ન્યૂ યોર્કઃ સ્મોકિંગની આદત છોડવું સરળ નથી હોતું. આ માટે લોકો અનેક પ્રકારના ઉપાય - અખતરા કરે છે, પરંતુ એક સંશોધનનું તારણ કહે છે કે જો તમે સતત સારી સુગંધ લો તો તમારી સ્મોકિંગની આદતમાં ઘટાડો થઈ શકે છે. પીટ્સબર્ગ યુનિવર્સિટીના ચીફ રિસર્ચર માઇકલ સાયટે કહે છે કે, સિગારેટ છોડવાની અનેક પદ્ધતિઓ નિષ્ફળ રહ્યા પછી અમને માલુમ પડ્યું છે કે, સારી સુગંધ સ્મોકિંગની ઇચ્છા ઘટાડે છે. તેનાથી ટૂંકા ગાળા માટે સ્મોકિંગનું વ્યસન કાબૂમાં રાખી શકાય છે.
અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશનના જર્નલમાં પ્રકાશિત રિસર્ચ પેપર પ્રમાણે, છેલ્લાં ૫૦ વર્ષમાં સ્મોકિંગમાં ઘટાડો થયો છે. આમ છતાં, આજેય માત્ર અમેરિકામાં જ ચાર કરોડથી વધુ લોકો સિગારેટ પીવે છે. મોટા ભાગના લોકો આ કુટેવ છોડવા પણ ઇચ્છે છે, પરંતુ નિર્ણયને અમલી બનાવી શકતા નથી.
અમેરિકન હેલ્થ સેન્ટરના જણાવ્યા પ્રમાણે, એક વર્ષમાં જે લોકોએ સિગારેટ છોડવાનો પ્રયાસ કર્યો તેમાંથી અડધાએ બે અઠવાડિયામાં ફરી સ્મોકિંગ શરૂ કરી દીધું હતું. સ્મોકિંગના બદલે નિકોટિન લેનારા લોકો પણ ફરી વાર સ્મોકિંગ કરવા લાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. માઇકલ સાયટે કહે છે કે, જોકે સુગંધ સંબંધિત આ નવું રિસર્ચ એ લોકોને મદદ કરશે, જેઓ ઇચ્છવા છતાં સ્મોકિંગ છોડી શકતા નથી.
આ રિસર્ચ દરમિયાન ૧૮થી ૫૫ વર્ષના ૨૩૨ લોકો એવા હતા, જે સ્મોકિંગ છોડવા પ્રયત્નશીલ નહોતા. તેમને કહેવાયું હતું કે, તેઓ આ પ્રયોગના આઠ કલાક પહેલાં સ્મોકિંગ ના કરે અને પોતાની સાથે સિગારેટની ફેવરિટ બ્રાન્ડ પણ લઈને આવે. આ લોકોને પાંચ મિનિટ સુધી જુદા જુદા પ્રકારની સુગંધ આપીને તેનું રેટિંગ આપવા કહેવાયું હતું, જ્યારે કેટલાકને કેમિકલ અને તંબાકુની દુર્ગંધ સૂંઘવાની સૂચના અપાઈ હતી. ત્યાર પછી માહિતીનું વિશ્લેષણ કરતાં માલુમ પડ્યું હતું કે, જે લોકોએ સુગંધ લીધી હતી તેમને સિગારેટ પીવાની તલપ ઓછી લાગી હતી, જ્યારે દુર્ગંધ લેનારામાં સિગારેટ પીવાની ઇચ્છા વધારે જોવા મળી હતી. આ પછી તેમણે શ્વાસોચ્છ્શ્વાસમાં સુગંધ લેતા, તેમનામાં સ્મોકિંગની ઇચ્છા ઓછી થતી ગઈ હતી.