સેલફોન્સથી કોલ અને કાર્ડિયોવાસ્કુલર જોખમ વચ્ચે સંબંધ
વર્તમાન યુગ મોબાઈલ અને સ્માર્ટ સેલફોન્સનો છે જેના વિના માનવીનું જીવન લગભગ અટકી જ જાય છે. વિશ્વમાં માનવીઓ વચ્ચે નહિ પરંતુ, સેલફોન્સનો સંપર્ક અગણિત રીતે વધતો રહે છે. આ સંજોગોમાં સેલફોન્સથી કોલ અને કાર્ડિયોવાસ્કુલર જોખમ વચ્ચે કડી સ્થાપિત કરતા એક અભ્યાસ અનુસાર ઓછાં કોલ્સ કરનારાની સરખામણીએ સૌથી વધુ કોલ્સ કરનારાઓને કાર્ડિયોવાસ્કુલર હુમલાનો શિકાર બનવાનું જોખમ 21 ટકા વધી જાય છે. આ ઉપરાંત, ડાયાબિટીસથી પીડિત અને ધૂમ્રપાન કરતા લોકોમાં આ સંબંધ વધુ જોખમી પુરવાર થાય છે. કેનેડિયન જર્નલ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રસિદ્ધ અભ્યાસમાં સેલફોન્સથી કોલ અને કાર્ડિયોવાસ્કુલર જોખમ સંદર્ભે લગભગ પાંચ લાખ લોકોના ડેટા તપાસાયા હતા. એક વ્યક્તિ દર સપ્તાહે કોલ્સ કરવામાં જેટલો વધુ સમય વીતાવે છે તેના માટે સ્ટ્રોક, કોરોનરી હાર્ટ ડિસીઝ અથવા હાર્ટ ફેઈલ્યોરનું જોખમ વધે છે. આ જોખમમાં નિદ્રા, સાઈકોલોજિકલ તણાવ અને ન્યૂરોટિસિઝમ જેવાં પરિબળો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આ સંશોધનમાં જણાવાયું છે કે સપ્તાહમાં 5થી 29 મિનિટ (3 ટકા વધુ જોખમ), 30થી 59 મિનિટ (7 ટકા વધુ જોખમ), 1 કલાકથી 3 કલાક (13 ટકા વધુ જોખમ), 4 કલાકથી 6 કલાક (15ટકા વધુ જોખમ), 6કલાક અને તેથી વધુ કલાક (21 ટકા વધુ જોખમ) કોલ્સ થતાં રહે તેમ જોખમ વધે છે. એક સમયે સ્માર્ટફોન્સના ઉપયોગથી બ્રેઈન કેન્સર થતું હોવાની ચિંતા દર્શાવાતી હતી. જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થાએ 63 અભ્યાસોની સમીક્ષા પછી આ કડીને ફગાવી દીધી છે. આ અભ્યાસ બાબતે પણ વધુ સંશોધન કરવાની આવશ્યકતા પર ભાર મૂકાયો છે.
•••
ટીનેજર્સમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનું વળગણ
ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ ટીનેજર્સમાં માનસિક આરોગ્ય સંદર્ભે સૌથી વિશાળ વૈશ્વિક અભ્યાસ ‘બ્રેઈનવેવ્ઝ’માં યુકેના 11થી 18 વયજૂથના 7,000 જેટલા ટીનેજર્સનો અભ્યાસ કર્યો હતો. પ્રાથમિક પરિણામો અનુસાર 16-18વયજૂથના 60 ટકા જેટલા તરૂણો પ્રતિ દિવસ બેથી ચાર કલાકનો સમય તેમજ ઘણા ટીનેજર્સ તો દિવસના 8 કલાક સોશિયલ મીડિયા સાઈટ્સ પર ગાળે છે. ઈન્સ્ટાગ્રામ, ટિકટોક, સ્નેપચેટ, વોટ્સએપ અને યૂટ્યૂબ સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વધુ સમય વીતાવવાના પરિણામે તરૂણોમાં એંગ્ઝાઈટી અને ડિપ્રેશનનું પ્રમાણ ઊંચુ રહે છે. અભ્યાસ મુજબ 7 ટકા છોકરાઓની સરખામણીએ 11 ટકા છોકરીઓમાં માનસિક આરોગ્યની સ્થિતિ ખરાબ જોવા મળી હતી. સંશોધકો હવે 50,000 જેટલા ટીનેજર્સને 10 વર્ષ સુધીના અભ્યાસમાં સામેલ કરવાના છે. માર્ચ મહિનામાં પૂરાં થતા વર્ષ દરમિયાન ઈંગ્લેન્ડમાં 1.1 મિલિયન ટીનેજર્સે માનસિક આરોગ્ય માટે NHSના ફંડ સાથેની સર્વિસીસનો સંપર્ક કર્યો હતો.