સુંઘવાની શક્તિ નબળી પડે તે હાર્ટ ફેઈલરનું જોખમ દર્શાવે છે?
વિશ્વમાં આશરે 64 મિલિયન લોકોનું હૃદય બેસી જાય છે એટલે કે હાર્ટ ફેઈલ થાય છે. હાર્ટ બેસી જવું કે હાર્ટ ફેઈલ એવી મેડિકલ કંડિશન છે જેમાં હૃદય સમગ્ર શરીરમાં પૂરતા ફોર્સથી લોહીનું પમ્પિંગ કરી શકતું નથી. યુએસએની મિશિગન સ્ટેટ યુનિવર્સિટીનો જર્નલ ઓફ અમેરિકન હાર્ટ એસોસિયેશનમાં પ્રસિદ્ધ નવો અભ્યાસ જણાવે છે કે ઘ્રાણેન્દ્રિય અથવા તો સુંઘવાની શક્તિ નબળી પડે તે હાર્ટ ફેઈલર તેમજ કાર્ડિયોવાસ્કુલર રોગનું જોખમ દર્શાવે છે. હાર્ટ ફેઈલરનું જોખમ 30 ટકા જેોટલું વધી જાય છે. જોકે, સુંઘવાની શક્તિ ગુમાવી દેવા અને હૃદયરોગ કે સ્ટ્રોક વચ્ચે કોઈ સંબંધ હોવાનું સંશોધકોને જણાયું નથી. સંશોધકોએ આ અભ્યાસ માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓન એજિંગ્સ હેલ્થ એબીસી સ્ટડીમાંથી 70-79 વયજૂથના અને સુંઘવાની શક્તિનું પરીક્ષણ કરાયેલા આશરે 2500 લોકોના ડેટાની ચકાસણી કરી હતી અને 12 વર્ષ સુધી તેમને દેખરેખ હેઠળ રખાયા હતા.
કોવિડ મહામારીમાં આપણે સ્વાદ અને સુગંધ પારખવાની શક્તિ ચાલી ગયાનું અનુભવ્યું છે પરંતુ, તે શક્તિ પાછી આવી જાય છે. હૃદયના સ્નાયુને નબળા પાડે તેવા કોરોનરી હાર્ટ ડિસીઝ જેવા રોગ, બિનતંદુરસ્ત લાઈફ સ્ટાઈલ, ધૂમ્રપાન અને શરાબપાનથી પણ હાર્ટ ફેઈલર થઈ શકે છે. આમ પણ, આપણે 60 વર્ષની આસપાસ પહોંચીએ ત્યારથી આપણી ઘ્રાણેન્દ્રિયની કામગીરી વધુ નબળી થતી જાય છે. જોકે, લોકોને તેની ખબર પડતી નથી. સુંઘવાની શક્તિ ગુમાવનારામાંથી આશરે 25 ટકાને જ તેની જાણ થતી હોય છે. સુંઘવાની શક્તિ નબળી પડે તેની વયોવૃદ્ધોની તંદુરસ્તી પર સમગ્રતયા અસર થાય છે. ડિમેન્શીઆ અને પાર્કિન્સન્સ રોગના તે સૂચક છે. આ ઉપરાંત, ન્યૂમોનિયા, કામકાજમાં ઘટાડો અને નબળાઈ અને મોતનાં જોખમની પણ નિશાની છે.
•••
સ્ત્રીઓને મેનોપોઝ પછી બીટરૂટનો જ્યુસ હૃદયનું આરોગ્ય જાળવે
સ્ત્રીઓ મેનોપોઝ કે રજોનિવૃત્તિ પછી રોજ બીટરૂટના જ્યુસનું સેવન કરે તો તેમને હૃદયનું આરોગ્ય જાળવવામાં મદદ મળે છે. બીટરૂટના જ્યુસમાં મહત્ત્વપૂર્ણ નાઈટ્રેટ્સનું વધુ પ્રમાણ હોય છે જે રક્તવાહિનીઓની કામગીરી સારી રાખવામાં મદદ કરે છે. ધ પેન્સિલ્વેનીઆ સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોના ધ ફ્રન્ટિઅર્સ ઈન ન્યુટ્રિશન જર્નલમાં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ મેનોપોઝના ગાળા અને તે પછી સ્ત્રીના શરીરમાં એસ્ટ્રોજેન હોર્મોન્સનું ઓછું ઉત્પાદન થાય છે જેના કારણે રક્તવાહિનીઓની કામગીરી નબળી પડે છે અને કાર્ડિયોવાસ્કુલર રોગનું જોખમ વધી જાય છે. એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિ- ઈન્ફ્લેમેટરી એજન્ટ એસ્ટ્રોજેનનું પ્રમાણ ઘટવા સાથે LDL કોલેસ્ટરોલમાં વધારો, રક્તવાહિનીઓની દીવાલ જાડી થવી, છારી બાઝી જવી અને લોહીના ઊંચા દબાણની સમસ્યાઓ સાથે હૃદયરોગના જોખમી પરિબળો વધતા રહે છે. એસ્ટ્રોજેનની અવેજીમાં લીલાં પાંદડાદાર વનસ્પતિજન્ય નાઈટ્રેટ્સ લેવાથી રક્તવાહિનીઓ પહોળી રહે છે અને હૃદય જેવા અવયવોને ઓક્સિજનનું પૂરતું પ્રમાણ મળી રહે છે.
સ્ત્રીઓ માટે રજોનિવૃત્તિ પછીના ગાળામાં હૃદયને તંદુરસ્ત રાખે તેવા પોલીફિનોલ્સ, એન્ટિઓક્સિડેન્ટ્સ, ફ્લેવોનોઈડ્સ, ધરાવતા ખોરાક તરીકે દાડમનો રસ, લીંબુ, નારંગી, મોસંબી જેવાં ખાટાં ફળો અને તેમના રસ, ડાર્ક ચોકોલેટ, લીલાં પાંદડાદાર શાકભાજી, બેરીઝ, ઓલિવ ઓઈલ, લસણ, લીલી ચાનો ઉપયોગ લાભકારક રહે છે. જોકે, હૃદયને તંદુરસ્તી બક્ષે તેવા આખાં અનાજ, ફળો, શાકભાજી, અન્ય ખોરાક લેવાંનું તેમજ ખાંડ, પ્રોસેસ્ડ ફૂડ્સ, સંતૃપ્ત ચરબીને ટાળવાનું પણ આવશ્યક છે.