બૈજિંગઃ અત્યાર સુધી એવું મનાતું હતું કે વૃદ્ધોએ થોડોક વધારે આરામ કરવો જોઈએ, જેથી તેમનું બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે અને આર્ટરીમાં ક્લોટ થાય નહીં. જોકે ચીનની વુહાન યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૬૦ વર્ષની ઉંમર બાદ જે લોકો સાડા નવ કલાક જેટલો સમય ઊંઘે છે એમને સ્ટ્રોક આવવાની શક્યતા ૨૫ ટકા અને રાતે નવ કલાક કરતાં વધારે ઊંઘ લેનારાઓને સ્ટ્રોક આવવાની શક્યતા ૨૩ ટકા વધી જાય છે.
વુહાન યુનિવર્સિટીના રિસર્ચરોએ આ અભ્યાસ માટે ૬૦ વર્ષ વટાવી ગયેલા ૩૧,૭૫૦ તંદુરસ્ત ચાઈનીઝ લોકોની પસંદગી કરી હતી અને એમના પર સતત છ વર્ષ સુધી સ્ટડી કરાયો હતો. આ લોકો પૈકી ૧૫૫૭ લોકોને સ્ટ્રોક આવ્યા હતા. અભ્યાસનું તારણ કાઢતાં પહેલા હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને ધૂમ્રપાન જેવી આદતોને પણ ધ્યાનમાં લેવામાં આવી હતી.
સંશોધકોએ જણાવ્યું હતું કે ઘરડા લોકો વધારે ઊંઘે છે તે દર્શાવે છે કે તેઓ સક્રિય નથી. આથી તેમની નસોમાં કોલેસ્ટ્રોલ વધારે જમા થાય છે અને તેના પગલે નસો બ્લોક થતાં તેમને સ્ટ્રોકનો ભય વધારે રહે છે. ઘડપણમાં ૮ કલાકની ઊંઘ જરૂરી છે, પણ ૭ કલાકની ઊંઘ લેવામાં આવે તો પણ વાંધો નથી. જોકે ૮ કલાક કરતાં વધારે ઊંઘવામાં આવે તો એનાથી શરીરના સ્વાસ્થયને જોખમ ઊભું થાય છે. હાર્ટમાં લોહી લઈને જતી નસોમાં બ્લોકેજ ઊભું થાય છે અને ૮૦ ટકાને સ્ટ્રોક આવે છે. આ સિવાય મગજમાં લોહી લઈને જતી નસો ફાટી જાય છે ત્યારે હેમરેજ થાય છે. સ્ટ્રોક આવતાં પહેલાં બોલવામાં તકલીફ થાય છે. દિમાગને ચીજવસ્તુને ઓળખવામાં વાર લાગે છે. આંખે અંધારા આવે છે. ચાલવામાં તકલીફ પડે છે અને કોઈ પણ કારણ વિના માથામાં દુખાવો રહે છે.