લંડનઃ જાણીતા અભિનેતાઓ સંજીવ ભાસ્કર અને ભાસ્કર પટેલ સ્ટ્રોક વિશે હાલ લોકો કેટલા માહિતગાર છે તે જાણવા પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા એશિયન એન્ડ બ્લેક મીડિયાના સહયોગથી હાથ ધરાયેલા નવા સર્વેમાં ભાગ લેવા સાઉથ એશિયન લોકોને અનુરોધ કરી રહ્યા છે.
આ સર્વે ખાસ કરીને એશિયન અને બ્લેક કોમ્યુનિટી માટે તૈયાર કરાયો છે અને PHEના Act F.A.S.T. અભિયાન દરમિયાન હાથ ધરવામાં આવશે.
ઈંગ્લેન્ડમાં મૃત્યુ માટે હાલ સ્ટ્રોક ચોથું સૌથી મોટું કારણ મનાય છે. હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ જેવા મહત્ત્વના પરિબળોને લીધે શ્વેત લોકોની સરખામણીમાં સાઉથ એશિયન લોકોમાં સ્ટ્રોકનું જોખમ વધારે રહેલું છે.
સ્ટ્રોકના જોખમ અને લક્ષણો વિશે સમુદાયને માહિતગાર કરવા પ્રતિબદ્ધ અભિનેતા સંજીવ ભાસ્કરે જણાવ્યું હતું, ‘એશિયન સમાજને સ્ટ્રોક આવવાનું વધારે જોખમ છે અને તે પણ નાની વયે થવાનું જોખમ વધુ છે. તેથી સ્ટ્રોકનો હુમલો આપણને અથવા અન્ય કોઈને આવે તો તે વખતે શું કરવું તેના માટે આપણે તેના લક્ષણો જાણી લઈએ તે અગત્યનું છે, જેથી વધુ જીંદગી બચાવી શકાય.’
તેમણે ઉમેર્યું હતું, ‘આપણા સમાજને આ સંદેશો મળે છે કે નહીં તે સમજવામાં PHEને મદદરૂપ થવામાં સીધી ભૂમિકા ભજવવા માટે આ અદભૂત તકનો લાભ લેવા હું એશિયન કોમ્યુનિટીને અનુરોધ કરું છું.’
સ્ટ્રોક Act F.A.S.T. ફિલ્મમાં ભાગ લેનારા અભિનેતા ભાસ્કર પટેલે ઉમેર્યું હતું, ‘stroke Act F.A.S.T. અભિયાન લોકોને સ્ટ્રોકના મુખ્ય લક્ષણો વિશે યાદ અપાવે છે અને તેમાંનુ એક અથવા વધુ લક્ષણો પોતાને અથવા અન્ય કોઈમાં દેખાય તો તરત જ 999 ઉપર ફોન કરવાનું મહત્ત્વ સમજાવે છે.
આ સર્વે દ્વારા આપણે સ્ટ્રોક વિશે શું જાણીએ છીએ તેના વિશે વિચારીશું અને આપણા પરિવાર અને મિત્રો સાથે શેર કરી શકીએ તેવી વધુ માહિતી મેળવવા પ્રોત્સાહન મળશે તેવી આશા છે. આપે માત્ર કેટલાક સરળ પ્રશ્રોના જવાબ જ આપવાના છે, જેમાં માત્ર થોડીક મિનિટ જ લાગશે.’
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ડિરેક્ટર પ્રોફેસર જુલિયા વર્ને જણાવ્યું હતું, ‘ જે લોકોને સ્ટ્રોકનું જોખમ છે તે લોકો તેના લક્ષણોથી વાકેફ થાય અને આ લક્ષણો પૈકીનું એક પણ લક્ષણ તેમને જણાય તો શું કરવું તેના વિશે તેઓ માહિતગાર થાય તે સુનિશ્ચિત કરવા અમે પ્રતિબદ્ધ છીએ. આમ થશે તો અમે લોકોને બચાવવાની તકો વધારી શકીશું.’
તેમણે ઉમેર્યું હતું, ‘અમે અમારા Act F.A.S.T. સંદેશા વિશે હાલ લોકો કેટલું જાણે છે તેની માહિતી મેળવવા માટે વધુને વધુ સાઉથ એશિયન લોકોને આ સર્વે પૂરો કરવા માટે પ્રોત્સાહન આપવા માગીએ છીએ.’
અમે સૌ વાચક મિત્રોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઅો આ સાથેની વેબસાઈટ લિંક http://bit.ly/StrokeSurveyAV પર ક્લીક કરીને સર્વેમાં ભાગ લો. આ સર્વે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ પૂરો થશે.