લંડનઃ યુકેમાં સોશિયલ કેરની કટોકટી ચાલી રહી છે ત્યારે દરેક વ્યક્તિ વૃદ્ધાવસ્થામાં પોતાની સારસંભાળ માટે અત્યારથી જ તૈયારી કરે તેવી યોજના વિચારાઈ રહી છે. આ માટે ૪૦થી વધુ વયના લોકોએ પાછલી જિંદગીમાં સંભાળના ખર્ચ માટે યોગદાન તરીકે ઊંચો ટેક્સ અથવા નેશનલ ઈન્સ્યુરન્સની વધુ રકમ ભરવી પડે તેવી શક્યતા છે. જો આમ નહિ કરાય તો વૃદ્ધાવસ્થામાં સારસંભાળના જંગી ખર્ચા સામે ઈન્સ્યુરન્સ લેવો પડે તેમ પણ બની શકે છે. આ સંભવિત યોજનાને આવકાર મળવા સાથે વિરોધ પણ થઈ રહ્યો છે.
સરકારના મિનિસ્ટર્સ વૃદ્ધાવસ્થાની સારસંભાળની કટોકટી ઉકેલવા માટે જાપાન અને જર્મનીની આવી યોજનાઓનો અભ્યાસ કરી રહ્યા છે. ઊંચો ટેક્સ અથવા નેશનલ ઈન્સ્યુરન્સની વધારાની રકમ મારફત એકત્ર કરાયેલું ભંડોળ વૃદ્ધ લોકોને ઘરમાં જ રહીને વોશિંગ, ડ્રેસિંગ તથા અન્ય પ્રવૃત્તિઓમાં મદદ અથવા કેર હોમ્સમાં રહેવું પડે તો તેના ખર્ચા આવરી લેવાના ઉપયોગમાં કરાશે. સોશિયલ કેરનો જંગી ખર્ચ કોણ ઉપાડે તેવા પ્રશ્નને ઉકેલવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના હેલ્થ એન્ડ સોશિયલ કેર ટાસ્કફોર્સ અને ડિપાર્ટમેન્ટ ફોર હેલ્થ એન્ડ સોશિયલ કેર (DHSC) કામે લાગી ગયા છે. આ માટે ૪૦થી વધુ વયના લોકો પાસેથી વૃદ્ધોની સારસંભાળની નવી સિસ્ટમ માટે ઊંચો ટેક્સ લાગુ કરાય તેવી યોજના પર પસંદગી ઢોળાતી હોવાનું મનાય છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોક આ યોજનાની તરફેણ કરી રહ્યા છે.
વૃદ્ધ વસ્તીની વધતી જરુરિયાતો માટે ભંડોળ એકત્ર કરવા જાપાનમાં દરેક વ્યક્તિ ૪૦ વર્ષની વયથી યોગદાન આપવા લાગે છે. જર્મનીમાં લોકો કમાણીની શરુઆત કરે ત્યારથી જ ભંડોળમાં યોગદાન આપવા લાગે છે. પેન્શનરો પણ ફાળો આપે છે. હાલ દરેક વ્યક્તિના વેતનમાંથી ૧.૫ ટકા તેમજ એમ્પ્લોયર પાસેથી અથવા પેન્શન ફંડ્સમાંથી પણ ૧.૫ ટકાની કપાત કરવામાં આવે છે જેનો ઉપયોગ પાછલી જિંદગીમાં થઈ શકે છે.
યુકેમાં હાલ જેઓ સ્થાનિક કાઉન્સિલના ફંડ સાથેના કેર હોમ્સમાં રહેવા ક્વોલિફાય ન થતાં હોય તેમણે સપ્તાહના ૧૪૦૦ પાઉન્ડથી પણ વધુ ખર્ચ સાથેના કેર હોમ્સમાં રહેવા પોતાના ઘર વેચવાની ફરજ પડે છે.