જો આ શિયાળામાં વજન ઘટાડવા માટે કસરત શરૂ કરવા માગો છો તો આ રિસર્ચ તમને પ્રોત્સાહિત કરી શકે છે. સપ્ટેમ્બર-2023માં જર્નલ ઓબેસિટીમાં પ્રકાશિત રિસર્ચ કહે છે કે, વેઈટ મેનેજમેન્ટ માટે સવારે 7થી 9 દરમિયાન કરેલી કસરત ફાયદાકારક છે. રિસર્ચરોએ શારીરિક ગતિવિધિની પેટર્ન અને સ્થૂળતા વચ્ચે કરેલા અભ્યાસમાં સમયને પણ સામેલ કર્યો અને જોયું કે તેની નોંધનીય અસર છે. હોંગ કોંગ પોલિટેક્નિક યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસર ‘ટોંગ્યુ મા’એ 2003થી 2006 વચ્ચે નેશનલ હેલ્થ એન્ડ ન્યૂટ્રિશન એક્ઝામિનેશન સર્વેમાં ભાગ લેનારા 5000 સ્પર્ધકોના ડેટાનો એનાલિસિસ કર્યો હતો. તેમણે જોયું કે, જે સહભાગીએ સવારે મધ્યમથી તેજ ગતિવાળી શારીરિક એક્ટિવિટી કરી, તેમનો બોડી માસ ઈન્ડેક્સ અને કમરની પહોળાઈમાં ઉલ્લેખનીય ઘટાડો જોવા મળ્યો.