સાંભળવાની અક્ષમતામાં લીપરીડિંગ મદદરૂપ બની શકે

ડો. નવનીત શાહ FRCS DLO Wednesday 17th March 2021 04:27 EDT
 
 

લોકો બોલતી વખતે હોઠ ફફડાવે છે. બોલવાના જે અવાજો પેદા થાય છે તેને જોઈ શકવાની કળા અથવા ક્ષમતાને લીપરીડિંગ (ઓષ્ઠવાચન) કહેવાય છે. તેને ઘણી વખત સ્પીચરીડિંગ પણ કહેવાય છે કારણકે શું બોલાઈ રહ્યું છે તે સમજાવવા અને સમજવામાં મદદ માટે લોકો ચહેરાના હાવભાવ, ઈશારા-ચેષ્ટાઓ અને આસપાસના વાતાવરણ જેવા અન્ય સંકેતોનો પણ ઉપયોગ કરે છે. જે લોકોમાં સાંભળવાની ક્ષમતા ઓછી હોય અથવા બહેરાશ હોય તેઓને શું બોલાઈ રહ્યું છે તે સમજવામાં લીપરીડિંગ મદદ કરી શકે છે. લીપરીડિંગને ઉપયોગી બનવા માટે બોલાયેલા તમામ શબ્દો સમજવાનું જરુરી હોતું નથી.
શું બોલાઈ રહ્યું છે તે સમજવામાં વ્યક્તિને મદદરુપ બની શકે તેવી અન્ય કુશળતાઓ પણ વિકસાવી શકાય છે.
લીપરીડિંગનાં શું લાભ છે.
લીપરીડિંગનાં લાભ આ પ્રમાણે ગણાવી શકાયઃ
• જે લોકો શું બોલાય છે તેનું અડધું જ સાંભળી શકતા હોય તેઓ લીપરીડિંગ મારફત વધુ સારી રીતે સમજી શકે છે. • જે લોકોની શ્રવણશક્તિ અગાઉ સારી હોય તેમના માટે વાતચીતમાં વધુ સારી રીતે ભાગ લેવામાં લીપરીડિંગથી મદદ મળે છે. લીપરીડિંગ કેટલા અંશે ઉપયોગી બની રહેશે તેનો આધાર લીપરીડિંગ માટે દરેક વ્યક્તિનો કુદરતી અભિરુચિ અને કેટલો પ્રયાસ કરવામાં આવે છે તેના પર છે.
લીપરીડિંગની પણ મર્યાદાઓ
લીપરીડિંગ સરળ કે સહેલું નથી. તેની પણ કેટલીક મર્યાદાઓ છે જેમાં આ બાબતોનો સમાવેશ કરી શકાય છે. • સામાન્ય બોલચાલનું પ્રમાણ ઘણું ઝડપી હોય તો બોલાતાં શબ્દો પકડી શકાતા નથી. • બોલવાના ઘણા હાવભાવ કે સંકેતો જોઈ શકાતા નથી. • ઘણી વખત બોલવાની પ્રક્રિયાની પેટર્ન્સ સરખી હોય છે પરિણામે, ગૂંચવાડા અને શંકા સર્જાય છે. • ઘણી વખત કેટલાક શબ્દોનો અવાજ અલગ હોવાં છતાં, એકસમાન જણાય છે. • ઘણા લોકોનું બોલવાનું સ્પષ્ટ ન હોય ત્યારે મુશ્કેલી પડે છે.
જે સાંભળવાની ક્ષમતા ગુમાવી દેવાઈ હોય તેનો વિકલ્પ લીપરીડિંગ બની શકે નહિ. સામેની વ્યક્તિ શું બોલે છે તે તમામ બાબત સતત લીપરીડિંગથી સમજવાનું ભારે મુશ્કેલ બની રહે છે.
લીપરીડિંગ કરતા કેવી રીતે શીખી શકાય.
લીપરીડ અથવા ઓષ્ઠવાચનની કુશળતા વિકસાવવામાં આ બાબતો (ત્રણ P )ની આવશ્યકતા રહે છેઃ • પ્રેક્ટિસ (મહાવરો) • પેશન્સ (ધીરજ) • પર્સિવિઅરન્સ (સતત પ્રયાસ, ખંત)
એક વખત લીપરીડિંગની ક્ષમતા વિકસાવી લેવાય તે પછી પણ તેનો સતત ઉપયોગ જરુરી બની રહે છે અન્યથા તમારી કુશળતા ઘટી જશે.
ઓછી શ્રવણશક્તિ ધરાવનારી વ્યક્તિ સાથે બોલવું
જ્યારે ઓછી શ્રવણશક્તિ ધરાવનારી વ્યક્તિ સાથે બોલવાનું હોય ત્યારે તમારો ચહેરો તેમની સામે હોય, સ્પષ્ટપણે અને કુદરતી રીતે બોલવું અને તમારો ચહેરો ઢંકાયેલો ન રહે તેનું ધ્યાન રાખવું મહત્ત્વનું છે.
બધિર વ્યક્તિ સાથે બોલવાની યોગ્ય પદ્ધતિ.
તમારે જ્યારે સાંભળવાની ક્ષમતા નહિ ધરાવતી વ્યક્તિ સાથે બોલવાનું થાય ત્યારે નીચેની બાબતો તમને મદદરુપ બની રહેશેઃ
• તે વ્યક્તિનું ધ્યાન તમારા તરફ ખેંચી રાખો. • તે વ્યક્તિની સામે અને બને તેટલા નજીક ઉભા રહો. • તમારા ચહેરા પર પ્રકાશ આવતો હોય તેમ રાખો અને ચહેરાને ઢાંકશો નહિ.
• સામાન્ય કરતા ઓછી ઝડપે બોલો. • જરુર લાગે તો અવાજ ઊંચો રાખી શકો પરંતુ, બૂમબરાડા પાડશો નહિ. • હાવભાવ સાથે બોલવાનું રાખો. આ સાથે તમારા ચહેરા, હાથ અને શારીરિક હિલચાલનો પણ ઉપયોગ કરો. • કાગળ અને પેનનો ઉપયોગ કરવા તૈયારી રાખો. બધિર લોકો માટે વાતચીતની સૂચનાઓ
• લોકોને તમે સાંભળી શકતા નથી તેના વિશે જણાવો. • લોકોને સ્પષ્ટપણે બોલવા જણાવો. • તમારી સાથે વાતચીત કરતા પાર્ટનર્સને તમારી સામે ઉભા રહેવા જણાવો, થોડાં ઊંચા સ્વરે અથવા થોડા ધીમેથી બોલવા જણાવો. • લોકોને તમારી સાથે વાતચીત કરતા પહેલા તમારું ધ્યાન ખેંચવા અને સામે રહેવા જણાવો. • તમને શું સમજાયું નહિ તેના વિશે પ્રશ્ન પૂછો.
• કોઈ માહિતીને નવી વાક્યરચના કે શબ્દો સાથે બોલવા સૂચવો.
(લેખકનો પરિચયઃ વર્તમાનઃ માનદ્ સર્જન, ધ રોયલ નેશનલ થ્રોટ, નોઝ એન્ડ ઈઅર હોસ્પિટલ, લંડન.
પૂર્વઃ નુફિલ્ડ હીઅરિંગ એન્ડ સ્પીચ સેન્ટરમાં કન્સલ્ટન્ટ ઓટોલોજિસ્ટ, પ્રોફેશનલ યુનિટના માનદ્ સીનિયર લેક્ચરર અને ડાયરેક્ટર, યુનિવર્સિટી ઓફ લંડનની ઈન્સ્ટિટ્યૂટ ઓફ લેરિન્ગોલોજી એન્ડ ઓટોલોજીના વાઈસ-ડીન.
મેમ્બરઃ ફેલો ઓફ રોયલ સોસાયટી ઓફ મેડિસિન, પ્રેસિડેન્ટ સેક્શન ઓફ ઓટોલોજી ૧૯૯૦-૯૧, મેમ્બર સેક્ટ્સ ઓફ લેરિન્ગોલોજી એન્ડ ઓટોલોજી, બ્રિટિશ એસોસિયેશન ઓફ ઓટોલેરિન્ગોલોજિસ્ટ્સ.
પૂર્વઃ કોમનવેલ્થ સોસાયટી ફોર ધ ડેફમાં બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, ઓન. મેડિકલ એડવાઈઝર એન્ડ વાઈસ ચેરમેન, ફ્રાન્સના બોર્ડેક્સસ્થિત પોર્ટમાન ફાઉન્ડેશનમાં ઓન. પ્રોફેસર, ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન-GB ના પ્રેસિડેન્ટ, થાઈલેન્ડના માહિડોલની સિરિરાજ હોસ્પિટલમાં વિઝિટિંગ પ્રોફેસર, થાઈલેન્ડના બેંગકોકની હીઅરિંગ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીના સીનિયર વાઈસ-પ્રેસિડેન્ટ, ચીનના નાન્જિંગની જિઆંગ્સુ પ્રોવિન્સ હોસ્પિટલના વિઝિટિંગ પ્રોફેસર.
શોખઃ વાંચન, કરન્ટ અફેર્સ, પ્રવાસ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter