સવારે ઊઠીએ ત્યારે મોઢામાંથી દુર્ગંધ કેમ આવે છે?

Saturday 22nd May 2021 07:30 EDT
 
 

આપણે રાત્રે સૂઈને સવારે ઊઠીએ છીએ ત્યારે મોઢામાંથી કોઈક પ્રકારની વિચિત્ર ગંધ આવે છે. રાત્રે સૂતી વખતે તો આવું ન હતું તો પછી સવારે ઊઠીને કેમ? વાત એમ છે કે આપણા મોઢામાં હંમેશાં કોઈ બેક્ટેરિયા હોય છે. રાત્રે જ્યારે આપણી લાળવાળી ગ્રંથિઓ ઓછી માત્રામાં લાળ કાઢે છે તેને કારણે મોઢું થોડું સુકાઈ જાય છે. આ સંજોગોમાં મોઢાના કેટલાક બેક્ટેરિયા ખૂબ વધી જાય છે. આ ખાસ બેક્ટેરિયા સલ્ફર ધરાવતાં પદાર્થોનું ઉત્સર્જન કરે છે અને તેના કારણે મોઢામાંથી દુર્ગંધ આવે છે. વાસ્તવમાં બેક્ટેરિયાને એમિનો એસિડ અને પ્રોટિનના પાચનમાંથી ઊર્જા મળે છે. કેટલાક એમિનો એસિડમાં સલ્ફર જોવા મળે છે, જે બેક્ટેરિયા દ્વારા ઉપયોગ કરાયા બાદ મુક્ત થઇ જાય છે.
બેક્ટેરિયાની આ પાચન પ્રક્રિયામાં સલ્ફર ઉપરાંત કેટલાક દુર્ગંધપૂર્ણ ગેસ પણ નીકળે છે. સંશોધનમાં જણાયું છે કે શ્વાસની દુર્ગંધમાં ઘણી ચીજોનું મિશ્રણ હોય છે. તેમાં કેડાવરીન (લાશની ગંધ), હાઈડ્રોજન સલ્ફાઈડ (સડેલા ઈંડાની ગંધ), મિથાઈલ મેર્કાપ્ટન (મળની ગંધ), પટ્રીશાઈન (ગળેલા માંસની ગંધ) અને ટ્રાઇ મિથાઈલએમિન (સડેલી માછલી જેવી ગંધ)નો સમાવેશ થાય છે.
રાત્રે સૂતા પહેલાં બ્રશ કરવાથી અને જીભને સાફ કરવાથી બીજા દિવસે સવારે શ્વાસની દુર્ગંધમાં ઘટાડો કરી શકાય છે, પરંતુ મોઢાના બેક્ટેરિયા રાત્રે જ્યારે બંધ મોઢામાં ભેજ મેળવે છે ત્યારે ઝડપથી પોતાની સંખ્યા વધારે છે અને ૬૦૦થી પણ વધારે કમ્પાઉન્ડ બનાવે છે. ઘણા લોકો માઉથવોશનો પણ ઉપયોગ કરે છે પરંતુ તે થોડા સમય બાદ તેની પણ અસર થતી નથી. મોઢામાં આવી ગંધ આવવી સામાન્ય છે અને તેને કારણે પરેશાન થવાની જરૂર નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter