સાજા-માંદા સહુ કોઇ માટે ગુણકારી તાંદળજો

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 04th February 2015 07:37 EST
 
 

આમ તો તાંદળજાની લીલીછમ ભાજી વર્ષના બારેય મહિના વેજીટેબલ શોપમાં જોવા મળતી હોય છે, પણ શિયાળામાં અને વર્ષાઋતુમાં એ વધુ જોવા મળે છે. ઠંડીના દિવસોમાં તાંદળજો વધુ ગુણકારી હોય છે.

આમ તો તાંદળજાની લીલીછમ ભાજી વર્ષના બારેય મહિના વેજીટેબલ શોપમાં જોવા મળતી હોય છે, પણ શિયાળામાં અને વર્ષાઋતુમાં એ વધુ જોવા મળે છે. ઠંડીના દિવસોમાં તાંદળજો વધુ ગુણકારી હોય છે. વરસાદમાં પત્તાવાળી તેમ જ શાકવર્ગીય ભાજીનું સેવન કરવાનું બહુ હિતકર મનાતું નથી કેમ કે એને ચોખ્ખા પાણીથી સાફ કર્યા પછી પણ ઘણા સુક્ષ્મ જીવાણુઓ નષ્ટ નથી થતા. આથી તાંદળજા જેવાં પત્તાવાળાં શાક હંમેશા નમકવાળા ગરમ પાણીથી સાફ કરીને જ ઉપયોગમાં લેવાં જોઇએ.

તાંદળજાને સંસ્કૃતમાં તન્ડુલીય અથવા વિષઘ્નના નામે ઓળખવામાં આવે છે. તાંદળજાનો છોડ એકાદ હાથ ઊંચો થાય છે. ઘઉં જેવા શિયાળુ પાકો ભેગો તાંદળજો પણ એની મેળે ઊગી નીકળતો હોય છે.

તાંદળજાના ગુણધર્મો માટે સંસ્કૃતમાં કહેવાયું છેઃ તંદુભોયો હિમો રુક્ષઃ સ્વાદુપાકરસો લઘુઃ મદપિત્ત વિષાસૃગ્ઘ્નો... મતલબ કે તાંદળજો સ્વભાવે ઠંડો, પચવામાં હલકો, રુચિકર, પાચન પછી મધુર, અગ્નિદીપક, લઘુમૂત્રલ, પથ્યકારક અને સારક છે. એ શરીરમાં ગયેલા ઝેરને હરનાર છે.

તાંદળજો શરીરમાંના બગડેલા પિત્ત, કફ તેમ જ લોહીને સુધારનારો છે. તાંદળજાની ભાજી ત્રિદોષ તાવ - રક્તપિત્ત, અતિસાર, ઉન્માદ, પ્રમેહ તથા ઉદરરોગનો નાશ કરનારી છે. એને સંસ્કૃતમાં સદાપથ્યા એટલે હંમેશા ખાવાવાળી કહી છે. તાંદળજાની ભાજી અનેક રોગો પર ગુણકારી તેમ જ અનેક રોગોમાં ઔષધનું કામ આપનારી છે. તાંદળજાનાં કુમળાં પાનનું શાક તેમ જ એની કઢી બનાવવામાં આવે છે. તાંદળજાની ભાજી સાધારણ રીતે શીતળ અને દસ્ત સાફ લાવનારી છે.

તાંદળજાના પ્રકાર

પાણીના તાંદળજાને પાનીય તંડૂલ કહેવાય છે. પાણીના તાંદળજા કડવા હોય છે. એ ગુણમાં હલકા અને રક્તપિત્ત તથા વાયુને મટાડનાર હોય છે.

તાંદળજાની બીજી એક જાત કાંટાવાળી છે. એને કાંટાળો તાંદળજો કહેવાય છે. એના ગુણ સાદા તાંદળજા કરતાં પણ વધુ ચડિયાતા છે.

તાંદળજાને ઉકરડીની ભાજી એવું અવજ્ઞાભર્યું નામ પણ આપવામાં આવ્યું છે. સર્વત્ર ઉપલબ્ધ હોવાને કારણે એનું આવું નામ પડ્યું છે, પણ તાંદળજાના ગુણ જોતાં એ ઉપેક્ષા કરવી જેવી ભાજી નથી.

કઇ કઇ તકલીફોમાં ઉપયોગી?

• ઝેરી તત્વોનો નિકાલઃ એ શરીરમાંની બગડેલી અને દૂષિત થયેલી રક્તધાતુને સુધારનારી છે. પારો કે બીજી અન્ય ધાતુ ખાવાથી શરીરમાં તમામ પ્રકારની વિકૃતિ ઉત્પન્ન થાય છે ત્યારે જો તાંદળજાની ભાજી રોજ ખવડાવવામાં આવે તો શરીરમાં થયેલા મેટલ પોઇઝનિંગને એ સરળતાપૂર્વક ૪-૮ દિવસમાં બહાર કાઢી નાખે છે. શરીરની ગરમીમાં જૂનામાં જૂના તેમ જ હઠીલામાં હઠીલા રોગો આ તાંદળજાની ભાજીના સેવનથી મટે છે.

તાંદળજાનું સંસ્કૃતમાં વિષઘ્ન નામ છે અને એટલે જ લગભગ બધાં વિષ માટે તાંદળજો સસ્તો, સરળ અને અસરકારક ઇલાજ છે. વીંછીના વિષ પર તથા સોમલના વિષના ઉતાર માટે તાંદળજાનો રસ સાકર નાખી પીવડાવવો. તાંદળજાના રસમાં સાકર નાખીને મૂળના કલ્કમાં કાળાં મરી નાખીને પીવડાવવાથી તમામ સ્થાવર તથા જંગમ વિષ દૂર થાય છે. આવા સમયે દરદીને તાંદળજાની ભાજી ખૂબ ખવડાવવી જોઇએ.

• લોહીશુદ્ધિઃ ગરમીને કારણે થતા રક્તના વિકારમાં જ્યારે શરીરમાં સખત ચળ આવતી હોય અને આખા શરીરની ત્વચા પર લાલ-લાલ નાની અનેક ફોલ્લીઓ થઇ હોય ત્યારે જો આ બાફેલી ભાજી આપવામાં આવે તો એ ખૂબ જ ગુણકારી નીવડે છે. આનાથી લોહીની શુદ્ધિ તો થાય જ છે, સાથે શરીરમાં હીમોગ્લોબિનની માત્રા પણ વધે છે.

• સ્ત્રીરોગોઃ સ્ત્રીઓના રોગોમાં પણ તાંદળજાની ભાજી અત્યંત ઉપયોગી છે. તાંદળજાનાં મૂળ સાફ કરી અને ચોખાની કાંજી અને રસાંજન સાથે આપવાની સ્ત્રીઓને થતો અત્યાર્તવ (વધુ માસિક આવવું), ગર્ભનું ગળવું તેમ જ એનો યોગ્ય વિકાસ ન થતો હોય, ગર્ભસ્ત્રાવ થયો હોય, રક્ત તેમ જ શ્વેત પ્રદર અને પેશાબમાં થતી બળતરા પણ મટે છે. પ્રસવોત્તર માતાને જો યોગ્ય પ્રમાણમાં ધાવણ ન આવતું હોય તો એ માતાનું ધાવણ વધારે છે.

• સુપાચ્યઃ તાંદળજાના લઘુ હલકા ગુણને કારણે એ શરીરમાં સહજતાથી પચી જાય છે. આથી બાળક, દુર્બળ, વૃદ્ધ જ નહીં, સ્વસ્થ વ્યક્તિ માટે આ અત્યંત હિતકારી છે. તાંદળજો એક શ્રેષ્ઠ પથ્ય ભાજી અને અનેક રોગોનું એક સસ્તું, સુલભ અને સચોટ ઘરગથ્થુ ઔષધ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter