લંડનઃ બાળકોને સ્તનપાન કરાવવાથી તેમનો IQ વધતો નથી, પરંતુ તેઓ ઓછાં હાઈપરએક્ટિવ બને છે તેમ સંશોધનના તારણો જણાવે છે. યુનિવર્સિટી કોલેજ ઓફ ડબ્લિનના સંશોધકોએ ૩થી૫ વર્ષના ૮,૦૦૦ બાળકોની જન્મજાત ક્ષમતાઓનો અભ્યાસ કર્યો હતો. સ્તનપાન અને સમસ્યાઓના ઉકેલની ક્ષમતા વચ્ચે સંબંધ હોવાનું જાણવા મળ્યું છે પરંતુ, બૌદ્ધિક ક્ષમતા વધવાના સંદર્ભે તેની અસર થતી નથી.
નવજાત બાળકોનાં કુદરતી ઉછેર અને પોષણના મુદ્દે માતાઓ પર દબાણ વધી રહ્યું છે ત્યારે આ તારણો આવ્યાં છે. સંશોધકોએ ત્રણ વર્ષના બાળકોનાં શબ્દભંડોળ અને સમસ્યા ઉકેલની ક્ષમતાઓનું પરીક્ષણ કર્યું હતું. આ બાળકો પાંચ વર્ષના થયાં ત્યારે તેમનો વિકાસ કેવો છે તે મુદ્દે તેમના શિક્ષકોની પૂછપરછ કરવામાં આવી હતી. સ્તનપાનના લાભ માત્ર ત્રણ વર્ષની વય સુધી જ જોવા મળ્યા હતા. આ પછીના ગાળા માટે સુસ્થાપિત કડીઓ જણાઈ ન હતી. જો કોઈ લાભ હતા તો તે નગણ્ય હતા તેમ સંશોધન આલેખક ડો. લિઝા-ક્રિસ્ટિન જિરાર્ડે જણાવ્યું હતું.
એક સર્વે અનુસાર માતાઓ ભારે સંકોચના કારણે સ્તનપાન કરાવવાનું છોડી રહી છે. બ્રિટનની ૧૫૨,૦૦૦ મહિલામાંથી માત્ર ૪૫ ટકાએ બાળજન્મના માત્ર બે મહિના પછી પણ સ્તનપાન કરાવવાનું ચાલુ રાખ્યું હતું. NHSની ભલામણ એવી છે કે પ્રથમ છ મહિના તો શિશુને ધાવણ પર જ રાખવું જોઈએ અને તે પછી એક વર્ષ સુધી ધાવણ અને ખોરાકના સંયોજન પર રાખવું જોઈએ. ધાવણમાં રહેલાં એન્ટિબોડીઝ શિશુને મળે છે, જે તેમની ઈમ્યુન સિસ્ટમ્સને સુધારે છે. સ્તનપાન કરાવવાથી માતાને પણ લાભ થાય છે. બાળક સાથે તેનો નાતો ગાઢ અને મજબૂત બનવા સાથે તેમનું વજન પણ ઘટે છે.