ગુલાબનું ફુલ તેની સુગંધ અને સુંદરતાને માટે તો જગજાણીતું છે જ, પરંતુ તેમાં ઔષધીય ગુણો પણ સમાયેલા છે એવું કોઇ કહે તો? હા, ગુલાબમાં સુગંધ અને સુંદરતા ઉપરાંત ઉપચારમાં ઉપયોગી એવા અનેક ઔષધીય ગુણો પણ સમાયેલા છે.
ભારતમાં આબુ પર્વત, હિમાલયના કાશ્મીર, ગઢવાલ વગેરે પ્રદેશોમાં જંગલી ગુલાબના છોડ થાય છે. બગીચાઓમાં પણ તેના છોડ ઉછેરવામાં આવે છે. ગુલાબને બધાં ફૂલોમાં રાજાનું સ્થાન અપાયું છે, કારણ કે તે કોઈ પણ વ્યક્તિના પ્રેમ, સ્નેહ, મિત્રતા, લાગણી, ભક્તિભાવ વગેરેને વ્યક્ત કરનાર ઉત્તમ સાધન છે.
આયુર્વેદ અનુસાર, ગુલાબ રસમાં મધુર, કડવા, તૂરા, શીતળ, કોમળ, હૃદયને પ્રિય અને હિતકારી, વાત, પિત્ત અને કફ એ ત્રણેય દોષોને સમાન બનાવનાર, શુક્રવર્ધક, ધાતુવર્ધક, રુચિવર્ધક, અનુલોમક, સારક, શરીરના વર્ણને સુંદર બનાવનાર, દુર્ગંધનાશક ગુણો સમાયેલા છે. આ ઉપરાંત તે શરીરની દાહ-બળતરા શાંત કરનાર છે. તે સોજા, ગડગુમડ, ત્વચાના રક્તના વિકારો, નસકોરી ફૂટવી, કબજિયાત, થાક અને દુર્બળતાનાશક છે. રાસાયણિક દૃષ્ટિએ જોઇએ તો તેમાં એક ઓલિયમ રોજી નામનું તેલ, ટેનિક એસિડ રહેલાં હોય છે.
• ઉપયોગોઃ ગુલાબ ખૂબ જ શીતળ (ઠંડક આપનાર) છે. આથી તે ઉષ્ણતાજન્ય વિકારોમાં લાભદાયી છે. બહાર ગરમીમાં ફરવાની સાથે ગરમ ગુણવાળા - પિત્ત વધારનારા ખોરાકનું અધિક સેવન કરવાથી પિત્તનો પ્રકોપ અને પિત્તજન્ય વિકારો થાય છે. આ બીમારીમાં રાહત માટે ૧૦૦ ગ્રામ ગુલાબજળ અને ૨૦૦ ગ્રામ ખાંડ લઈને શરબત તૈયાર કરવું. અડધા કપ જેટલા આ શરબતમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને પીવાથી પિત્તજન્ય વિકારો શાંત થાય છે. તડકામાં ફરવાથી થતો માથાનો દુખાવો, લોહીનું દબાણ, ધબકારા વધી જવા, નસકોરી ફૂટવી, હથેળીની ચામડી ફાટવી, આંખો, હાથ-પગ, છાતી, શિરમાં બળતરા અને મોટા ભાગના ચામડીના રોગો... આ બધા જ પિત્તજન્ય વિકારો છે.
આખા શરીરે ખંજવાળ આવતી હોય, ત્વચા શુષ્ક થઈ ગઇ હોય, શરીરમાં બળતરા થતી હોય તો આ પ્રમાણે ઉપચાર કરવો. રાત્રે ગુલાબની થોડી પાંદડીઓને એક કપ પાણીમાં પલાળી રાખો. સવારે આ પાંદડીઓને મસળીને પાણી ગાળી લેવું. થોડી સાકર મેળવીને આ પાણી પી જવું. શૌચ શુદ્ધિ થઈ શરીરની અનાવશ્યક ગરમીનો નિકાલ થશે.
યુનાની પદ્ધતિની બનાવટ ગુલકંદને આયુર્વેદમાં પણ સ્થાન મળ્યું છે. ગુલકંદ બજારમાં તૈયાર મળી રહે છે. જોકે ઘરે બનાવેલો ઉત્તમ ગણાય. સરખા વજને ગુલાબની પાંદડીઓ અને સાકર લાવી, સારી રીતે સ્વચ્છ કરી લેવા. પછી એક કાચની પારદર્શક મોટી બરણીમાં ગુલાબની પાંદડીઓ અને સાકરના એક ઉપર એક થર કરી દેવા. આ બરણીને રોજ થોડો સમય તડકામાં મૂકવી. પંદર દિવસે એક વખત મિશ્રણ સારી રીતે હલાવી દેવું. આ રીતે એક મહિને ઉત્તમ ગુલકંદ તૈયાર થશે. આ ગુલકંદ પિત્તનું શોધન અને શમન એમ બંને કાર્ય કરે છે. વળી તે એક મૃદુ વિરેચક (ઝાડો સાફ લાવનાર) હોવાથી દૂષિત રક્તને શુદ્ધ કરે છે. સવાર - સાંજ એક-એક ચમચી ગુલકંદ એક કપ દૂધમાં મેળવીને લેવાથી ગરમી અને પિત્તના વિકારોમાં મૂળગામી લાભ થાય છે.
હવે આપણે આંખોમાં થતી તકલીફોની વાત કરીએ. આંખમાં બળતરા થતી હોય, આંખો લાલ થઈ ગઈ હોય, પાણી આવતું હોય કે ખંજવાળ આવતી હોય તો ગુલાબજળનાં બેથી ચાર ટીપાં સવાર-સાંજ આંખોમાં પાડવાં. થોડા દિવસમાં જ આંખો સ્વચ્છ અને નિર્મળ-નિરોગી બની જશે. આમ તો ગુલાબની ૧૫૦થી અધિક જાતિ-પ્રજાતિઓ છે, આમાંથી અહીં સર્વસામાન્ય ગુલાબની જાતિના લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે.