લંડન: છેલ્લા બે વર્ષમાં બ્રિટનમાં કોરોના કાળથી લાગેલા લોકડાઉનના કારણે સ્કૂલના બાળકો પર ઊંડી અસર જોવા મળી છે. બ્રિટનમાં સ્કૂલો પૂર્વવત્ થઇ ગઇ છે, પરંતુ સવા લાખથી વધુ વિદ્યાર્થીઓ સ્કૂલમાં જવાનું ટાળી રહ્યાં છે અને જે બાળકો સ્કૂલે જાય છે તેમની હાજરીમાં અનિયમિતતાનું પ્રમાણ ઊંચુ જોવા મળે છે. આ બાળકોને ‘ઘોસ્ટ ચાઇલ્ડ’ કહેવામાં આવે છે. અર્થાત્, આવા બાળકો ક્યારેક અથવા કોઇ પણ દિવસ સ્કૂલમાં હાજર નથી રહેતા.
મનોવૈજ્ઞાનિક ડો. જેન ગ્લીમરના અનુસાર વર્તમાન સમયમાં અનેક વાલીઓ પોતાના બાળકોને લઇને ડોક્ટર પાસે પહોંચી રહ્યા છે. વાસ્તવમાં, કોરોના કાળ દરમિયાન બાળકોમાં એકલતા વધી છે અને લોકો સાથેનો સંપર્ક ઘટ્યો હોવાથી બાળકો વધુ શરમાળ બન્યા છે. તેમનું જીવન પોતાના પૂરતું જ સીમિત થઇ ગયું છે. બ્રિટનમાં 2020-21 દરમિયાન અનેકવાર લોકડાઉન લાગુ કરાયું. અનેક બાળકોની સ્કૂલે જવાની અને ભણવા માટેની ઇચ્છા ખતમ થઇ ગઇ.
સેન્ટર ફોર સોશિયલ જસ્ટિસ અનુસાર આવા બાળકોને મનોચિકિત્સાની વિશેષ આવશ્યકતા રહે છે. મનોવૈજ્ઞાનિક ડો. બૈટિના હોનેનના કહેવા પ્રમાણે, બાળકો સ્કૂલે જવામાં અણગમો દર્શાવે તો પણ વાલીઓએ તેને સમજાવવા માટે પોતાની રીતે પ્રયાસ ચાલુ રાખવા જ જોઇએ. વાલીઓ પોતાના બાળકો સાથે સતત સંપર્ક જાળવે તે હિતાવહ છે. તેઓને એકલતા મહેસૂસ ના થવી જોઇએ. તેઓ સાથે ખુલીને વાત કરો. બાળકોને વાતચીતમાં પરોવીને સ્કૂલ ના જવાનું કારણ સમજવાનો પ્રયાસ કરો. જો બાળકોની ભણતર પ્રત્યે અરૂચી વધુ હોવાનું લાગે તો તેને સ્કૂલનું, અભ્યાસનું મહત્ત્વ સમજાવો. ડો. બેટિના કહે છે કે તેમના પર જોહુકમી ના કરો, પરંતુ તેઓને ફરીથી સ્કૂલે જવા માટે પ્રેરિત કરો. ઘણાખરા કિસ્સામાં સમસ્યાનું સમાધાન ઘરેબેઠાં જ થઇ જશે. સ્કૂલે જવાના મામલે સમજાવટ છતાં પણ જો બાળક એ માટે તૈયાર ન થાય તો પછી મનોચિકિત્સાનો ઉપાય તો છે જ.
બાળકોને સ્કૂલનું મહત્વ સમજાવો
ડો. ગ્લીમરના કહેવા પ્રમાણે સ્કૂલે જવાની આનાકાની કરતા વિદ્યાર્થીઓ પર વાલીઓ કોઇ દબાણ ના લાવે તે આવશ્યક છે. આના બદલે વાલીઓએ બાળકોને સ્કૂલના મહત્વ વિશે માહિતગાર કરે તે લાભકારક ઉપાય છે. તે ઉપરાંત બાળકોનો સામાજિક સંપર્ક વધે તે માટે પણ વાલીઓએ સતત પ્રયાસ કરવા જોઇએ.