લંડનઃ કોરોના મહામારીના બીજા મોજામાં ઈંગ્લેન્ડના શ્વેત લોકોની સરખામણીએ અશ્વેત લોકોના મોતની શક્યતા વધુ નથી પરંતુ, સાઉથ એશિયન લોકોનો મૃત્યુદર હજુ ચિંતાજનક હોવાનું સત્તાવાર ડેટામાં જણાવાયું છે. મહામારીના પ્રથમ મોજામાં શ્વેત લોકોની સરખામણીએ વંશીય લઘુમતીના લોકોનો મૃત્યુદર ઊંચો રહ્યો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના અભ્યાસ મુજબ અશ્વેત લોકો માટે હવે મૃત્યુદરનો તફાવત રહ્યો નથી પરંતુ, બાંગલાદેશી અને પાકિસ્તાની લોકો માટે આ જોખમ હજુ ત્રણ ગણું છે.
ONS, યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ, લંડન સ્કૂલ ઓફ હાઈજિન એન્ડ ટ્રોપિકલ મેડિસીન અને યુનિવર્સિટી ઓફ લેસ્ટરના સંશોધકોએ જણાવ્યું છે કે વંશીય લોકોને કોવિડ-૧૯ની અપ્રમાણસરની અસરો વિશેના વ્યાપક અહેવાલોથી કદાચ જાગૃતિ વધી હોવાનું જણાય છે. આમ છતાં, સાઉથ એશિયન લોકો અને કાસ કરીને બાંગલાદેશી અને પાકિસ્તાની મૂળના લોકોમાં વધેલો મૃત્યુદર ચિંતાજનક છે.
આ અભ્યાસમાં ઈંગ્લેન્ડમાં પ્રથમ મોજાં (જાન્યુઆરીથી ઓગસ્ટ ૨૦૨૦ના અંત) તેમજ બીજા મોજાં (સપ્ટેમ્બરથી ડિસેમ્બર ૨૦૨૦ના અંત)ના ગાળામાં ખાનગી પરિવારોમાં રહેતા ૩૦-૧૦૦ વયજૂથના ૨૮.૯ મિલિયન લોકોના ડેટાને ધ્યાનમાં લેવાયો હતો. પ્રથમ મોજાંમાં શ્વેત પુરુષોની સરખામણીએ બ્લેક આફ્રિકન પુરુષો કોવિડ-૧૯થી સૌથી ઊંચો પાંચ ગણો મૃત્યુદર ધરાવતા હતા. જોકે, બીજા મોજાંમાં અશ્વેત લોકોના મૃત્યુના જોખમનું પ્રમાણ ઊંચુ રહ્યું ન હતું. જોકે, બ્રિટિશ શ્વેત પુરુષોની સરખામણીએ સાઉથ એશિયન લોકો માટે કોરોના વાઈરસથી મોતનું જોખમ આશરે પાંચ ગણું રહ્યું છે જેમાં, પાકિસ્તાની પુરુષો માટે ૪.૮ ગણુ અને ભારતીય મહિલાઓ માટેના ૧.૬ ગણા ઊંચા જોખમનો સમાવેશ થાય છે.
કેટલાક વંશીય જૂથોને શાથી વધુ અસર?
કોરોના મહામારીમાં અન્ય જૂથોની સરખામણીએ કેટલાક વંશીય જૂથોને શાથી વધુ અસર થાય છે તે પાછળ ઘણાં પરિબળો કામ કરે છે. આ વિવિધ પરિબળોમાં આ બાબતોનો સમાવેશ થાય છેઃ • હેલ્થકેરમાં ફ્રન્ટ લાઈન અથવા અન્ય ઊંચા જોખમવાળી નોકરીઓમાં કામકાજની વધુ શક્યતા • ભારે ભીડભાડના અથવા ઘણી પેઢીઓ સાથે વસતી હોય તેવાં મકાનોમાં રહેવાસ • વધુ શહેરી અથવા બિલ્ટ-અપ એરિયામાં વસવાટ • વંચિતાવસ્થાના કારણે નબળું આરોગ્ય • આરોગ્ય સંબંધિત બાયોલોજિકલ અથવા જિનેટિક જોખમો • હેલ્થકેર સિસ્ટમમાં વ્યાપક ભેદભાવ અથવા અસમાન વ્યવહાર.
આ પરિબળો પણ વિવિધ વયજૂથો માટે અલગ હોઈ શકે પરંતુ, મહામારી દરમિયાન તેમાં પણ ફેરફાર જોવાં મળ્યો હતો. બીજાં શબ્દોમાં કહીએ તો વંશીય લઘુમતી જૂથોના લોકો વાઈરસની સૌથી વધુ અસર ધરાવતા વિસ્તારોમાં રહેતા હોવાની શક્યતા વધુ હોય છે. જોકે, કોવિડ-૧૯ના બીજાં મોજાંમાં આમ ન હતું. હેલ્ત સ્ટેટસ, આવક, અને વંચિતતાના પરિબળો સાથે એડજસ્ટમેન્ટ પછી પણ બાંગલાદેશી અને પાકિસ્તાની પશ્ચાદભૂના લોકોમાં કોવિડથી મોતનું જોખમ ઊંચું જ રહ્યું હતું.