લંડનઃ તંદુરસ્ત વૃદ્ધોને હૃદયરોગ અટકાવવા માટે અપાતી સ્ટેટિન ગ્રૂપની દવાઓથી કોઈ ખાસ લાભ થતો ન હોવાનું સ્પેનિશ વિજ્ઞાનીઓના નવા સર્વેમાં બહાર આવ્યું છે. બ્રિટનમાં ૭૫થી વધુ વયના લોકો તંદુરસ્ત હોય તો પણ ૨૦૧૪થી સ્ટેટિન્સ લઈ શકે છે. ૭૫થી વધુ વયના ઓછું જોખમ ધરાવતા તંદુરસ્ત ૪૭,૦૦૦ લોકો પર સર્વે કરાયો તેમાં સ્ટેટિન્સ આપવાથી કોઈ લાભ થતો હોવાની સાબિતીઓ મળી ન હતી. આના પરિણામે, સ્ટેટિન્સના વ્યાપક ઉપયોગના લાભ-ગેરલાભ વિશે નવેસરથી ચર્ચાઓ ઉભી થશે.
નિષ્ણાતો એ મુદ્દે સહમત છે કે સ્ટેટિન્સ હૃદયરોગો અથવા ડાયાબીટિસ ધરાવતા, તેમજ ખાસ કરીને હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ભોગ બનેલા, ૨૦ લાખ લોકો માટે જીવનરક્ષક બની રહે છે. જોકે, બાકીના ૧૦ મિલિયન તંદુરસ્ત લોકો બીમાર પડી શકે તેવી સંભાવનાના આધારે દવાઓના વધુપડતા ઉપયોગ સામે પ્રશ્ન કરાઈ રહ્યો છે.
૧૨ મિલિયન લોકોમાંથી ઘણાં લોકો કોઈ દેખીતાં કારણ વિના ગોળીઓ લેવામાં ખચકાટ અનુભવે છે અને આશરે ૬ મિલિયન લોકો જ આ દવાઓ લેવા તૈયાર હોય છે. બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત તાજા તારણો કહે છે કે મોટા ભાગના વૃદ્ધ લોકોને સ્ટેટિન્સ ગોળીઓથી ખરેખર લાભ થતો નથી.