વોશિંગ્ટનઃ વર્ક પ્લેસ એટલે કે ઓફિસોમાં ઘણી વાર કાર્યબોજના લીધે ધીમે ધીમે, પણ ચિંતાનું પ્રમાણ ખૂબ વધી જતું હોય છે, અને કંઇ સમજાય તે પહેલાં તો ચિંતાનું પ્રમાણ ખૂબ જ વધી જતાં વ્યક્તિનું મગજ કામ કરતું લગભગ બંધ થઇ જાય છે. જોકે, હવે એક એવી રિસ્ટ વોચ વિકસાવાઇ છે, જે વ્યક્તિને ચિંતાનું પ્રમાણ વધવા લાગતાં જ એલર્ટ કરી દેશે. એટલું જ નહીં, વ્યક્તિને સલાહ પણ આપશે કે ઊંડા શ્વાસ લો, થોડુંક વોક કરો વગેરે વગેરે.
હવે કાંડા પર પહેરી શકાય એવી અને બારીક સોય ધરાવતી નો-વોચ ટેન્શન લેવલ વધવાના આશરે એક કલાક પહેલાં જ તમને સાવચેત કરી દેશે. આ નો-વોચ સ્ટ્રેસ હોર્મોન કાર્ટિસોલને પરસેવા થકી ટ્રેક કરશે. જો શરીરમાં કાર્ટિસોલનું સ્તર વધશે તો આ ડિવાઈસ તમારા કાંડા પર વાઈબ્રેટ થશે. આ સાથે ઓડિયો થકી સૂચન પણ કરશે કે, લાંબા શ્વાસ લો, બહાર લટાર મારવા જાઓ અને થોડું વોક કરો.
હકીકતમાં કાર્ટિસોલનું સ્તર સ્થૂળતા, અનિદ્રા અને હૃદય સંબંધિત બીમારીઓના કારણે હોય છે. કાર્ટિસોલ લેવલ વધવાની સાથે જ નો-વોચ કાંડા પર પરસેવાના આધારે ટ્રેક કરશે. તેમાં લાગેલા ઈલેક્ટ્રિકલ સેન્સર ડેટા અલ્ગોરિધમ સાથે સ્ટ્રેસનું વિશ્લેષણ કરશે. નો-વોચના નિર્માતાઓનું માનવું છે કે, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, જો સ્ટ્રેસ લેવલને ડિજિટલ રીતે નંબરોના આધારે ડિસ્પ્લે કરાય તો તે પણ સ્ટ્રેસ લેવલ વધારે છે. આથી નો-વોચમાં ડિસ્પ્લે ફિચર નથી. તે આરોગ્યના ડેટા સ્ટોર કરે છે, પરંતુ યુઝર્સને બતાવતું નથી.
અમેરિકાના લાસ વેગારમાં તાજેતરમાં યોજાયેલી કોન્ફરન્સમાં આ ડિવાઈસ પ્રદર્શિત કરાયું હતું. કંપનીનું કહેવું છેકે, વર્ક પ્લેસની સાથે નો-વોચને કારના ડેશબોર્ડ પર પણ કનેક્ટ કરી શકાશે, જેનાથી ડ્રાઈવિંગ કરતી વખતે સ્ટ્રેસ લેવલ વધશે તો તે પમ જાણી શકાશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં નેટફ્લિક્સ પર તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘ડોન્ટ લુક અપ’માં પણ આવું જ સ્ટ્રેસ મોનિટર ડિવાઈસ બતાવાયું છે. નો-વોચના ડાયલમાં જેમસ્ટોન લગાવાયું છે, જેની નીચે ઈલેક્ટ્રોડર્મલ સેન્સર લગાવાયા છે. નો-વોચ સ્ટ્રેસ લેવલ તપાસવા માટે શરીરનું તાપમાન, ધબકારા, લોહીમાં ઓક્સિજનનું સ્તર વગેરે મોનિટર કરતી રહી છે, અને તે ડેટાનું એનાલિસીસ કરીને વ્યક્તિને સ્ટ્રેસ અંગે સાવચેત કરે છે.