તમે તમારી નજીકના પ્રિયજનો કે મિત્રોને મહિનામાં કેટલી વાર મળી રહ્યા છો... અથવા તો છેલ્લી વખતે ક્યારે મળ્યા હતા? શું યાદ નથી આવતું? જો આ પ્રશ્નનો જવાબ ‘હા’ છે તો વહેલી તકે મળવાની શરૂઆત કરી દો. કારણ કે આધુનિક વિજ્ઞાનનું પણ કહેવું છે કે મહિનામાં ઓછામાં ઓછું એક વખત પ્રિયજનોને ચોક્કસપણે મળો. આના કારણે અકાળે મોતનું જોખમ ઘટે છે એટલે કે જીવનની ઇચ્છાને લઈને વિચારો હકારાત્મક રહે છે. સાથે સાથે આયુષ્યમાં પણ વધારો થાય છે.
ગ્લાસગો યુનિવર્સિટીના એક્સપર્ટ્સનું કહેવું છે કે જે લોકો પ્રિયજનો અને મિત્રોને નિયમિત રીતે મળતા નથી અથવા તો એકલા રહે છે તેવા લોકોમાં મોતનો ખતરો 77 ટકા વધારે છે. આ અભ્યાસ કરનાર લોકોએ 12 વર્ષ સુધી ચાલેલા અભ્યાસના તારણોનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ આ નિષ્કર્ષ રજૂ કર્યો છે. આ વ્યાપક અભ્યાસમાં 57 વર્ષની સરેરાશ વય ધરાવતા 4.58 લાખ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. અભ્યાસના ભાગરૂપે પાંચ જુદા જુદા પ્રકારના સામાજિક સંબંધોની ચકાસણી કરવામાં આવી હતી.
અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સામાજિક રીતે અલગ રહેવાની બાબત દરેક રીતે નુકસાન કરે છે. એકલવાયું જીવન અને પરિવારના સભ્યો અથવા તો મિત્રોને ખૂબ ઓછી વખત મળવાની બાબત મોતના જોખમ સાથે જોડાયેલી છે. જે લોકોને ક્યારેય તેમના મિત્રો અને પ્રિયજનો મળ્યા નથી તેવા લોકોમાં હૃદય સંબંધી મૃત્યુની આશંકા 53 ટકા વધારે જોવા મળી હતી. મિત્રો-સ્વજનોને નિયમિત રીતે હળતામળતા - સામાજિક જીવન જીવતા લોકોની સરખામણીમાં તેમને મોતનો ખતરો 39 ટકા વધારે હતો.
એકલવાયુ જીવન જીવી રહેલા લોકોમાં હાર્ટના રોગથી મૃત્યુની આશંકા 48 ટકા વધારે હતી. જ્યારે કોઈના પર વિશ્વાસ ન કરનાર લોકો અથવા તો અન્યોને મળવાની ગતિવિધિમાં ભાગ ન લેનાર લોકોમાં પણ આવું જોખમ વધારે હોવાનું જણાયું હતું. અભ્યાસ સાથે સંકળાયેલા કાર્ડિયોમેટાબોલિક હેલ્થના પ્રો. જેસન ગિલ કહે છે કે પ્રિયજનો - સ્વજનોને નિયમિત સમયે મળતા રહેવાની બાબત સૌથી સારી દવા છે.
યુનિવર્સિટીના ક્લિનિકલ રિસર્ચ એક્સપર્ટ ડો. હામિશ ફોસ્ટરના કહેવા મુજબ સામાજિક રીતે અલગ રહેવાની સ્થિતિમાં લોકો ધૂમ્રપાન અથવા તો શરીરને નુકસાન પહોંચાડે તેવી વસ્તુઓનો ઉપયોગ કરવા લાગે છે. સાદા શબ્દોમાં કહીએ કોઇને કોઇ વ્યસન તરફ વળવા લાગે છે. આના કારણે આરોગ્ય સંબંધી ખતરો સતત વધતા જાય છે.
બ્રિટિશ સાઈકોલોજિકલ સોસાયટીના ડો. રોમન રેકાના મતે આ અભ્યાસ ઇશારો કરે છે કે એકલવાયુ જીવન જીવવાના અને સામાજિક રીતે પ્રિયજનોથી દૂર રહેવાની ગંભીર અસરોને સમજવાની જરૂર છે. પણ સૌથી પહેલાં તેના કારણો સમજવાની જરૂર છે. આની આરોગ્ય પરની ગંભીર આડ અસરને પણ સમજવાની જરૂર છે. આમ થાય ત્યારે જ સ્થિતિમાં સુધારો કરવા માટે સામાજિક સ્તરે અસરકારક પગલાં લઇ શકાશે.
એક વિશ્વાસપાત્ર સાથી જરૂરી
એજ યુકેનાં ચેરિટી નિર્દેશક કેરોલિન અબ્રાહમ કહે છે કે આ સંશોધનના તારણો આપણા જીવનમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોનું મહત્ત્વ દર્શાવે છે. કોઇ પણ વર્ગ કે વયના લોકો માટે કોઈ પણ ઉંમરે આરોગ્ય સંબંધી બાબતોની ઉપેક્ષા કોઇ પણ રીતે યોગ્ય નથી. સ્વાસ્થ્યની જાળવણીના મામલે કોઇ પણ બાબત ટાળવી ના જોઇએ. જો તમારી પાસે એક વિશ્વાસપાત્ર સાથી હોય તો તેનાથી જીવનમાં ખૂબ ફાયદો થાય છે. વૃદ્ધ લોકો ડોક્ટરની મુલાકાતે જાય ત્યારે તેમની સાથે જવાની બાબત તેમના આરોગ્ય પર ખૂબ સારી અસર કરે છે.