હાર્ટ-એટેક પછી લોકોને સૌથી વધુ અસર કરતી બીમારી હોય તો એ છે બ્રેઇન-સ્ટ્રોક. આમ છતાં હાર્ટ-એટેકની સરખામણીએ લોકોમાં સ્ટ્રોક બાબતે જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. લોહીની નળીમાં જ્યારે બ્લોકેજ હોય અથવા કોઈ કારણોસર નળી તૂટી કે ફાટી જાય ત્યારે મગજમાં સ્ટ્રોક આવે છે.
સ્ટ્રોક એટલે શું? આવું જો કોઇને પૂછવામાં આવે તો મોટા ભાગના લોકો કહેશે કે હાર્ટ-એટેક અને અમુક કહેશે કે સ્ટ્રોક બે પ્રકારના છે: હાર્ટનો સ્ટ્રોક અને બ્રેઇનનો સ્ટ્રોક. હકીકતમાં મેડિકલ ભાષામાં સ્ટ્રોકનો અર્થ બ્રેઇન-સ્ટ્રોક જ થાય. હાર્ટ-એટેકને સ્ટ્રોક કહેવાતો જ નથી. એને મ્યોકાર્ડિયલ ઇન્ફાર્કશન કહે છે. જો ડોક્ટરો સ્ટ્રોક શબ્દ વાપરે તો એ માત્રને માત્ર બ્રેઇનની જ વાત કરતા હોય એમ સમજવું.
સામાન્ય ભાષામાં હાર્ટ-એટેકને સ્ટ્રોક કહેવાનું ચલણ ભલે વધ્યું હોય, પરંતુ હાર્ટ સાથે સંબંધિત એટેકને સ્ટ્રોક કહેવાય જ નહીં. હાર્ટ-એટેક ભારતીયોમાં સૌથી વધુ મૃત્યુ માટે જવાબદાર રોગ છે એ વાત સાચી અને સ્ટ્રોકમાં વ્યક્તિના તાત્કાલિક મૃત્યુનું રિસ્ક એ પ્રમાણમાં ઓછું છે, પરંતુ એને કારણે મોટા ભાગે લોકો શારીરિક રીતે અક્ષમ બની જાય છે કે પથારીવશ થઈ જાય છે.
આ રીતે સ્ટ્રોકનું બર્ડન એટેક કરતાં વધુ ભારે કહેવાય. દર ત્રણ હાર્ટ-એટેકે ભારતમાં બે સ્ટ્રોકના કેસ બને છે એટલે આમ જોઈએ તો હાર્ટ-એટેકનું પ્રમાણ આપણે ત્યાં સૌથી વધુ ગણાય છે તો સ્ટ્રોકનું સ્થાન એના તરત પછીનું છે. છતાં હાર્ટ-એટેકની સરખામણીએ લોકોમાં સ્ટ્રોક બાબતે જાણકારી ઘણી ઓછી જોવા મળે છે. એક અભ્યાસ પ્રમાણે ભારતમાં દર મિનિટે પુખ્ત વયની ત્રણ વ્યક્તિઓ સ્ટ્રોકનો ભોગ બને છે. દુનિયામાં આશરે ૫૦ લાખ લોકો ફક્ત સ્ટ્રોકને કારણે શારીરિક રીતે અક્ષમ બને છે. મેલેરિયા, ટીબી અને એઇડ્સ - આ ત્રણેય રોગોનો સાથે મૃત્યુદર ગણીએ તો એના કરતાં પણ સ્ટ્રોકનો મૃત્યુદર વધુ છે. છતાં સ્ટ્રોક વિશે કે એનાં લક્ષણો વિશે લોકોમાં જોઈએ એટલી જાગૃતિ નથી.
ઇન્ડિયન સ્ટ્રોક એસોસિએશનના એક અભ્યાસમાં ભારતનાં છ મેટ્રો સિટીમાં લોકો સ્ટ્રોક બાબતે કેટલા જાગૃત છે એ વિશે જાણવા મળ્યું હતું. બેન્ગલોર, કોલકતા, દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ અને ચેન્નઈ શહેરોમાંથી ૧૫૦૦થી વધુ લોકોને લઈને કરેલા એક સ્ટડીમાં લોકોને સ્ટ્રોક સંબંધિત મૂળભૂત જાણકારી પૂછાઇ હતી. એમાં સ્ટ્રોક શું છે એ પ્રશ્નનો જવાબ ૫૮ ટકા મુંબઈગરાએ સાચો આપ્યો હતો. સાચો જવાબ આપવામાં મુંબઈગરાઓએ બેંગલૂરુવાસીઓ પછીનું બીજું સ્થાન મેળવ્યું હતું. જોકે અફસોસની વાત એ છે કે સ્ટ્રોક મગજ સાથે સંબંધિત હોવાનું જાણનારા મુંબઈગરાઓને એ ખબર નહોતી કે આ રોગનો ઇલાજ ન્યુરોલોજિસ્ટ એટલે કે મગજના વિશેષજ્ઞ ડોક્ટરો પાસે કરાવવો જોઈએ. સ્ટ્રોકના ઇલાજ માટે કોની પાસે જવું જોઈએ એવા પ્રાથમિક પ્રશ્નનો જવાબ મુંબઈના ફક્ત ૨૮ ટકા લોકો પાસે હતો.
આમ હકીકત એ છે કે લોકો સ્ટ્રોક વિશે ખરેખર જાગૃત નથી. લોકોને જે થોડીઘણી ખબર છે એ લકવા કે પક્ષાઘાત કે પેરેલિસિસ જેને કહીએ છીએ જે સ્ટ્રોકના ચિહન સ્વરૂપમાં શરીરમાં દેખાય છે અને જેના લીધે વ્યક્તિનું અડધું અંગ ખોટું થઈ જાય છે એ જ માહિતી મોટા ભાગે જોવા મળે છે.
સ્ટ્રોક આવે તો શું થાય, એને કેમ ઓળખી શકાય અને આવા સમયે શું કરવું એ વિશે કોઈ ખાસ જાગૃતિ લોકોમાં નથી. એને લીધે સ્ટ્રોકથી બચવામાં, સમયસર હોસ્પિટલ-કેર મેળવવામાં અને એનો યોગ્ય ઇલાજ કરાવવામાં લોકો મોડા પડે છે.
સ્ટ્રોક એટલે શું?
મગજમાં થાય એને સ્ટ્રોક કહેવાય અને હાર્ટમાં થાય એ એટેક એટલું સમજવું પૂરતું નથી. મગજમાં સ્ટ્રોક આવવો એટલે શું એ સમજાવતાં ન્યૂરોલોજિસ્ટ્સ કહે છે કે આખા શરીરમાં જેમ લોહીની નળીઓ પથરાયેલી છે એમ મગજ પણ શરીરનો એક ભાગ છે અને એમાં પણ લોહીની અસંખ્ય નળીઓ છે. એમાંથી કોઈ નળીમાં બ્લોકેજ હોય અને એ બ્લોકેજ લોહીના પ્રવાહને આગળ વધતો અટકાવતો હોય ત્યારે વ્યક્તિને સ્ટ્રોક આવી શકે છે.
હાર્ટમાં જે રીતે એટેક આવે એ જ રીતે બ્લોકેજને કારણે બ્રેઇનમાં સ્ટ્રોક આવે, પરંતુ ક્યારેક એવું પણ બને છે કે લોહીની નળી જાતે તૂટી કે ફાટી જાય. આ રીતે નળી ફાટી જવાથી મગજમાં વહેતો લોહીનો પ્રવાહ અસરગ્રસ્ત થાય છે અને વ્યક્તિને સ્ટ્રોક આવે છે. આ બન્ને પ્રક્રિયામાં મગજમાં જે પણ કંઈ થાય છે એને સ્ટ્રોક જ કહે છે.
સ્ટ્રોકના લક્ષણો
સ્ટ્રોકનાં લક્ષણો વ્યક્તિએ-વ્યક્તિએ જુદાં-જુદાં હોય છે. વળી એની તીવ્રતા પણ જુદી-જુદી હોય છે. આ લક્ષણો કેટલા સમય સુધી રહે છે અને શરીર પર કેવી અસર કરી શકે છે એ બધું જ મગજના કયા ભાગમાં અસર થઈ છે એના પર આધાર રાખે છે. આપણે ન્યૂરોલોજિસ્ટ્સ પાસેથી જાણીએ કે સ્ટ્રોકનાં અમુક ખાસ લક્ષણો વધુ જોવા મળે છે.
૧) બોલવામાં કે સમજવામાં તકલીફ: વ્યક્તિ અચાનક વગર કારણે મૂંઝવણમાં મુકાઈ જાય. સામેવાળી વ્યક્તિ શું બોલે છે એ કંઈ જ સમજાય નહીં અથવા તો પોતે બોલતી હોય ત્યારે તત...પપ... થઈ જાય એટલે કે બોલવા કંઈ જતી હોય અને જીભના અચાનક લોચા વળવા લાગે.
૨) મોઢા, પગ કે હાથમાં સંવેદનહીનતા: અચાનક જ પગ, હાથ કે મોઢા પર નમ્બનેસ લાગે એટલે કે કંઈ ખાસ સંવેદન આવે જ નહીં. ખાસ કરીને શરીરની એક જ બાજુમાં એટલે કે એક હાથ કે એક પગ જ સંવેદનરહિત થયો છે, બીજો નૉર્મલ છે એવું પ્રતીત થાય. જેમ કે, બન્ને હાથ ઉપર રાખ્યા હોય તો અચાનક એક હાથ ખળી પડે, હસવા જાઓ તો એક બાજુનું મોઢું વાંકું થઈ જાય.
૩) જોવામાં તકલીફ: અચાનક વિઝન ધૂંધળું થઈ જાય અથવા એકદમ જ કંઈ દેખાય નહીં અને અંધારપટ છવાઈ જાય. આવું કાં તો એક, નહીં તો બન્ને આંખમાં થઈ શકે છે.
૪) માથાનો દુખાવો: અચાનક જ માથું સખત પકડાઈ જાય કે જોરથી દુખવા લાગે જેને લીધે ઊલટી થાય, મગજ ભમતું લાગે અને બેભાનાવસ્થા આવતી લાગે.
૫) ચાલવામાં તકલીફ: ચાલવામાં અચાનક બેલેન્સ જતું રહે કે કો-ઓર્ડિનેશન ન જળવાય, વ્યક્તિ અચાનક જ ખોડંગાઈને ચાલવા લાગે. (ક્રમશઃ)