સોશિયલ ડિસ્ટન્સિંગ કેટલું હોવું જોઈએ?

Wednesday 10th June 2020 02:23 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસના સંક્રમણથી દૂર રહેવા અત્યારે તો બે મીટર જેટલું અંતર જાળવવાનો નિયમ અમલમાં છે પરંતુ, ઘણી જગ્યાએ આટલું અંતર જાળવવું મુશ્કેલ બની રહે છે. સંક્રમિત પેશન્ટથી ૨ (બે) મીટરનું અંતર રાખવાથી ચેપ લાગવાની શક્યતા કે જોખમ ૧.૩ ટકા રહે છે. જ્યારે, લાન્સેટ જર્નલમાં પ્રસિદ્ધ નવું સંશોધન જણાવે છે કે પેશન્ટથી ૧ મીટર દૂર રહો તો આવું જોખમ ૨.૬ ટકા રહે છે. આનો અર્થ એ કરાય કે ૧૦૦માંથી ૩ કરતાં ઓછી વ્યક્તિને ચેપ લાગી શકે. બે મીટરનું અંતર જાળવવાથી વધુ રક્ષણ મળી શકે પરંતુ, નિષ્ણાતો કહે છે કે તમને કશાંથી સંપૂર્ણ રક્ષણ મળી શકતું નથી. આના પગલે બ્રિટનમાં સામાજિક અંતરનો નિયમ બદલવા દબાણ થઈ રહ્યું છે. જોકે, હાઉસિંગ મિનિસ્ટર સાઈમન ક્લાર્ક સ્પષ્ટ કહે છે કે દબાણ છતાં સરકાર બે મીટરના અંતરનો નિયમ જાળવી રાખશે.

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ભંડોળ થકી કરાયેલા મહત્ત્વના અભ્યાસમાં જણાવાયું છે કે ૧ મીટરનું અંતર જાળવવાથી કોરોના વાઈરસના સંક્રમણનું જોખમ ૮૦ ટકા ઘટાડી શકાય છે. કોઈ પ્રકારનું સામાજિક અંતર ન જળવાય તો ૧૦૦માંથી ૧૩ વ્યક્તિને સંક્રમણનું જોખમ રહે છે. સંશોધકોએ જણાવ્યું છે કે સંક્રમિત દર્દીથી બે મીટરનું અંતર જાળવીએ તો ૧.૩ ટકાને જ ચેપનું જોખમ રહે છે અને આ અંતર ૧ મીટર રખાય તો જોખમ બમણું થઈ માત્ર ૨.૬ ટકા થાય છે. ફેસ માસ્ક પહેરવામાં આવે તો વાઈરસની ઝપેટમાં આવી જવાનું જોખમ ૮૫ ટકા જેટલું ઘટી જાય છે.

WHOના ગાઈડન્સમાં પણ ૧ મીટરનું સામાજિક અંતર જાળવવા ભલામણ કરાઈ છે. ફ્રાન્સ, ફિનલેન્ડ, નોર્વે, સ્વીડન, સિંગાપોર અને ઓસ્ટ્રિયા WHOને અનુસરે છે જ્યારે, જર્મની, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સ ૧.૫ મીટરના અંતરનો નિયમ ધરાવે છે પરંતુ, યુકે, સ્વિટ્ઝર્લેન્ડ, યુએસ, સ્પેન અને ઈટાલીમાં બે મીટરના અંતરનો નિયમ છે. બ્રિટિશ રાજકારણીઓ અને બિઝનેસ અગ્રણીઓ કહે છે કે બે મીટરનો નિયમ હળવો કરવાથી જોખમમાં થોડો વધારો થશે પરંતુ, તેની સામે વધુ બિઝનેસીસ ખુલી શકશે તેના આર્થિક લાભ મેળવવા સાથે મોટા પાયે બેરોજગારીને ટાળી શકાશે. બ્રિટિશ બિયર એન્ડ પબ એસોસિયેશનના જણાવ્યા અનુસાર વર્તમાન બે મીટરના નિયમથી માત્ર ૨૦થી ૩૦ ટકા પ્રીમાઈસીસ ટકાઉ ધોરણે ખુલી શકે તેમ છે. જો નિયમ સુધારી એક મીટરનો થાય તો ૭૦ ટકા બિઝનેસીસ ખુલી શકશે.

નવાં સંશોધનમાં WHO ગાઈડન્સ તેમજ કોવિડ-૧૯, SARS અને MERSના ફેલાવા સંબંધિત ૧૭૨ અભ્યાસોના ડેટાની સમીક્ષા કરાઈ છે. તેના તારણો કહે છે કે અન્ય લોકોથી એક મીટર કરતાં ઓછાં અંતરની સરખામણીએ એક મીટર કરતાં વધુ અંતર જાળવીએ તો  ઈન્ફેક્શનનું જોખમ ઘણું ઓછું રહે છે. આમ છતાં, ત્રણ મીટર સુધી દરેક વધારાના મીટરના અંતર સાથે જોખમ અડધું થતું જાય છે.

સંશોધનમાં જાહેર અને વ્યસ્ત સ્થળો તેમજ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચહેરાને ઢાંકવાની ભલામણ કરતા જણાવાયું છે કે ફેસ માસ્ક પહેરવાથી સંક્રમણનું જોખમ માત્ર ૩ ટકા રહે છે જ્યારે માસ્ક વિના તે વધીને ૧૭ ટકાએ પહોંચે છે. જોકે, સંશોધકોએ સ્પષ્ટ કર્યું છે કે ફેસ માસ્ક પહેરવો તે સોશિયલ ડિસ્ટન્સિંગ, આંખની સુરક્ષા અને હાથ ધોવાની પાયારુપ સ્વચ્છતાનો વિકલ્પ નથી પરંતુ, વધારાની કાળજી છે.

બે મીટરના અંતર પાછળનું વિજ્ઞાન શું?

કોઈ પણ વ્યક્તિ અથવા સંક્રમિત ખાંસે, છીંકે અથવા બોલે ત્યારે તેના નાક કે મોંમાંથી વાઈરસ ધરાવતાં નાના પ્રવાહી ડ્રોપ્લેટ્સ (બિંદુ કે કણ) ફેંકાય છે. જો અન્ય વ્યક્તિ નજીક હોય તો આ કણ તેના શ્વાસમાં જાય છે તેને ધ્યાનમાં રાખી વિશ્વ આરોગ્ય સંસ્થાએ એક મીટરનું અંતર જાળવવા ભલામણ કરી છે. જોકે, યુકે (બે મીટર) અને ફ્રાન્સ (એક મીટર) જેવા દેશોએ પોતાના હેલ્થ નિષ્ણાતોની સલાહ મેળવી છે. બે મીટરના અંતરનો નિયમ છેક ૧૯૩૦ના દાયકાના સંશોધન સુધી લઈ જાય છે જેમા કહેવાયું હતું કે કફ, ખાંસી કે છીંકમાંથી ફેંકાતાં પ્રવાહી બિંદુઓ એક – બે મીટરના અંતરમાં રહે છે. યુકેના ચીફ સાયન્ટિફિક એડવાઈઝર સર પેટ્રિક વોલેન્સ કહે છે કે બે મીટરના નિયમની સરખામણીએ એક મીટરનો નિયમ ૩૦ ગણો જોખમી છે. કોવિડ-૧૯ના પેશન્ટની નજીક બે મિનિટ ઊભા રહીએ અથવા એક મીટર અંદરના અંતરે છ સેકન્ડ જ રહીએ તે બંનેનું જોખમ લગભગ સરખું જ છે. ઘણા નિષ્ણાતો કહે છે કે બે મીટરના અંતરનો નિયમ ઘણા નાજુક પુરાવાઓને આધારિત છે જે, માત્ર જુદા જુદા દેશોમાં બિનવૈજ્ઞાનિક અંદાજો હોઈ શકે છે.

બીજી તરફ, માર્ચ મહિનામાં માસાચ્યુસેટ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MIT)ના નિષ્ણાતોએ તો ૨૩થી ૨૭ ફૂટ (૭-૮ મીટર)ના અંતરની ભલામણ કરી હતી. તેમણે કહ્યું હતું કે વાઈરલ ડ્રોપ્લેટ્સનું વાદળ પ્રતિ સેકન્ડ ૩૩થી ૧૦૦ ફૂટના અંતર સુધી ફેંકાઈ શકે છે. સાયપ્રસના વિજ્ઞાનીઓએ હાલમાં જ જણાવ્યું હતું કે બે મીટરનો નિયમ પણ અપૂરતો છે. જો પવન પ્રતિ કલાક બે માઈલ (ધૂમાડો ફેલાવવા જરુરી) રહે તો પણ લાળબિંદુ માત્ર પાંચ સેકન્ડમાં ૧૮ ફૂટ પહોંચી શકે છે. ગત સપ્તાહે જ કેલિફોર્નિયા, સાન્ટા બાર્બરા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીઓના સંશોધકોએ જણાવ્યું છે કે શિયાળાના સમયમાં તો બે મીટરનો નિયમ ત્રણ ગણો કરવો જોઈશે. કોવિડ-૧૯ના વાઈરસ ઠંડા અને ભેજવાળાં વાતાવરણમાં ૨૦ ફૂટ (૬ મીટર) સુધી જઈ શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter