લંડનઃ સાદા બ્લડ ટેસ્ટથી જ કેન્સરના લક્ષણો દેખાવા લાગે તેના ચાર વર્ષ અગાઉ જ ફેફસા અને લિવરની ગાંઠ સહિત પાંચ પ્રકારના કેન્સર વિશે જાણી શકાય તેવો દાવો વિજ્ઞાનીઓ દ્વારા કરાયો છે. PanSeer – પાનસીઅર નામના ‘લિક્વિડ બાયોપ્સી’ ટેસ્ટ જઠર, અન્નનળી, આંતરડાં, ફેફસાં અને લિવરના કેન્સરને શોધી શકે છે. ટેસ્ટના તારણો કેન્સર થવાનું ભારે જોખમ ધરાવનારા લોકો માટે આશીર્વાદરુપ નીવડી શકશે. વિજ્ઞાનીઓએ જે લોકોને કેન્સરના કોઈ લક્ષણો ન હતા તેવા ૬૦૫ લોકોના પ્લાઝમા સેમ્પલ્સનું એનાલિસિસ કર્યું હતું.
કેન્સરના નિદાનમાં ક્રાંતિ સર્જી શકે તેવા દાવામાં વિજ્ઞાનીઓએ જણાવ્યું છે કે સામાન્ય નિદાન પદ્ધતિઓમાં કેન્સરના લક્ષણો જણાય તેના ચાર વર્ષ પહેલા જ સાદા રક્ત પરીક્ષણથી પાંચ પ્રકારના કેન્સરના જોખમને જાણી શકાશે. પાનસીઅર ‘લિક્વિડ બાયોપ્સી’ થકી બ્લડ પ્લાઝમામાં જઠર, અન્નનળી, આંતરડાં, ફેફસા અને લિવરના ટ્યુમર્સમાંથી બહાર ફેંકાતા મિથાઈલ ગ્રૂપ્સ તરીકે ઓળખાતા સુક્ષ્મ DNA અંશ-કણોનું પૃથક્કરણ કરી શકાય છે. અભ્યાસમાં સંકળાયેલા વિજ્ઞાનીઓનું કહેવું છે કે આ ટેસ્ટ કેન્સરની આગાહી કરશે તેવું નથી પરંતુ, જેનાથી હજુ કેન્સરના લક્ષણો જોવાં મળ્યાં નથી તે ટ્યુમર્સને શોધી કાઢશે.
લિક્વિડ બાયોપ્સીઓ આક્રમક પદ્ધતિઓના ઉપયોગ વિના વર્ષો અગાઉથી ધીમે વધી રહેલાં કેન્સરને શોધી કાઢવામાં ક્રાંતિ લાવશે. વર્તમાન તપાસ પદ્ધતિઓમાં ઈમેજિંગ ટેસ્ટ્સ અથવા રોગની નિશાનીઓ તપાસવા અંગના હિસ્સાને સર્જરીથી કાઢવાની પરંપરાગત બાયોપ્સીનો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વમાં લિક્વિડ બાયોપ્સીઓ સંશોધકોનું કેન્દ્ર બની છે પરંતુ, લક્ષણો જોવાં મળે તે પહેલાં ટ્યુમર્સ શોધવામાં ઓછી સફળતા મળી છે.
સંશોધકોએ જઠર, અન્નનળી, આંતરડાં, ફેફસા અને લિવરના કેન્સરના લક્ષણો નહિ ધરાવતા ૬૦૫ લોકોના બ્લડ પ્લાઝમાનું પરીક્ષણ કર્યું હતું. સાન ડિએગોની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસર કુન ઝાંગે કહ્યું હતું કે આખરી ધ્યેય સામાન્ય હેલ્થ ચેક અપની માફક બ્લડ પ્લાઝમા પરીક્ષણનું છે પરંતુ, હાલ પારિવારિક ઈતિહાસ, વય તેમજ અન્ય જોખમી પરિબળોને આધારિત ભારે જોખમ ધરાવતા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પાછળથી આમાંથી ૨૦૦ જેટલા પાર્ટિસિપેન્ટ્સને એક રોગનું નિદાન થયું હતું. આ પછી વિજ્ઞાનીઓએ કેન્સરનું નિદાન કરાયેલા વધુ ૨૨૩ પેશન્ટનું ટ્યુમર શોધવા લોહી પરીક્ષણ કરાયું હતું. પાનસીઅર ટેસ્ટને લક્ષણો નહિ ધરાવતા અને પાછળથી જે તે રોગનું નિદાન કરાયેલા ૯૫ ટકા પાર્ટિસિપેન્ટ્સમાં કેન્સર શોધવામાં સફળતા મળી હતી. નેચર કોમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસના પરિણામોને નિષ્ણાતોએ આવકાર્યા છે. જોકે, પ્રાથમિક પરિણામોને સમર્થન આપવા હજારો પેશન્ટ્સ પર તેની ટ્રાયલ્સ શરુ કરાવી જોઈએ તેમ પણ જણાવ્યું છે.