• સુવાની હાલતમાં પણ બ્લડ પ્રેશર માપવું જોઈએ
શરીરના આરોગ્ય અને ખાસ કરીને હૃદયરોગ અને સ્ટ્રોકના જોખમોની હાલત જાણવા માટે બ્લડ પ્રેશરનું પ્રમાણ જાણવું જરૂરી છે. સામાન્યપણે બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર મપાય છે પરંતુ, સુવાની હાલતમાં મપાયેલું બ્લડ પ્રેશર પણ હૃદયરોગના જોખમોનો નિર્દેશ કરે છે. તાજેતરના અભ્યાસ મુજબ જે લોકોને બેઠેલી સ્થિતિમાં બ્લડ પ્રેશર નોર્મલ રેન્જમાં હતું તેમને સુવાની હાલતમાં પ્રેશર ઘણું ઊંચું - સપાઈન હાઈપરટેન્શન જણાયું હતું. આ પ્રકારે લેવાયેલું માપ કોરોનરી હાર્ટ ડિસીઝ, હાર્ટ ફેઈલ્યોર અને જીવલેણ કોરોનરી હાર્ટ ડિસીઝનું ગંભીર જોખમ જણાવી શકે છે. સંશોધકોએ એથેરોસ્કેલેરોસિસ રિસ્ક ઈન કોમ્યુનિટીઝના 11369 પેશન્ટ્સના ડેટાનો અભ્યાસ કર્યો હતો અને અમેરિકન હાર્ટ એસોસિયેશનના હાઈપરટેન્શન સાયન્ટિફિક સેશન્સ 2023 સમક્ષ આ તારણો રજૂ કરાયા હતા. 16 ટકા લોકોને બેઠેલી હાલતમાં બ્લડ પ્રેશર નોર્મલ હતું પરંતુ તેમની સુવાની હાલતમાં પ્રેશર ઊંચું હતું. આ ઉપરાંત, બેઠેલી હાલતમાં ઊંચું બ્લડ પ્રેશર હતું તેવા 74 ટકા લોકોને સુવાની સ્થિતિએ પણ હાઈ બ્લડ પ્રેશર હતું.
• ડાયાબિટીસમાં ઘા કેમ રુઝાતા નથી?
ડાયાબિટીસ પહેલી નજરે નહિ ચડતો છાનોછપનો રોગ છે જે શરીરને ખોખલું કરી નાખે છે. ડાયાબિટીસમાં ચાંદા પડવા અને તેમાં રૂઝ નહિ આવવાનું સામાન્ય છે. કોઈ પણ ઘામાં રૂઝ કેવી રીતે આવે તે જાણવું જોઈએ. જ્યારે ઘા પડે છે ત્યારે લોહીના કણો, પ્રોટિન્સ, પોષક તત્વો અને ઓક્સિજનયુક્ત લાલકણો ક્લોટિંગ અને રૂઝ લાવવા માટે મોકલી દેવાય છે. લાલકણો દ્વારા સર્જાતાં કોલાજન તત્વથી નવા ટિસ્યુઝ બને છે. કોલાજનથી ચામડીના ટિસ્યુઝ તૈયાર થાય છે અને ઘા પર તેનું આવરણ થાય છે જેના પરિણામે, રૂઝ આવવાની પ્રક્રિયા થાય છે અને ઘા નાનો થતો જાય છે. ડાયાબિટીસ ધરાવતા લોકોમાં બ્લડ સુગર વધવા સાથે રક્તવાહિનીઓ સખત બની જાય છે જેના પરિણામે રક્તપ્રવાહ ધીમો પડે છે અને ટિસ્યુઝને ઓક્સિજન પૂરતાં પ્રમાણમાં મળતો નથી. બીજી તરફ, શ્વેતકણોની કામગીરીને પણ અસર થવાથી ઘામાં ચેપ લાગવાનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, પેરિફેરલ ન્યૂરોપથીના લીધે પીડાની સંવેદના પણ ઘટી જાય છે અને ઘા પડ્યો હોય તેની જાણ પણ થતી નથી અને તેની સમયસર સારવાર નહિ થવાથી ઘા કે ચાંદા વકરી જાય છે. આવાં ચાંદા પગના તળિયે પડવાનું જોખમ વધુ રહે છે.