લંડન: મોબાઇલ ફોન, ટેબલેટ કે કમ્પ્યુટર સ્ક્રીન સામે વધુ સમય બેસી રહેવાના કારણે આંખોને નુકસાન થાય છે એ જાણીતી વાત છે, પણ હાલમાં જ થયેલા અભ્યાસમાં ઘટસ્ફોટ થયો છે કે વધુ પડતા સ્ક્રીન ટાઇમથી આંખોને અગાઉની ધારણા કરતા વધુ નુકસાન થાય છે. એન્ગ્લેયા રસ્કિન યુનિવર્સિટી, સિંગાપોર આઇ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ અને સેન્ટર ફોર આઇ રિસર્ચ ઓસ્ટ્રેલિયા દ્વારા કરાયેલા અભ્યાસના તારણો મુજબ હાલના સમયમાં જો લોકોનો સરેરાશ સ્ક્રીન ટાઇમ નહીં ઘટે તો વર્ષ ૨૦૫૦ સુધીમાં વિશ્વની અડધોઅડધ વસ્તીને ચશ્મા કે કોન્ટેક લેન્સ પહેરવા પડશે.
આંતરરાષ્ટ્રીય જર્નલ લાન્સેટમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ વધુ પડતા સ્ક્રીન ટાઇમના કારણે માયોપિયા (દૂરનું સ્પષ્ટ નહીં દેખાવાની સમસ્યા)નો ખતરો ૩૦ ટકા વધી શકે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે કોરોના કાળમાં લોકોના સ્ક્રીન ટાઇમમાં અનેકગણો વધારો થયો હોવાથી આંખોને નુકસાન થવાની સંભાવના પણ ઘણી વધી છે. ખાસ કરીને બાળકોના વધુ પડતા સ્ક્રીન ટાઇમને લઈને પણ અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભલામણ કરી હતી કે બે વર્ષથી ઓછી વયના બાળકોને
સ્માર્ટ ફોનથી સદંતર દૂર રાખવા જોઈએ જ્યારે બેથી પાંચ વર્ષના બાળકોનો સ્ક્રીન ટાઇમ
દૈનિક એક કલાકથી વધુ હોવો જોઈએ નહીં.