વીતેલા સપ્તાહે આપણે જાણ્યું કે મગજમાં જ્યારે એટેક આવે એને જ સ્ટ્રોક કહેવાય, નહીં કે હાર્ટ-એટેકને. સ્ટ્રોકનાં જુદાં-જુદાં લક્ષણો કયાં છે એટલે કે કઈ રીતે ખબર પડે કે વ્યક્તિને મગજમાં સ્ટ્રોક આવ્યો છે એ પણ આપણે જાણ્યું.
મગજની નળીમાં બ્લોકેજ હોય અને એ બ્લોકેજ લોહીના પ્રવાહને આગળ વધતાં અટકાવતું હોય ત્યારે વ્યક્તિને સ્ટ્રોક આવી શકે છે. આ સ્ટ્રોકને ઇસ્કેમિક સ્ટ્રોક કહે છે. ક્યારેક એવું પણ બને છે કે લોહીની નળી જાતે તૂટી કે ફાટી જાય. આ રીતે નળી ફાટી જવાથી મગજમાં વહેતો લોહીનો પ્રવાહ અસરગ્રસ્ત થાય છે અને વ્યક્તિને સ્ટ્રોક આવે છે. એ સ્ટ્રોકને હેમરેજિક સ્ટ્રોક કહે છે.
ઇસ્કેમિક સ્ટ્રોકમાં મહત્વની એક વાત એ સમજવા જેવી છે કે સ્ટ્રોક આવ્યાના ચારથી સાડા ચાર કલાકની અંદર જ વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડી દેવી જરૂરી છે. વ્યક્તિને તમે જેટલાં જલદી હોસ્પિટલ લઈ જઈ શકો એટલી તેના બચવાની શક્યતા વધે છે. હેમરેજિક સ્ટ્રોકમાં આવી કોઈ સમયમર્યાદા નથી હોતી, પરંતુ એક સાધારણ વ્યક્તિ માટે એ જરૂરી છે કે લક્ષણોને ઓળખીને તરત જ તે હોસ્પિટલમાં ભરતી થાય અને બને ત્યાં સુધી ન્યુરોલોજિસ્ટ પાસે તપાસ કરાવે.
સ્ટ્રોકને ઓળખો
સ્ટ્રોક થાય એની લોકોને ખબર કેમ પડતી નથી અથવા તો લોકો તરત ડોક્ટર પાસે કેમ પહોંચી જતા નથી એનું એક મહત્વનું કારણ છે આપણી માનસિકતા. જે અનુસાર આપણે કોઈ પણ રોગને દુખાવા સાથે જ જોડીએ છીએ. કંઈક દુખતું હોય, પીડાકારી હોય, ખૂબ વધારે તકલીફ દેનારું હોય તો જ આપણે એને ઇમર્જન્સી માનીએ છીએ. તબીબી નિષ્ણતો કહે છે કે હાર્ટ-અટેકમાં માણસને છાતીમાં દુખાવો થાય છે. એ દુખાવો એટલો અસહ્ય હોય છે કે તે તરત જ હોસ્પિટલ પહોંચે છે, પરંતુ સ્ટ્રોકમાં દુખાવો થતો નથી. સ્ટ્રોકનાં જે મુખ્ય લક્ષણો છે એમાં પણ કોઈ ખાસ દુખાવો થતો નથી. આમ દુખાવા વગર કંઈ પણ થાય તો વ્યક્તિને લાગે છે કે એ એની મેળે ઠીક થઇ જશે અથવા તો તેને ખુદને જ સમજતાં વાર લાગે છે કે તેને આખરે થયું શું? અને જ્યાં સુધીમાં તેને ગંભીરતા સમજાય છે ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હોય તેવું બની શકે છે.
ક્ષણિક દેખાતાં લક્ષણો
સ્ટ્રોકમાં એવું નથી હોતું કે વ્યક્તિને સીધો પેરેલિસિસ થઈ જાય. એવું પણ બને છે કે બ્રેઇનમાં જે નળીમાં બ્લોકેજ છે એ થોડું જ હોય અથવા તો બ્લોકેજનો પ્રોબ્લેમ એટલો વકર્યો ન હોવાને કારણે મોટાની જગ્યાએ નાનો સ્ટ્રોક આવે, જે થોડાક સમય માટે જ હોય અને ફરી બધું નોર્મલ થઈ જતું લાગે. આ ટ્રાન્ઝિયન્ટ ઇસ્કેમિક સ્ટ્રોક વિશે વાત કરતાં નિષ્ણાતો કહે છે કે આ સ્ટ્રોકમાં આમ તો કોઈ પણ લક્ષણો દેખાઈ શકે છે. જેમ કે એકદમ દેખાતું બંધ થઈ જાય અને થોડી વારમાં બધું ફરી દેખાવા લાગે, કંઈક બોલવામાં અચાનક જ જીભ લથડે અને થોડી મિનિટોમાં ફરી વ્યવસ્થિત થઈ જાય તો આ પરિસ્થિતિમાં લોકો મોટા ભાગે સ્ટ્રોકને ઓળખી શકતા નથી. વળી પ્રોબ્લેમ ક્ષણિક હોય એટલે એને ગંભીર રીતે લેતા નથી. ફરી પાછું એ ઠીક પણ થઈ જતું હોવાથી તેમને એવું પણ લાગતું નથી કે ડોક્ટરને એક વાર બતાવીએ કે ચેક-અપ કરાવીએ અને આખરે એવું થાય છે કે ૩ કે ૬ મહિનાની અંદર આ વ્યક્તિને મોટો સ્ટ્રોક આવે છે.
એક અભ્યાસ અનુસાર, સરેરાશ ૨૦ ટકા દરદીઓમાં મેજર સ્ટ્રોક પહેલાં આ નાનો સ્ટ્રોક જોવા મળે છે. જો આ જ સમયે સ્ટ્રોક પકડાઈ જાય તો ઇલાજ દ્વારા મોટા સ્ટ્રોકને આવતો અટકાવી શકાય છે, પરંતુ મોટા ભાગે લોકો ગફલતમાં રહીને પોતાનું નુકસાન કરી બેસતા હોય છે.
શા કારણે થાય?
આપણે જોયું એમ લોહીની નળીમાં બ્લોકેજ કે ક્લોટ હોય તો સ્ટ્રોક આવે છે. આ બ્લોકેજ માટે જવાબદાર પરિબળોમાં વ્યક્તિનો અનિયંત્રિત ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર, વધુ પડતું કોલેસ્ટરોલ અને ઓબેસિટી મુખ્ય છે. હાર્ટ-અટેક માટે જે પરિબળો જવાબદાર હોય છે એ બધાં જ પરિબળો ઇસ્કેમિક સ્ટ્રોક એટલે કે બ્લોકેજને કારણે થતા સ્ટ્રોક માટે જવાબદાર બને છે. બધા સ્ટ્રોકમાં ૮૦ ટકા સ્ટ્રોક ઇસ્કેમિક હોય છે એનો અર્થ એ થયો કે ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર, કોલેસ્ટરોલ અને ઓબેસિટી સ્ટ્રોક માટેનાં મુખ્ય કારણો ગણી શકાય.
આ સિવાયના ૨૦ ટકા દરદીઓમાં જોવા મળતો હેમરેજિક સ્ટ્રોક એટલે કે જેમાં લોહીની નળીઓ ફાટી જાય છે એ માટે જવાબદાર પરિબળો સમજાવતાં તબીબો કહે છે કે લોહીના બંધારણમાં કોઈ પણ પ્રકારની ખામી હોય ત્યારે આ પ્રકારનો સ્ટ્રોક આવે છે. જેમ કે, લોહીમાં લાલ રક્તકણો, સફેદ રક્તકણો કે પ્લેટલેટ્સની સંખ્યા ખૂબ વધી જાય, લોહીમાંના હિમોગ્લોબિનનું પ્રમાણ વધી જાય, જેના લીધે એ રક્ત જાડું થઈ જાય કે લોહી ક્લોટ થવાની ક્ષમતામાં કોઈ ફેરફાર આવ્યો હોય તો હેમરેજિક સ્ટ્રોક થઈ શકે છે.
શું ધ્યાન રાખવું?
કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કે જેને ટૂંકમાં CBC કહે છે, એ એક સામાન્ય ટેસ્ટ છે જેના દ્વારા લોહીના બંધારણની કોઈ પણ પ્રકારની ખામી જાણી શકાય છે. આ સિવાય ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર કે કોલેસ્ટરોલ જેવી તકલીફોનું નિદાન સમયસર થવું જોઈએ અને નિદાન બાદ યોગ્ય ઇલાજ દ્વારા એને કાબૂમાં રાખવી પણ અત્યંત જરૂરી છે.
આમ તો સ્ટ્રોક મોટા ભાગે ૬૦ વર્ષની ઉંમર પછી થતી બીમારી છે, પરંતુ આજકાલ લોકોમાં નાની ઉંમરે જોવા મળતા ડાયાબિટીસ, બ્લડ-પ્રેશર કે કોલેસ્ટરોલ જેવી તકલીફોને કારણે નાની ઉંમરમાં પણ સ્ટ્રોકનું પ્રમાણ જોવા મળી રહ્યું છે; જેનો એકમાત્ર ઉપાય જાગૃતિ છે. લોકો જાતે સમજીને હેલ્ધી લાઇફ-સ્ટાઇલ પસંદ કરે એ આજના સમયની માગ છે.
સ્ટ્રોક આવે ત્યારે...
• જો લક્ષણો દ્વારા ખબર પડે અથવા સ્ટ્રોકની શંકા પણ જાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં પહોંચો જ્યાં ઇમેજિંગની સુવિધા હોય, કારણ કે મગજના MRI કે CT સ્કેન વગર ખબર નહીં પડી શકે કે વ્યક્તિને સ્ટ્રોક આવ્યો છે.
• રિપોર્ટ આવે ત્યારે ખબર પડે કે સ્ટ્રોક હેમરેજિક છે કે ઇસ્કેમિક. એ મુજબ એની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. આ માટે ન્યુરોલોજિસ્ટને દેખાડવું જરૂરી છે.
• જો ઇસ્કેમિક સ્ટ્રોક હોય તો એને ક્લોટ બસ્ટિંગ ડ્રગ આપવામાં આવે છે, જે ક્લોટને તોડી નાખે છે અને નસને ખુલ્લી કરી નાખે છે.
• જો હેમરેજિક સ્ટ્રોક હોય તો બ્રેઇનમાં સોજો ઘટે એની દવા આપવામાં આવે છે, બ્લડ-પ્રેશરને કન્ટ્રોલમાં રાખવાના પ્રયત્નો ચાલે છે અને જો ડોક્ટરને યોગ્ય જણાય તો અમુક કેસમાં સર્જરી કરવામાં આવે છે. (સમાપ્ત)