લાઇફસ્ટાઇલ ડિસીઝ ગણાતો ડાયાબિટીસ જ્યારે લાંબા સમય સુધી શરીરમાં રહે છે તો નાની અને મોટી રક્તવાહિનીને ગંભીર નુકસાન પહોંચે છે. આથી હાર્ટ-એટેક, સ્ટ્રોક સહિત કિડની, આંખ, પગ અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન થાય છે. ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જે લગભગ સમગ્ર શરીરને નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને હૃદય, કિડની, આંખ અને લિવર પર સીધી અસર થાય છે. લિવર પર ધ્યાન ન આપવાને કારણે નોન-આલ્કોહોલિક ફેટી લિવરનું જોખમ વધે છે. એક આંકડા મુજબ, ભારતમાં લિવર ફેલ્યોર કે લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે ડાયાબિટીસ બીજું મોટું કારણ છે. સંતુલિત ખાણીપીણી અને દિનચર્યાની સાથે સાથે જો રાતની કેટલીક ટેવોને પણ અપનાવવામાં આવે તો ડાયાબિટીસને સરળતાથી નિયંત્રણમાં રાખી શકો છો.
• ઊંઘતા પહેલાં બ્રશ કરોઃ શરીરમાં સુગરનું પ્રમાણ ઊંચું રહેવાને કારણે લાળ ઓછી બને છે. સાથે જ તેમાં સુગર પણ વધુ હોય છે. અમેરિકન ડાયાબિટીસ એસોસિયેશનના મતે, તેના કારણે દાંતમાં સડો, કેવિટી અને પેઢાની બીમારીનું જોખમ વધે છે. પેઢાં સંબંધિત જો સમસ્યા છે તો ડાયાબિટીસને કારણે થતી સમસ્યાઓ વધુ જટિલ બને છે. શરીરમાં સુગરનું પ્રમાણ વધી શકે છે.
• દરરોજ પૂરતી ઊંઘઃ બ્લડ સુગરની દૃષ્ટિએ ઊંઘ પેન્ક્રિયાઝને વધુ આરામ આપે છે. નિષ્ણાતોના મતે, જો શરીરને પૂરતી ઊંઘ મળતી નથી તો તે ઈન્સ્યુલિનનો સારી રીતે ઉપયોગ કરી શકતું નથી. જેના કારણે બીજા દિવસે સુગરનું પ્રમાણ વધુ આવે છે. આ ઉપરાંત ઊંઘ માટે રોજનો નક્કી સમય પણ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આથી દરરોજ નિયત સમયે ઊંઘી જવાનો પ્રયાસ કરો.
• ઊંઘના ૩ કલાક પહેલાં ભોજનઃ જો ઊંઘવાના થોડાક સમય પહેલાં જ જમો છો તો પેન્ક્રિયાઝને ઓવર વર્ક કરવું પડે છે. આથી રાત્રે સૂવાના ઓછામાં ઓછા ત્રણ કલાક પૂર્વે ભોજન કરી લેવાની આદત કેળવો. આ સિવાય રાત્રે ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ પણ વધી જતું હોય છે, જેના કારણે ભોજન ઊર્જાના સ્વરૂપમાં તબદીલ થઈ શકતું નથી. આથી જો તમે ઊંઘવાના બરાબર પહેલા ભોજન કર્યું હશે તો સવારે તમારી સુગર વધેલી હશે. રાતના ભોજન અને સવારના બ્રેકફાસ્ટ વચ્ચે 12 કલાકનું અંતર રાખવાનો પ્રયાસ કરો.
• નિયમિત વોક, હળવી કસરતઃ સવારની નિયમિત કસરત શરીરને ઘણો ફાયદો પહોંચાડે છે, પરંતુ જો ઊંઘતા પહેલાં વોક, હળવું રનિંગ કે જમ્પિંગ જેક્સ જેવા બેઝિક કાર્ડિયો મૂવમેન્ટ કરો તો સુગરના દર્દીને તેનાથી વધુ ફાયદો થાય છે. અમેરિકાના નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિન દ્વારા 2022માં કરાયેલા રિસર્ચ મુજબ હળવી ઝડપી વોક કરવાથી જમ્યા પછીની સુગર ઘટે છે.