સુપરફૂડ સરગવાની શિંગ

Wednesday 04th December 2024 06:54 EST
 
 

સરગવાની શિંગનું સ્વાદિષ્ટ શાક તો બધાએ ખાધું હશે, એનો સ્વાદ લગભગ બધાને પસંદ પડ્યો હશે. પણ સરગવાની શિંગની અંદરનો ગર ખાધા પછી તેના છોતરાં કાઢવાનું ભાગ્યે જ કોઇને પસંદ પડ્યું હશે. જોકે સરગવાની શિંગમાં કેટલાક પોષક તત્વો રહેલા છે તે જાણશો તો ગમવા - ન ગમવાનું બધું ગૌણ બની જશે. સરગવાની શિંગ કેટલી પૌષ્ટિક છે અને તેના કેટલા ફાયદા તે જાણતાં પહેલાં સરગવાની શિંગ વનસ્પતિના ક્યા મૂળ - કુળની છે તે પાયાની જાણકારી મેળવીએ. સરગવાની શિંગનું વૃક્ષ આંબાના વૃક્ષ જેટલું મોટું હોય છે. સરગવાની શિંગ ઉપરાંત સરગવાના પાન સુધ્ધાં શરીર માટે ઉપયોગી હોય છે. વૃક્ષના અન્ય ભાગમાંથી દવા પણ બનાવવામાં આવે છે. આ જ કારણસર સરગવાની શિંગને સુપરફૂડની કક્ષામાં મૂકવામાં આવે છે.
સરગવાની શિંગનાં વૃક્ષનું વૈજ્ઞાનિક નામ - બોટાનિકલ નેમ છે મોરિંગા ઓલિફેરા. સાદા શબ્દોમાં કહીએ તો ડ્રમ-સ્ટીક ટ્રી અથવા બેન ઓઈલ ટ્રી. સરગવાની શિંગના વૃક્ષ ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દક્ષિણના ઘણાં રાજ્યોમાં થાય છે. સરગવાની શિંગના વૃક્ષમાંથી સદીઓથી 300 જેટલી દવાઓ બને છે. બ્રિટિશરો ભારતમાં હતા ત્યારે તેમના ખોરાકમાં મોરિંગાને સ્થાન મળ્યું અને આ યુરોપમાં પણ ડ્રમ-સ્ટિકની લોકપ્રિયતા વધી. ડ્રમ-સ્ટિક એટલે કે સરગવાની શિંગના ફાયદા અનેકવિધ છે. જેમ કે,
• શિંગ છે પોષણનો ભંડારઃ આ વૃક્ષના લગભગ તમામ ભાગોને ખાઈ શકાય છે અથવા તેનો ઔષધિય હેતુઓ માટે ઉપયોગ કરી શકાય છે. મોરિંગા એ વિટામિન્સ અને મિનરલ્સનો ઉત્તમ સ્રોત છે. સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે મોરિંગા પાઉડરમાં દહીંથી નવ ગણું વધુ પ્રોટીન, ગાજર કરતાં દસ ગણું વધુ વિટામીન-એ, ટોફુ કરતાં 20 ગણું વિટામીન-ઈ, નારંગી કરતાં 50 ટકા વધુ વિટામીન-સી અને પાલકની ભાજી કરતાં 25 ગણું વધુ આયર્ન હોય છે. તો કેળા કરતાં 15 ગણું પોટેશિયમ હોય છે.
• લીવર અને કિડનીનું રક્ષણઃ મોરિંગા પાવડરમાં પોલિફેનોલ્સની ઊંચી સાંદ્રતા (કોન્સન્ટ્રેશન્સ) હોય છે, જે લીવરને ઓક્સિડેશન, ટોક્સિસિટી અને એન્ટિ-ટયુબરક્યુલરથી સલામત-સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત જે લોકો મોરિંગા અર્કનું સેવન કરે છે તેમને કિડની, મૂત્રાશય અથવા ગર્ભાશયમાં પથરી થવાની શક્યતા ઓછી રહે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સના ઊંચા સ્તરને કારણે કિડનીમાંથી ઝેરી તત્ત્વોને દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.
• પ્રોસ્ટેટ સ્વાસ્થ્ય અને ફર્ટિલિટીને સહાયઃ મોરિંગાના બીજ અને પાંદડા ગ્લુકોસિનોલેટ્સ નામના સલ્ફરથી ભરપૂર સંયોજનોથી ભરેલા હોય છે, જેમાં કેન્સરવિરોધી ગુણધર્મો હોય શકે છે. અભ્યાસો સૂચવે છે કે મોરિંગા પ્રોસ્ટેટના વિસ્તરણ અને પ્રોસ્ટેટ કેન્સરના ચિહ્નોને રોકવામાં મદદ કરી શકે છે. મોરિંગાના પાંદડા અને બીજ પણ એન્ટિ-ઓક્સિડન્ટ્સના ઉત્તમ સ્રોત છે, જે ઓક્સિડેટિવથી થતાં નુકસાન સામે લડવામાં મદદ કરી શકે છે. તેમજ શુક્રાણુના ઉત્પાદન પર થતી નકારાત્મક અસરને દૂર કરે છે.
• ત્વચા અને વાળમાં સુધારો કરે: ડ્રમ-સ્ટિકમાં ત્વચાના કોષોને નુકસાનથી બચાવવા માટે પૂરતું પ્રોટીન હોય છે. તેમાં હાઇડ્રેટિંગ અને ડિટોક્સિફાઇંગ ઘટક છે, જે ત્વચાના ચેપને દૂર કરે છે. ડ્રમ-સ્ટીકના બીજનું તેલ વાળને ફ્રી- રેડિકલ સામે પણ રક્ષણ આપે છે અને તેને સ્વચ્છ રાખે છે.
• હાડકાંને મજબૂત બનાવે: આ ચમત્કારિક ખોરાકમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર હોય છે, જે તમારા હાડકાંને સ્વસ્થ અને મજબૂત રાખે છે. મોરિંગા સંધિવા જેવી સ્થિતિની સારવારમાં ખૂબ જ ફાયદાકારક છે અને તે નુકસાન થયેલા હાડકાંને રિપેર કરવામાં મદદ કરે છે. ડ્રમ-સ્ટિકમાં દૂધ કરતાં 17 ગણું વધારે કેલ્શિયમ હોય છે, જે હાડકાંને મજબૂતાઈ આપે છે.

મોરિંગા પાઉડરનો ઉપયોગ કેવી રીતે કરવો?
• મોરિંગા પાઉડરનો સ્વાદ હળવો હોય છે, જે સ્મુધી અને ચાના સ્વાદમાં વધારો કરી શકે છે.
• સરગવાની શિંગો સાંભારમાં એક મહત્ત્વપૂર્ણ ઘટક છે. ઢોસા સાથે સરગવાની શિંગમાંથી બનતી ચટણી પણ સર્વ કરી શકાય. શિંગમાં રહેલું મુરુન્ગાઈ કીરાઈ યોગાયલ નામનું તત્વ ચટણીને તીખો અને ટેન્ગી સ્વાદ આપે છે. ડ્રમ-સ્ટ્રિકના વૃક્ષના પાંદડાનો પાઉડર દાળ બનાવવામાં વાપરી શકાય છે.
• જો તમે મોરિંગાના પાંદડાનો સીધો ઉપયોગ કરવા માગતા હો તો તેને મીઠા લીમડાની જેમ સાંતળીને ભાત અને કઢી સાથે ઉપયોગમાં લઇ શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter