સૂર્ય નમસ્કારઃ તન - મન માટે આશીર્વાદરૂપ

Wednesday 15th June 2022 06:41 EDT
 
 

યોગના તમામ આસનોમાં સૂ્ર્ય નમસ્કારને સૌથી શ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્ય નમસ્કાર મનને શાંત કરે છે અને એકાગ્રતા વધારવામાં સહાય કરે છે. જો બાળકો નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરે તો એમની એકાગ્રતામાં વધારો થાય છે. દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી ચેતાતંત્ર સુધરે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થતા સ્વાસ્થ્યને ફાયદો થાય છે.
સૂર્ય નમસ્કાર એક ખાસ પ્રકારની સ્થિતિ છે જે વિવિધ અલગ અલગ આસનોનો સમૂહ છે. યોગમાં કરવામાં આવતા તમામ આસનોમાં સૂર્ય નમસ્કારને સૌથી શ્રેષ્ઠ આસન ગણવામાં આવે છે. નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરને સ્વસ્થ રાખી શકાય છે અને ખાસ વાત તો એ છે કે એ કોઇ પણ વયની વ્યક્તિ સૂર્ય નમસ્કાર કરી શકે છે. સૂર્ય નમસ્કાર કરવાથી તન, મન અને વાણી ત્રણેય શાંત થાય છે અને ઊર્જા મળે છે.
પણ સૂર્ય નમસ્કાર ક્યારે કરવા જોઇએ? પેટ ભરેલું ના હોય તેવા વખતે ગમે તે સમયે સૂર્ય નમસ્કાર કરી શકાય છે. આમ છતાં, સૂર્ય નમસ્કાર માટે સવારનો સમય શ્રેષ્ઠ ગણાય છે કારણ કે તે શરીરને ઊર્જાસભર બનાવીને મનને આનંદિત કરે છે. જો ઝડપથી કરવામાં આવે તો સૂર્ય નમસ્કાર હૃદય અને લોહીની નળીઓ માટે એક ઉત્તમ કસરત અને વજન ઉતારવાનો સારો માર્ગ છે.
અને ક્યારે ન કરવા જોઇએ સૂર્ય નમસ્કાર? જો તમને તાવ, સાંધામાં સોજો કે દુખાવાની સમસ્યા હોય તો સૂર્ય નમસ્કાર ન કરવા જોઈએ. આ સિવાય હાઈ બીપી, હર્નિયા, હૃદયને લગતી સમસ્યા, ચક્કર આવવા જેવી સમસ્યા હોય તો સૂર્ય નમસ્કાર ન કરવા જોઇએ. આ સિવાય પીરિયડ્સ દરમિયાન અને પ્રેગ્નન્સીના ચાર મહિના બાદ સૂર્ય નમસ્કાર ન કરવા જોઈએ. સૂર્ય નમસ્કાર પૂર્વ દિશામાં મોંઢું રાખીને કરવા જોઇએ તેમજ સૂર્ય નમસ્કાર શરૂ કરતાં પહેલાં એને યોગ એક્સપર્ટ પાસે શીખી લેવા જોઇએ.
બાળકોને બનાવે એકાગ્ર
સૂર્ય નમસ્કાર મનને શાંત કરે છે અને એકાગ્રતા વધારવામાં સહાય કરે છે. જો બાળકો નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરે તો એમની એકાગ્રતામાં વધારો થાય છે. સૂર્ય નમસ્કારના નિયમિત મહાવરાથી શરીરને તાકાત તથા જીવંતતા મળે છે. પાંચ વર્ષની ઉમરના કે તેથી વધુ ઉંમરના બાળકો રોજ નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરી શકે છે.
વધારાનું વજન ઉતારે
નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરવાથી વધારાની કેલરી બાળવામાં મદદ તો મળે જ છે પણ સાથે સાથે પેટના સ્નાયુઓને કુદરતી રીતે ખેંચાણ આપીને શરીરને સુડોળ રાખવામાં મદદ મળે છે. સૂર્ય નમસ્કારના કેટલાક આસનો થાઇરોઇડ અંતઃસ્ત્રાવનું ઉત્પાદન વધારી પેટ પરની વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરે છે. સૂર્ય નમસ્કાર નિયમિત કરવાથી સ્ત્રીઓમાં ઋતુચક્રની અનિયમિતતાનું નિયંત્રણ પણ થાય છે.
પાચનની ક્ષમતા સુધારે
દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી પેટના સ્નાયુઓ પર દબાણ પડે છે, જેનાથી પાચન ક્ષમતા સુધરે છે. સાથે જ કબજિયાત, એસિડિટી અને પેટમાં બળતરા જેવી સમસ્યામાં રાહત મળે છે. આ સિવાય સૂર્ય નમસ્કાર કરવાથી પેટના મસલ્સ મજબૂત થાય છે. સાથે જ પેટ પરની વધારાની ચરબી દૂર થાય છે. સૂર્ય નમસ્કાર કરવાથી શરીરના દરેક અંગ સુધી ઓક્સિજન વાળું લોહી પૂરતી માત્રામાં પહોંચે છે. જેથી શરીરમાં રહેલા કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય ઝેરી ગેસ બહાર નીકળે છે.
સ્ટ્રેસમાં ઘટાડો કરે
દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી ચેતાતંત્ર સુધરે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન વ્યવસ્થિત થાય છે. આના કારણે સ્ટ્રેસ દૂર થાય છે તેમજ યાદશક્તિ સુધરે છે. ખૂબ ઝડપથી ગુસ્સો આવતો હોય તેવા લોકોને સૂર્ય નમસ્કાર કરવાથી લાભ થશે. સૂર્ય નમસ્કાર કરવાથી આખા બોડીનું સ્ટ્રેચિંગ થાય છે એટલે સ્નાયુઓની સાથે કરોડરજ્જુ પણ મજબૂત બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter