લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા વયસ્કોને સારું ભોજન કરવા, વજન ઘટાડવા અને સક્રિય બની રહેવા પ્રોત્સાહિત કરવા ‘બેટર હેલ્થ’ નામના નવા વયસ્ક આરોગ્ય અભિયાનનો મોટા પાયે આરંભ કરાયો છે. આરોગ્યપ્રદ આહાર અને વધુ કસરત કરવાના પગલાં લઈને તમામ લોકો લાભ મેળવી શકે છે.
ઉપલબ્ધ ડેટા અનુસાર એશિયનોમાં ૧૬.૩ ટકા પુરુષો અને ૨૩.૬ ટકા સ્ત્રીઓ સ્થૂળતા સાથે જીવે છે જેના પરિણામે, કેન્સર, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને હવે કોવિડ-૧૯ સહિતના રોગોથી ગંભીરપણે બીમાર થવાનું ઊંચુ જોખમ ધરાવે છે. PHEના તાજેતરના રિપોર્ટ અનુસાર તંદુરસ્ત BMI સાથેના લોકો કરતાં સ્થૂળ લોકો ગંભીરપણે બીમાર થાય અને કોવિડ-૧૯ સાથે ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ થવું પડે તેવું વધુ જોખમ રહે છે.
સરકારની નવી ઓબેસિટી સ્ટ્રેટેજીના ભાગરુપ બેટર હેલ્થ કેમ્પેઈન સાઉથ એશિયન્સ, અશ્વેત આફ્રિકન્સ અને અશ્વેત કેરેબિયન્સ સહિત સ્થૂળતાના ઊંચા દર ધરાવતા ચોક્કસ જૂથોને લક્ષ્ય બનાવશે. લોકો વજન ઘટાડવાની યાત્રા આરંભી શકે તેમાં મદદ કરવા અભિયાનમાં વિવિધ ટુલ્સ સુધી પહોંચવાની સુવિધા, માહિતી અને સલાહ આપવામાં આવશે, જેમાં નવી એપ અને ઓનલાઈન પ્રાપ્ય નવા નિઃશુલ્ક ૧૨ સપ્તાહના NHS વેઈટ લોસ પ્લાનનો સમાવેશ થાય છે. આ પ્લાનમાં વજન ઉતારવા અને તંદુરસ્ત વજન જાળવી રાખવા વિવિધ કસરતો અને આરોગ્યપ્રદ ફૂડ વિકલ્પો આપવામાં આવે છે.
PHEના લંડન રીજિયોનલ ડાયરેક્ટર પ્રોફેસર કેવિન ફેન્ટોન કહે છે કે,‘ તબક્કાવાર વજનમાં વધારો થતો રહે છે અને તેને વધવા દેવું તે બિનસ્વાસ્થ્યપ્રદ આદત હોઈ શકે પરંતુ, વધારાનું વજન આપણા શરીરો પર દબાણો લાવે છે અને કોવિડ-૧૯ સહિત ગંભીર રોગો સામે લડવાની તાકાતને ઘટાડે છે.’
સાઉથ એશિયન હેલ્થ ફાઉન્ડેશન (SAHF) ખાતે ડાયાબિટીસ વર્કિંગ ગ્રૂપના ચેરમેન પ્રોફેસર વાસિમ હનીફ કહે છે કે,‘ સાઉથ એશિયન કોમ્યુનિટી ઓવરવેઈટ અથવા સ્થૂળ હોવાના કારણે ટાઈપ-૨ ડાયાબિટીસ, હૃદયરોગ અને હવે કોરોના વાઈરસ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાથી ઘેરાઈ જાય છે. તાજા આંકડા મુજબ ૧૬.૩ ટકા એશિયન પુરુષો અને ૨૩.૬ ટકા એશિયન સ્ત્રીઓ સ્થૂળતા સાથે જીવે છે. આપણે બધા આરોગ્યમય જીવન કેવી રીતે ગાળી શકીએ તેનું વ્યવહારુ માર્ગદર્શન આપવાના બેટર હેલ્થ કેમ્પેઈનના પ્રયાસોને અમે સમર્થન આપીએ છીએ.’
TV ડોક્ટર રાંજ સિંહ કહે છે કે.‘ઓવરવેઈટ કે સ્થૂળ હોવું તે જટિલ મુદ્દો છે. તેની પાછળ વ્યક્તિગત અને તેઓ જે પર્યાવરણમાં હોય તે સહિત વિવિધ કારણો હોય છે. કોઈના પર દોષ નાખવાથી મદદ નહિ મળે આપણે સંયુક્તપણે તેનો ઉકેલ લાવવાનો છે. સ્થૂળતાના કારણે ટાઈપ-૨ ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી લાંબા ગાળાની ગંભીર અને અટકાવી શકાય તેવી સમસ્યા સર્જાય છે.’
વિવિધ કોમ્યુનિટીઓને સુસંહત રહે તે માટે લોકલ ઓથોરિટીઝ, હેલ્થ ચેરિટીઝ, મલ્ટિ-કલ્ચરલ સ્પેશિયાલિસ્ટ્સ, તેમજ પોષણ સહિતના ચોક્કસ ક્ષેત્રો સાથે સંબંધિત નિષ્ણાતોના સહકારથી બેટર હેલ્થ કેમ્પેઈન વિકસાવાયું છે. WW, વેઈટ વોચર્સ રીઈમેજિન્ડ, સ્લીમિંગ વર્લ્ડ અને ગેટસ્લીમ જેવી વેઈટ મેનેજમેન્ટ સંસ્થાઓ દ્વારા તેના લોન્ચિંગ સાથે વિશેષ ડિસ્કાઉન્ડ પણ અપાનાર છે.
આગામી થોડા મહિનાઓમાં બેટર હેલ્થ લોકો વધુ સારા આરોગ્યસભર જીવન જીવે તે માટે ધૂમ્રપાન છોડવા તેમજ માનસિક આરોગ્ય પર ધ્યાન આપવા સહિતની સલાહો પૂરી પાડશે.
PHE દ્વારા વજન કેવી રીતે વધે છે, આપણા શરીર પર શું અસર થાય છે તેમજ તેનાથી રોગોનું જોખમ કેવી રીતે વધે છે તે સમજાવતી નવી ફિલ્મ રીલિઝ કરાનાર છે. ફિલ્મના પરિણામે લોકો બેટર હેલ્થની વેબસાઈટ પર જઈ યોગ્ય સપોર્ટ શોધી શકશે. બેટર હેલ્થ ફિલ્મ ઓનલાઈન પણ મેળવી શકાશે.
Insights Reportમાં અશ્વેત અને સાઉથ એશિયન કોમ્યુનિટીઓ સાથે જ કોવિડ-૧૯ અને વધુપડતા વજન વિશે જણાવાયું છે કે ૫૫-૭૪ વયજૂથના અને વંચિત વિસ્તારોમાં રહેતા લોકોમાં વધારે પડતા વજનની સમસ્યાનું વધુ પ્રમાણ જણાય છે. શ્વેત વસ્તી કરતાં વંશીય લઘુમતી કોમ્યુનિટીઓમાં નીચા BMI દરમાં પણ વધુપડતા વજનથી આરોગ્યને જોખમ વિશે જણાવાયું છે.
વધુ આરોગ્યસભર જીવન જીવવાના આરંભ અને ફ્રી ટુલ્સની જાણકારી માટે nhs.uk/betterhealthની મુલાકાત લેવા વિનંતી છે.