વોશિંગ્ટનઃ અમેરિકામાં દુર્લભ અને ખતરનાક યુટરિન કેન્સર (ગર્ભાશયનું કેન્સર)ના કેસની સંખ્યામાં ધરખમ વધારો થઇ રહ્યો છે. 15 વર્ષ પહેલાં યુટરિન કેન્સરના 39 હજાર કેસ હતા હવે આ આંકડો 66 હજાર પર પહોંચી ગયો છે. જેમાં સૌથી વધુ કેસ અશ્વેત દર્દીઓમાં જોવા મળે છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના જર્નલમાં તાજેતરના સંશોધન મુજબ, જે મહિલાઓ નિયમિતપણે કેમિકલ હેર સ્ટ્રેટનરનો ઉપયોગ કરે છે તેમને આ કેન્સરનું જોખમ અનેક ગણું વધી જાય છે.
સંશોધકોના જણાવ્યા અનુસાર, જે લોકોએ ક્યારેય હેર સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યો ન હતો તેમને 70 વર્ષની ઉંમરે ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ 1.64 ટકા હતું. તો બીજી તરફ આ પ્રકારની પ્રોડક્ટનો ઉપયોગ કરવાનું ચાલુ રાખનારાઓ મહિલાઓમાં ગર્ભાશયના કેન્સરનું જોખમ 4.05 ટકા જોવા મળ્યું હતું. હેર કલરિંગ ડાઈ સાથે કેન્સરનો કોઈ સંબંધ નહોતો.