સાઉથ એશિયન્સને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ જાણી લેવા NHSનું પ્રોત્સાહન

Tuesday 25th August 2020 15:10 EDT
 
 

NHS દ્વારા સાઉથ એશિયન લોકોને તેમને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ છે કે કેમ તે જાણવા પ્રોત્સાહિત કરાઈ રહ્યા છે. આ માટે ડાયાબિટીસ યુકે દ્વારા આયોજિત ‘Know Your Risk’ ટુલનો ઉપયોગ કરવાનો રહે છે. ડેટા મુજબ કોરોના વાઈરસના કારણે મોતનો શિકાર બનેલા લોકોમાં આશરે એક તૃતીઆંશ લોકોને ડાયાબિટીસ હોવાનું જણાયાના પગલે આ પ્રોત્સાહન અપાઈ રહ્યું છે.
જે લોકોને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું ભારે જોખમ હોય તેઓ NHS ઈંગ્લેન્ડ અને NHS ઈમ્પ્રુવમેન્ટ તેમજ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ અને ડાયાબિટીસ યુકેના સંયુક્ત ઈનિશિયેટિવ હેઠળ તેમના સ્થાનિક ‘Healthier You NHS Diabetes Prevention Programme’માં જોડાવાને લાયક છે. આ પ્રોગ્રામ લોકોને તેમના આહાર, વજન અને તેમની શારીરિક પ્રવૃત્તિના પ્રમાણમાં પોઝિટિવ પરિવર્તન લાવવા ટેકો આપે છે જેનાથી, આ રોગ થવાનું જોખમ નોંધપાત્રપણે ઘટાડી શકાય.
શ્વેત વસ્તીની સરખામણીએ સાઉથ એશિયન વસ્તીને ડાયાબિટીસ થવાની શક્યતા છ ગણી રહેલી છે અને તેનું નિદાન થાય તો તેના પરિણામે, દૃષ્ટિહીનતા, કિડનીની નિષ્ફળતા, કોઈ અંગ-અવયવ ગુમાવવા પડવા સહિતની હાલત તેમજ હાર્ટ એટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધી જાય તેની જાણકારીના પગલે સાઉથ એશિયન્સને આ જોખમ જાણવા પ્રોત્સાહન અપાય છે.
બર્મિંગહામના ૩૫ વર્ષીય શેફ તારિક ખાન નવેમ્બરમાં તેમના સ્થાનિક હેલ્ધિયર યુ NHS ડાયાબિટીસ પ્રીવેન્શન પ્રોગ્રામમાં જાડાયા હતા અને ઓનલાઈન સેશન્સમાં ભાગ લેવા દરમિયાન તેમણે લગભગ એક સ્ટોન (૧૪ પાઉન્ડ અથવા ૬.૩૫ કિલોગ્રામ) વજન ઘટાડ્યું હતું. પોતાના અનુભવ વિશે વાત કરતા તારિક કહે છે કે, ‘આ પ્રોગ્રામે મારી લાઈફસ્ટાઈલમાં નાના ફેરફારો કરાવી મને મારા આરોગ્ય પર કાબુ મેળવતા શીખવ્યું છે. મારું શરીર કેવી રીતે કામ કરે છે અને મારી પસંદગીઓ તેના પર કેવી રીતે અસર કરે છે તેના વિશે હું ઘણું શીખ્યો છું. મેં સાઉથ એશિયન આહારમાં સામાન્ય ગણાતા તળેલા ખોરાક અને મીઠાઈઓ ખાવામાં ભારે કાપ મૂક્યો હતો, હવે હું નાના પોર્સન્સ - કોળિયાં અને વધુ વેજિટેબલ્સ લઉં છું. આ પ્રોગ્રામ બાબતે અદ્ભૂત વાત એ રહી કે મહામારી દરમિયાન પણ વીડિયો કોલ્સ દ્વારા તે ચાલુ રખાયો હતો. મને મારા પુરાણા માર્ગે પાછા વળવાની લાલચ થાય ત્યારે મને તેના દ્વારા પ્રેરણા મળતી રહી હતી. અમને લાંબા સમય બેસી ન રહેવા સલાહ અપાતી હતી. નાની બાબતો પણ તંદુરસ્ત રહેવામાં ઘણો તફાવત સર્જે છે. હું એક્સરસાઈઝ બાઈકના ઉપયોગ અને દરરોજ ટુંકી ઝડપી ચાલવાની પ્રવૃત્તિઓ સાથે સક્રિય રહેતો હતો. મહત્ત્વનો મુદ્દો એ છે કે મને ઘણું સારું લાગતું હતું, વધુ આત્મવિશ્વાસ અને ઉર્જાસભર.’

ટાઈપ-૨ ડાયાબિટીસ જોખમના પરિબળોઃ

• તમારી ઉંમર. તમારી વય વધુ હશે તેટલું તમારા માટે વધુ જોખમ
• તમારો પારિવારિક ઈતિહાસ. જો તમારા માતાપિતા, ભાઈ, બહેન અથવા બાળકને ડાયાબિટીસ હોય તો તમને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાની શક્યતા બેથી છ ગણી વધુ રહેશે.
• તમારી વંશીય પશ્ચાદભૂ. જો તમે ચાઈનીઝ, સાઉથ એશિયન, અશ્વેત કેરેબિયન અથવા અશ્વેત આફ્રિકન વંશીયતા ધરાવતા હશો તો તમને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાની શક્યતા વધુ રહેશે.
• તમારું વજન. જો તમે વધુપડતા વજનના કે સ્થૂળ હો તો જોખમ વધુ છે.
• તમારું બ્લડ પ્રેશર. જો તમને હાઈ બ્લડ પ્રેશર રહેતું હોય તો તમારા માટે વધુ જોખમ છે.
લૂટનના જીપી અને Healthier You NHS Diabetes Programmeના પ્રાઈમેરી કેર એડવાઈઝર ડો. ચિરાગ બખાઇએ જણાવ્યું હતું કે,‘ જીપી તરીકેની મારી ભૂમિકામાં હું ટાઈપ-૨ ડાયાબિટીસથી ગંભીરપણે અસરગ્રસ્ત ઘણા લોકો અને પરિવારોને નિહાળું છું. સાઉથ એશિયન વંશીય બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોમાં ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ ઊંચુ હોય છે પરંતુ, આ પરિસ્થિતિ અટકાવવી શક્ય છે તે જાણવું મહત્ત્વનું છે. કેટલાંક સરળ પરિવર્તનો કરવાથી તમારા જોખમને નોંધપાત્રપણે ઘટાડી તમને ટાઈપ-૨ ડાયાબિટીસ થતો અટકાવવામાં મદદ મળી શકે છે. સૌથી પહેલું પગલું તો તમારા જોખમો અને તમે શું પરિવર્તન કરી શકો છો તેના વિશે વધુ જાણકારી હાંસલ કરવાનું જ છે.’
તમને ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું કેટલું જોખમ છે તે જાણવા www.diabetes.org.uk / knowyourrisk વેબસાઈટની મુલાકાત લેવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter