સોશિયલ મીડિયાના કાયમી ઉપયોગથી અને ફેસબુક તેમજ વોટ્સ એપ જેવી જુદી જુદી સાઇટ્સ અને એપના સતત સર્ફિંગથી વ્યક્તિને તેનું વ્યસન થઈ જાય છે. જો આ સાઇટ્સ એકાદ દિવસ પણ જોવા ન મળે તો તે તણાવમાં આવી જાય છે. આમ ફેસબુક અને વોટ્સએપનું વિષચક્ર વ્યક્તિમાં સ્ટ્રેસ સર્જે છે અને તે કાયમ માટે તેની બંધાણી બની જાય છે. નિષ્ણાતો હાથ ધરેલા અભ્યાસમાં આ હકીકત જાણવા મળી છે.
નિષ્ણાતોએ આ માટે ૪૪૪ ફેસબુક યૂઝર્સના પ્રતિભાવો જાણ્યા હતા. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને ફેસબુકને હંમેશા સર્ચ કરવાથી યૂઝર્સ તેનો વ્યસની બની જાય છે અને તે ટેકનોસ્ટ્રેસનો ભોગ બને છે. આવા વ્યસનમાંથી છૂટવા યૂઝર્સ ક્યારેક પ્રયાસ કરે છે અને ત્યારે તે અન્ય સાઇટ્ને સર્ફ કરવા મચી પડે છે અને ન્યૂઝફિડ્સ તેમજ મેસેજિંગ જેવી સાઈટ્સ જોવા લાગે છે. આમ તેના તણાવ કે સ્ટ્રેસનો ક્યારેય અંત આવતો જ નથી. આ વિષચક્રમાં યુઝર્સ એક યા બીજી રીતે ઊંડી ઉતરતી જ રહે છે અને ઈન્ટરનેટ વેબની વ્યસની બની જાય છે.
સોશિયલ મીડિયા વ્યક્તિનાં જીવન પર ભારે નકારાત્મક અસર કરી રહ્યું હોય તેવી સ્થિતિ આજકાલ સર્જાઈ છે, જે વ્યક્તિને તણાવપૂર્ણ મનોદશામાં ધકેલી દે છે. આ તણાવ ટેકનો સ્ટ્રેસનો જ એક પ્રકાર છે. વ્યક્તિ સોશિયલ માહિતી મેળવવા વધુને વધુ તત્પર બનતી જાય છે. પોતાની આ તલપ સંતોષવા માટે ક્યારેક તે ફેસબુક જેવી સાઇટને વળગી રહે છે તો ક્યારેક તે બીજી સાઇટ્સ સર્ફિંગ કરવા લાગે છે. આમ સોશિયલ સાઇટ્સના વળગણમાંથી તેને છુટકારો મળતો જ નથી.