સ્ટ્રેસથી બચવું હોય તો ઘરને સ્વચ્છ-સુઘડ રાખો

Friday 18th October 2024 06:47 EDT
 
 

ન્યૂ યોર્કઃ તમારા ઘરને હંમેશા સ્વચ્છ અને સુઘડ રાખો. તેમાં સકારાત્મક ઊર્જા હોય છે. જ્યારે અસ્તવ્યસ્ત અને ઘરને ગંદુ રાખવાથી માનસિક સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેનાથી સ્ટ્રેસ (તણાવ) વધે છે અને શરમ પણ અનુભવાય છે. વાસ્તવમાં, અમેરિકાની ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં લાંબા સમય સુધી ગંદકી રાખવાથી માનસિક સ્વાસ્થ્ય પર પડતા પ્રભાવો પર રિસર્ચ કરાયું હતું. તેમાં જાણવા મળ્યું કે જો તમે સંઘર્ષથી ભરેલું જીવન વિતાવો છો તો તેનું કારણ તમારું અસ્તવ્યસ્ત ઘર હોય શકે છે. આથી જ દિવસમાં 20 મિનિટનો સમય સફાઇ માટે ફાળવો. આથી જ સૈન્યમાં પણ સવારે ઊઠતાવેંત પથારી સંકેલવા માટે કહેવાય છે, જેથી તેઓ પોતાને વ્યવસ્થિત અનુભવે અને દિવસનો એક ટાસ્ક પૂર્ણ થયાનું અનુભવે. આ જ રીતે વાસણ ધોવા માટે શક્તિ નથી તો આગામી ભોજન માટે માત્ર એક અથવા બે વાસણ વાપરો અથવા કાગળની પ્લેટોનો ઉપયોગ કરો. હંમેશા સમસ્યા શરૂ થાય તે પહેલાં જ તેનું નિરાકરણ લાવવા પ્રયાસ કરો. એક વાર જ્યારે તમારી જગ્યા સાફ-સુઘડ અને અપેક્ષિત રીતે સુવ્યવસ્થિત થઇ જાય તો તેને એ જ રીતે રાખવા માટે દરેક દિવસે 5 અથવા 10 મિનિટ ફાળવો. તે માટે ટાઇમર પણ સેટ કરી શકો છો. જો તમે સમસ્યા શરૂ થતાં પહેલાં જ નિરાકરણ લાવશો તો સ્ટ્રેસ તો ટાળી જ શકશો, સાથે સાથે જ હળવાશ પણ અનુભવશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter