરીરમાંથી બહાર નીકળે છે.
ઓછામાં ઓછા બે ફળ જરૂર ખાઓ
• કેન્સરનું જોખમ ઘટાડે છે, ફેલાતાં રોકે છે
સંતરા, પીચ, પપૈયું, ટેન્જેરીન અને ગાજર વગેરેમાં બીટા ક્રિપ્ટોજેથિન નામનું તત્વ મળી આવે છે. વિવિધ સંશોધનમાં જાણવા મળ્યું છે કે આ તત્વ માત્ર ફેફસાંના કેન્સરનું જોખમ જ નથી ઘટાડતું, પણ તેને ઝડપથી ફેલાતું અટકાવે પણ છે.
સેકન્ડ હેન્ડ સ્મોકથી પણ બચો
• તેનાથી 30 ટકા સુધી વધુ જોખમ
સેકન્ડ હેન્ડ સ્મોકનો અર્થ છે કે જે લોકો પોતે ધુમ્રપાન નથી કરતા, પણ સ્મોકિંગ કરતા લોકોના સંપર્કમાં રહે છે. તેથી તેના દ્વારા છોડાયેલા ધુમાડો શ્વાસના માધ્યમથી અંદર જાય છે. અન્ય દ્વારા થતાં સ્મોકિંગનો ધુમાડો તમારામાં ફેફસાંના કેન્સરનું જોખમ 30 ટકા સુધી વધારે છે.
એક્સરસાઇઝ અવશ્ય કરો
• એક્સરસાઈઝ ડીએનએને રિપેર કરી શકે છે
કેન્સર ડીએનએમાં ફેરફારને કારણે થાય છે અને નિયમિત એક્સરસાઈઝ ડીએનએને રિપેર કરી શકે છે. આમ નિયમિત એક્સરસાઈઝથી વિવિધ પ્રકારના કેન્સરનું જોખમ તો આપોઆપ ઓછું થઈ જાય છે. પરંતુ તમારા તન-મનનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.