ડેન્ટિસ્ટનું કામ માત્ર દાંતોની સારવાર કરવાનું જ હોવાની સામાન્ય માન્યતા છે. પરંતુ હકીકત એ છે કે ડેન્ટિસ્ટ જરૂરી ચેકઅપ બાદ માત્ર મોં જ નહીં, પરંતુ અન્ય બીમારીઓ અંગે પણ તમને એલર્ટ કરી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર 100થી વધુ બીમારીઓ એવી છે, જેના લક્ષણો સૌથી પહેલા મોમાં જોવા મળે છે. ડેન્ટિસ્ટ દાંતો, પેઢા, જીભ, તાળવું, હોંઠ, જડબું, ચહેરો અને ગરદનની તપાસથી શરીરની અન્ય સમસ્યાઓ અંગે પણ જાણી શકે છે.
ઉદાહરણ તરીકે દાંતોના પાછલા હિસ્સાના લેયરમાં ઘસારો અને નુકસાનગ્રસ્ત થવું એ વાતનો સંકેત છે કે વ્યક્તિને એસિડિટી હોય શકે છે. ડેન્ટિસ્ટ એવી અનેક વસ્તુઓ જોઈ શકે છે, જે શરીરમાં વિકસતી હોય અથવા તો કોઈ બીમારીનો સંકેત હોય. ચાલો, આજે એવી કેટલીક બીમારી અંગે જાણીએ જેની શરૂઆતની જાણકારી ડેન્ટલ ચેકઅપથી મળી શકે છે.
ડાયાબિટીસ: દાંતોમાં બેકટેરિયા વધવા લાગે છે
ડાયાબિટીસને કારણે બ્લડ સુગર વધે છે, જેનાથી લાળમાં પણ સુગરની માત્રા વધી જાય છે. તેનાથી દાંતો પર જામેલા પ્લેકમાં બેક્ટીરિયાની માત્રા ઝડપભેર વધવા લાગે છે, પરિણામે પેઢામાં સોજો અને લોહી આવવા લાગે છે. ડાયાબિટીસમાં મોં સુકાઈ જવું અને ઘા લાંબા સમયે રૂઝાવાની સમસ્યા હોય છે. મોંની તપાસ દરમિયાન ડેન્ટિસ્ટ આ સંકેતો ઓળખી શકે છે. સુગરની તપાસ માટે સૂચન કરી શકે છે.
મોંનું કેન્સરઃ મોંમાં સફેદ ચકામા દેખાય છે
મોંમાં કોઈ પ્રકારના સખત દાણા, સોજો, ગાંઠ અથવા અકારણ રક્તસ્ત્રાવ એ માથું અથવા ગરદનના કેન્સરનો પ્રારંભિક સંકેત હોય શકે છે. આ ઉપરાંત મોંના કેન્સર દરમિયાન સફેદ અથવા લાલ રંગના પેચ બને છે. તે ઉપરાંત મોંમાં થનારી ઈજામાં જલદી રુઝ આવતી નથી. દાંતોના ચેકઅપ દરમિયાન ડેન્ટિસ્ટ આ લક્ષણો જોઈને મોંના કેન્સર અંગે તમને એલર્ટ કરી શકે છે.
સ્લીપ એપ્નિયાઃ જીભ અને જડબા પર સંકેત દેખાય
સૂતી વખતે વારંવાર શ્વાસ રોકાવો અને મોટા નસકોરાને કારણે સર્જાતી અનિંદ્રાની સમસ્યાને સ્લીપ એપ્નિયા કહે છે. તેની અસર મોંમાં દેખાય છે અને જડબાની આસપાસ નસો ફેલાય છે. મોં સૂકું લાગે છે કારણ કે સ્લીપ એપ્નિયાને કારણે મોટા ભાગે શ્વાસ લેવા માટે મોં ખોલીને લોકો ઊંઘે છે. આ સમસ્યાને કારણે તેઓ ઊંઘમાં દાંતને કચકચાવે છે, જેનાથી દાંત ઘસાવા લાગે છે. ડેન્ટલ ચેકઅપ દરમિયાન ડેન્ટિસ્ટની નજરે આ સમસ્યા ચઢી શકે છે.
હાડકાં નબળાં પડવાઃ દાંત ઢીલા થવા લાગે છે
હાડકાં નબળા પડવા અને દાંતોના આરોગ્યને સંબંધ છે. વાસ્તવમાં જ્યારે જડબાનું હાડકું નબળું પડવા લાગે છે તો જડબાના આકારમાં ફેરફાર થવા લાગે છે. દાંત ઢીલા થવા લાગે છે. તેનાથી દાંત પડવાનો ખતરો વધી જાય છે. તે ઉપરાંત પેઢાં પણ નીચેની તરફ ખસવા એ નબળા હાડકાંનો સંકેત છે. ચાવતી વખતે દાંતોમાં દુખાવાનું એક કારણ નબળા હાડકાં હોય શકે છે.
મોંની તંદુરસ્તી માટે અપનાવો આ ત્રણ ઉપાય
• ડાઇટ: ફળનું સેવન વધારો, ખાંડનું ઘટાડો
ફળ, શાકભાજી અને ચીઝને ભોજનમાં સામેલ કરો. તેમાંથી મળતા મિનરલ્સ પેઢાંની બીમારીઓથી બચાવે છે. તેનાથી મોંના કેન્સરનો ખતરો ઘટે છે.
• બ્રશ: 45 ડિગ્રી એંગલ પર બ્રશ કરો
બ્રશને દાંતોના પેઢા પર 45 ડિગ્રી એંગલ પર રાખીને ગોળ ફેરવીને ઉપર-નીચે કરવું જોઈએ. તેનાથી પેઢા અને દાંતોને નુક્સાનની આશંકા ઘટે છે.
• વોશઃ ગળ્યાના સેવન બાદ મોં સાફ કરો
દાંતમાં કેવિટી પેદા કરતા બેક્ટેરિયા ગળ્યા ખાદ્ય પદાર્થોને એસિડમાં બદલે છે. આથી ગળ્યું ખાવાની 5 મિનિટની અંદર પાણીથી મોંને સાફ કરો. વ્યવસ્થિત કોગળા કરો. પાણીમાં રહેલું ફ્લોરાઈડ એસિડ ઘટાડે છે. જો સંભવ હોય તો મીઠાના પાણીથી કોગળા કરો કારણ કે તે પ્રાકૃતિક રીતે કીટાણુઓને ખતમ કરવામાં મદદ કરે છે.