અમદાવાદઃ ટ્વિન બાળકોના જન્મ વિશે તો ઘણા કિસ્સા સામે આવતા હોય છે પણ થોડા વખત પહેલાં તબીબી જગતમાં એક એવો કિસ્સો નોંધાયો છે, જેનાથી સહુ કોઇ આશ્ચર્યચકિત છે. કોરોનાકાળમાં હાર્ટફોર્ડશાયરના લીઓમિન્સ્ટરની સોફી નામની એક મહિલા દ્વારા બે બાળકીઓને જન્મ આપવામાં આવ્યો હતો.
સોફીએ ઓગસ્ટ 2020માં હોલી અને ડાર્સી નામની બે બાળકીને જન્મ આપવામાં આવ્યો હતો. આ બાળકીઓના જન્મમાં બે મિનિટનો જ તફાવત છે પણ તેમના ગર્ભાધાનમાં ચાર અઠવાડિયા જેટલો મોટો તફાવત છે. વાત આશ્ચર્ય પમાડે તેવી છે પણ સાચી છે. મેડિકલ ટર્મિનોલોજી અનુસાર સોફી સુપર ફર્ટાઈલ મહિલા છે. સાદા શબ્દોમાં કહીએ તો જે મહિલા ઝડપથી ગર્ભાધાન કરી લેતી હોય તેવી મહિલા છે. સોફી જ્યારે ગર્ભવતી થઈ ત્યારે તેની કુખમાં હોલી અગાઉથી જ વિકસી રહી હતી. તેના 28 દિવસ બાદ ડાર્સીએ વિકસવાનું શરૂ કર્યું હતું. નવાઈની વાત એવી છે કે, તેણે બંનેને જન્મ સાથે આપ્યો હતો. તેમાં ડાર્સી બે મિનિટી વહેલી જન્મી હતી જ્યારે હોલી બે મિનિટી મોડી જન્મી હતી. તેમના જન્મમાં માત્ર બે મિનિટનું પણ ઉંમરમાં એક મહિનાનું અંતર હતું.
સાત અઠવાડિયામાં આઠ વખત હોસ્પિટલાઈઝ
સોફીએ જણાવ્યું કે, હું જ્યારે ગર્ભવતી થઈ ત્યારે પહેલાં સાત અઠવાડિયા મારા માટે ભયાનક હતા. મને આ સમયમાં આઠ વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટર્સ મારી કુખમાં ટ્વિન્સ ઉછરી રહ્યા હોવાનું કહી રહ્યા હતા. તેમની પાસે નક્કર તારણ નહોતા. દીકરીઓ જન્મી ત્યારે એમ લાગતું હતું કે તેઓ ટ્વિન્સ છે પણ તેમના વજનનો તફાવત વિચિત્ર હતો. ડાર્સી પોણા બે કિલોની જ્યારે હોલી પોણા ત્રણ કિલોની હતી. તે સમયે તપાસમાં ખબર પડી કે સોફી એક જ મહિનામાં બે વખત ગર્ભવતી બની હતી.
પહેલાં વિક્સેલી દીકરી પછીથી જન્મી
સોફી સ્મોલે જણાવ્યું કે, તે પહેલી વખત ગર્ભવતી થઈ ત્યારે ગર્ભમાં જે સંતાન હતું તે હોલી હતી. ત્યારપછી 28 દિવસે તે ફરી ગર્ભવતી થઈ અને આ કુદરતી રીતે જ ફલિત થયેલી દીકરી ડાર્સી હતી. આ બંને વચ્ચે એક મહિનાનો તફાવત હતો. તે વખતે મને સખત ઉલટીઓ થતી હતી. તબિયત સારી રહેતી નહોતી. તે વખતે દોઢ મહિના પછી જાણ થઈ કે ટ્વિન્સ છે પણ તેમના વજન, આકાર અને કદમાં ફેરફાર છે. બંનેના જન્મ પછી વાસ્તવિકતા સમજાઈ હતી. ડાર્સીનું વજન પોણા બે કિલો જ્યારે હોલીનું વજન પોણા ત્રણ કિલો હતું. બંને જન્મી ત્યારે ખ્યાલ આવ્યો કે ડાર્સી આઠ મહિના પછી જન્મી છે જ્યારે હોલી ૯ મહિના પછી જન્મી છે.
શું છે સુપર ફેટેશન?
મહિલાના ગર્ભમાં જ્યારે બે બાળકોની જન્મ લેવાની પ્રક્રિયા વારાફરતી થાય તેને સુપર ફેટેશન કહેવામાં આવે છે. જાણકારોના મતે જ્યારે પુરુષના શુક્રાણું અને સ્ત્રી બીજાના ફલિત થવાની ઘટના આગળ પાછળ થાય તેને સુપર ફેટેશન કહે છે. તેમાં એક સ્ત્રીબીજ બીજા શુક્રાણુ દ્વારા ફલિત થાય છે. તેના થોડા દિવસ અથવા તો બીજા દિવસે અથવા અઠવાડિયા કે મહિના પછી બીજું સ્ત્રીબીજ એ જ શુક્રાણુ દ્વારા ફલિત થાય છે. આ રીતે એક જ ગર્ભમાં બે અલગ અલગ સમયે બાળકો આકાર લેતા હોય છે. ખાસ વાત એવી છે કે, આ બાળકો જન્મ લે છે ત્યારે તેમના જન્મ સમયમાં માત્ર બે-પાંચ મિનિટનો જ તફાવત હોય છે પણ ખરેખર તેમની ઉંમરમાં બે દિવસથી ચાર અઠવાડિયા જેટલો તફાવત રહેતો હોય છે.